નીલે ગગન કે તલે / ‘ન્યૂઝસ્પીક’ મ્હણજે કાય

article by madhu rye

મધુ રાય

Mar 20, 2019, 02:30 PM IST

મહાનાયક જયંતિ પટેલ કહે છે તેમ, સાત સમુદ્ર પાર અમેરિકા રહ્યે રહ્યે ભારતના સમાચાર મેળવવા કે પાકિસ્તાનના ખબરઅંતર સમજવા તે જાણે ખાટલામાંથી માંકડ વીણવા જેવી સતત ઉદ્યમની વાત છે.
સાત સમુદ્ર પારથી, પારકા પત્રકારોની પારકી આંખોનાં ચશ્માં પહેરીને ‘સત્ય’ શું છે, તે જાણવું અને તે સત્ય ‘શિવ’ છે કે કેમ, તે ‘સુંદર’ કહેવાય કે નહીં તે કળવું મહા દુષ્કર છે.

  • ન્યૂઝસ્પીક શબ્દ સન 1949માં નવલકથાકાર જોર્જ ઓરવેલે બનાવેલો છે અને પોતાની ભીષણ ભવિષ્યની આગાહી કરતી નવલકથા 1984માં પહેલી વાર વાપરેલો છે

સાત સમુદ્ર પાર બેઠાં બેઠાં કે ભારતની ધરતી ઉપર શ્વાસ લેતાં લેતાં, જન્મે ભારતીય જણ પાસે અને અલબત્ત પાકિસ્તાની શખ્સ પાસે જગત જાણવાનો ચંદ્રમણિ તો એક જ છે: સમાચાર માધ્યમો. પરદેશનાં તેમજ સ્વદેશનાં આ માધ્યમો દરરોજ ભાષાને સનસનાટીના ચાકડે ઘુમાવે છે, શબ્દોના અર્થ ઉથલાવે છે ને નવા ઉપજાવે છે, રફતે રફતે નવી બોલી, નવી ભાષા, નવો ભરમ લઈ આવે છે. ભાષાનાં બદલાતાં નાક નેણનું પંજીકરણ કરનાર ડિક્શનરીઓ વળી નવા નવા શબ્દો અને અર્થોના નવા નવા આયામ જનગણ સમક્ષ રજૂ કરે છે, જેમ કે અમેરિકાની મિરિયમ વેબ્સટર ડિક્શનરી દરરોજ વાચકોને આજ કા અલ્ફાઝ યાને વર્ડ ઓફ ધ ડેનું એક–એક પતાસું આપે છે. હાલ આખા વિશ્વમાં પ્રચલિત તણાવયુક્ત વાતાવરણમાં એમાં તાજેતરનું એક પતાસું છે Newspeak ‘ન્યૂઝસ્પીક’.

આ શબ્દ સન 1949માં નવલકથાકાર જોર્જ ઓરવેલે બનાવેલો છે અને પોતાની ભીષણ ભવિષ્યની આગાહી કરતી નવલકથા 1984માં પહેલી વાર વાપરેલો છે. તેનો અર્થ કરાય છે, અલ્પોક્તિ, વ્યંજના, અને ભાષાના પરંપરિત અર્થના ઉલ્લંઘન દ્વારા કોઈ રાજકીય કારણ કે પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિકોણનો પ્રચાર કરવા વપરાતી ભાષા, ન્યૂઝસ્પીક. આ નવલકથામાં એક ‘પરિશિષ્ટ’ પણ અપાયું છે જેમાં કોઈ ઇતિહાસવિદ ભૂતકાળના ‘ઓશાનિયા’ નામે (કાલ્પનિક) રાષ્ટ્રની રાજભાષા ન્યૂઝસ્પીકની વિસ્તારપૂર્વક મીમાંસા કરાઈ છે. લેખક ઓરવેલે પ્રચારની અંગરેજી ભાષા આખી લપટી કરીને નવલકથામાં વાપરી છે અને હવે આ શબ્દ આધુનિક સમયમાં ફેલાયેલી સમાચાર માધ્યમોની ઇંદ્રજાળ અને તુમારશાઈ છળકપટની બાની માટે વપરાતો થયો છે. ઓશિયાનાના સમુખત્યાર રાજનેતા ‘બિગ બ્રધર’ના પોલાદી શાસન હેઠળ રહેંસાતું રાષ્ટ્ર છે, જેમાં દરેક નાગરિકની પ્રત્યેક હિલચાલ ઉપર નિગરાની રખાય છે અને દરેક નાગરિકના વિચાર માત્ર ઉપર અંકુશ છે, મુક્ત વિચારને પ્રવેશ નથી. બિગ બ્રધર કહે તે જ સત્ય છે, શિવ છે, સુંદર છે. તે નવલકથાએ રાજદ્વારી નજરકેદ માટે જુમલો પ્રચલિત કરેલો, ‘ધ બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ!’ તમારી શારીરિક હિલચાલો જ નહીં, તમારા જ્ઞાનંતુઓના સેલારા પણ સેન્સર કરે છે, યાહ, બિગ
બ્લડી બ્રધર.

માણસના મનમાં વિચારો ‘ભાવ’ દ્વારા આવે છે કે ‘શબ્દ’ દ્વારા? કયા ધક્કાથી, કયા શબ્દના સ્ટ્રાઇકરથી કયા આગંતુક શબ્દની કાંકરી ઊછળે તેનો કોઈ સનાતન ‘લો’ નથી. ન્યૂઝસ્પીક શબ્દ બોલતાં બોલતાં આ લખનારના મગજમાં શબ્દો આવે છે, કોર્પોરેટ–સ્પીક, એટલે કે લાલચુ, નફાખોર, કોર્પોરેશનો ઉપભોક્તાઓને ભોળવવા માટે જે ગોળગોળ બોલી વાપરે તે; કંપની–સ્પીક, યાને કંપનીના માલિકો પોતાના સ્ટાફને ઊંઠાં ભણાવવાં, જે જૂઠાં વચન વાપરે તે અને યસ, ‘કંપની.’ અને ‘કમ્પેનિયન.’ કમ્પેનિયન શબ્દ પણ લેટિનમાંથી આવ્યો છે, com ‘કોમ’ યાને ‘સાથે’ વત્તા panis ‘પાનિસ’ યાને રોટી અને વપરાશના ક્રમે તમે ખરેખર સાથે બેસીને રોટી તોડતા હોવ કે ન હોવ, તમારી સાથે સ્મશાને ને રાજદ્વારે હાજર રહે તે કમ્પેનિયન.

ગગનવાલા ગળે ગલપટ્ટો પહેરીને સોચી રહ્યા છે, વ્હાય? કયો દૈત્ય ઇન્ડિયા ને પાકિસ્તાનના નાગરિકોની શિરાઓને ધિક્કારના ચકરાવે ચડાવે છે? જવાબ છે, બિગ બ્રધર અંગરેજ. બોંતેર વર્ષ પહેલાં એ ચાલબાજ ઔપનિવેશિક બિગ બ્રધર એવા વૈરનું આબાદ વિષવપન કરતો ગયો છે કે પાકિસ્તાનમાં સતત સરફિરા મિલિટરી લીડરો નફરત ફેલાવ્યા કરે અને ભારતને છંછેડ્યા કરે અને ભારતના નાગરિકો સતત ઉશ્કેરાટના અફીમમાં રાચ્યા કરે.
ગગનવાલા ગળે ગલપટ્ટો પહેરીને સોચી રહ્યા છે, જો આ બે દેશ આપસમાં હાથ મિલાવી લે, પહેલાંની માફક અમનથી રહેવાનો નિરધાર કરીને પોતપોતાનાં ચક્કર આવે એવાં ખગોળી તાદાદનાં મિલિટરી બજેટ પોતપોતાના દેશની તરક્કીમાં વાપરે તો ટપકું ટપકું ટપકું કે નહીં?
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી