નીલે ગગન કે તલે / આપણા આ જંગમાં જૂઠનો જયજયકાર

article by madhu rye

મધુ રાય

Mar 13, 2019, 01:26 PM IST

Family members and friends of Indian soldiers killed in the Kargil conflict gather on the conflict’s first anniversary, in 2000. Kamal Kishore/Reuters

અમેરિકાના સમાદૃત પત્રકાર ફરહાદ મંજૂ લખે છે કે એમને બંને તરફથી ભરમભરેલી બલ્લેબાજી જોવા મળે છે. આ છેતરપિંડી, આ ગપગોળાની આતશબાજી ફક્ત ભારતીયો ને પાકિસ્તાનીઓને ગભરાવે તેવી નથી, દુનિયા આખીને તેનાથી ફાળ પડવી જોઈએ, કેમ કે કોઈ કાળ ચોઘડિયે કોઈ દેશ કશાક જૂઠને સચ માનીને ન કરવાનું કરી બસે તો કુહરામ મચી જાય, યારો.

  • પાક કહે છે ભારતે કશું ઉડાવ્યું નથી, અમારું કશું નુકસાન થયું નથી

મીડિયામાં ને દૈનિકોમાં ને પત્રકારોમાં તો સરેઆમ જુઠ્ઠાણાં ચાલે છે, હવે ઇન્ટરનેટ ઉપર પણ નાગરિકો પોતે પણ મનગઢંત દાવાઓ, આક્ષેપો ને અફવાઓ ફેલાવતાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ વગેરે અસત્યનાં થાનક બન્યાં છે. જૂના ફોટાની ઉપર પીંછાં ફેરવી ‘આજના ખબર’ તરીકે ખપાવાયાં છે, તેવા જાલી ફોટા સામસામે શેયર કરાયા છે ને ટીવી વગેરે ઉપર એયર કરાયા છે, તો સામે સાચા ફોટાને બનાવટી કહીને તુચ્છકારાયા છે.
ન્યૂ યોર્ક ટાઇમ્સ લખે છે કે વાયુદળોની ડોગફાઇટમાં ભારતીય વિમાનોએ પાકિસ્તાનના હવાઈજહાજો પાસે હાર ખાધી છે, કેમ કે ભારતનાં વિમાન જૂનાં રશિયન મિગ વિમાનો છે જે ખખડી ગયાં છે ને પાક પાસે અમેરિકા નિર્મિત ફક્કડ જહાજો છે. આ વાતમાં બીજી એક ગુંલાટ તે છે કે પાક ફોજને તે વિમાનો ‘ભારત સામે નહીં વાપરે’ તેવી શરતે મળેલાં અને તેથી પાક તે વાત ઢાંકેલી રાખવા માગે છે.

લંડનનું દૈનિક ગાર્ડિયન લખે છે કે મોટાં ઢોલનગારાં સાથે પાકિસ્તાને ભારતીય પાઇલટને મુક્ત કર્યા તેમાં તેને શાંતિપ્રિય મુત્સદ્દી જેવો યશ મળેલો છે, પરંતુ આ રીતે પકડાયેલા દુશ્મનના સૈનિકોને ફરજિયાત છોડવા જ પડે એવો ઇન્ટરનેશનલ લો છે. પાકિસ્તાને સદ્્ભાવ જરૂર બતાવ્યો છે, પણ ઉપકાર કર્યો નથી.
અમેરિકાના સમાદૃત સામયિક એટલાન્ટિકમાં સી. ક્રિસ્ટીન ફેર નામે લેખિકા માહિતી આપે છે કે આ જંગમાં અને વીસ વરસ પહેલાંના કારગીલના જંગમાં બંને દેશોએ આશરો લીધેલો જૂઠનો, મહાજૂઠનો ને સવાઈજૂઠનો, જે કારણે આપણે સાવ ભસ્મીભૂત થઈ ગયા નથી અને હજી દાળરોટી ખાતા પીતા વનડે મેચ જોતાં જોતાં સામસામાને ભોંયભેગા કરવાના નારા પોકારીએ છીએ.

ભારત કહે છે કે તેણે બાલકોટમાં આતંકીઓનો મદરેસો ઉડાવી દીધો, પણ કોઈ સબૂત નથી તેની પાસે. પાક કહે છે ભારતે કશું ઉડાવ્યું નથી, અમારું કશું નુકસાન થયું નથી; પણ તે દાવાને સાબિત કરવાના કોઈ ફોટા બતાવતું નથી, જે કોઈ બતાવે છે તે જરી પુરાણા વોરના ફોટા છે. પાક કહે છે અમે ભારતનાં બે વિમાન ઉડાવી દીધાં છે, પછી સુધારીને કહે છે કે બે નહીં એક. ભારત કહે છે અમારા પાઇલટે એક પાકિસ્તાની જેટને ધૂળ ચાટતું કરી દીધું છે. ફાઇન! સાચા ફોટા તો કોઈએ મૂક્યા જણાતા નથી, પણ એટલાન્ટિક કહે છે કે આ કિસ્સામાં પાકિસ્તાને સરસર જૂઠની ઝંડી ફહેરાવી છે. સામે ભારતના એક યૂઝરે તો એક વીડિયો ગેઇમના ફોટા પ્રચલિત કરી દીધા છે, દેખો દેખો ઇન્ડિયા કા કમાલ દેખો, પાકિસ્તાની ડોગફાઇટ દેખો! અને કોઈ પણ દેશમાં કોઈ માડીજાયો કશોય પુરાવા જોવા માગે તો તેને ગદ્દાર કે દેશદ્રોહી કહી ધુત્કારી દેવાય છે. પાક કહે છે કે 14 ફરવરીનો હુમલો જૈશે મોહમ્મદ કર્યાનો કોઈ પુરાવો નથી, પરંતુ અમાં યાર, જૈશે મોહમ્મદ ખુદ કહે છે કે સ્યુસાઇડ બૌમ્બર હમને ભેજા હૈ!

મહેરબાન સાહેબાન, એક રીતે આ અ–સત્ય–નારાયણે કદાચ આપણી ગરદન બચાવી લીધી છે. કમ્પ્યૂટરની સ્ક્રીન ઉપર કે ફોનના ફેસ ઉપર કે ટીવીના પરદે ખેલાતી આ લુખ્ખા ભરમની હોકીથી સામા પક્ષને ધૂળધાણી કરવાના કે કરી નાખ્યાના બંને દેશની પ્રજાના અરમાન પૂરા થાય છે ને યુદ્ધ કે અણુયુદ્ધનો રૌદ્ર, હિંસ્ર, ક્રૂર, દુર્દાન્ત અને મહાવિકરાળ ચહેરો જોવાની નોબત આવતી નથી. પાકના વઝીરે આઝમ દુનિયાના મંચ ઉપર સંયમશીલ રાજનેતા તરીકે અને પકડાતાં પહેલાં તળાવમાં ભૂસકો મારીને, નકશા ચાવી જઈને, પિસ્તોલના વાર વડે હુમલાવરોને ભગાડીને ભારતના વિમાનચાલક અભિનંદન વર્ધમાન મહાનાયક તરીકે પંકાય છે અને મહાયુદ્ધની ખુવારી હાલપૂરતી ટળે છે. હવે વાતચીતોથી, મંત્રણાઓથી, ભાઈચારાથી કાંઈક નીવેડો આવે એવી મનોકામના સાથે ફિર સે બોલો મેરે સાથ એક બાર, મેરા ભારત મહાન, જય જવાન!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી