નીલે ગગન કે તલે / ‘હેશટેગ સેય નો ટુ વોર’

article by madhu rye

મધુ રાય

Mar 06, 2019, 01:21 PM IST

ન્યુક્લિયર સમિટ નિમિત્તે વિયેતનામ આવેલો એક ભૂતપૂર્વ અમેરિકન સૈનિક ટીવીના સંવાદદાતાને કહી રહ્યો છે કે લડાઈમાં મેં એક વિયેતનામી સૈનિકને મારેલો. પછી તેના શબની પાસે જઈને મેં તેનાં ખિસ્સાં તપાસ્યાં તો તેમાંથી એક ફોટો નીકળ્યો. સૈનિક પોતે, તેની પત્ની અને બાળકો. ‘હી વોઝ જસ્ટ લાઇક મી! એ ફેમિલી મેન! આજે પચાસ વર્ષ પછી પણ તે યાદ આવતાં મારી આંખો ભીની થઈ જાય છે.’

  • આતંકી હુમલાના જવાબમાં ભારત કહે છે તેણે આતંકીઓનો તાલીમી અડ્ડો સાફ કરી 350 આતંકીઓને જન્નત ભેગા કર્યા છે

આ લખાઈ રહ્યું છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જુદ્ધરમણની ગરમાગરમી છે. દ્વારકાનો નાથ અને પાક પરવરદિગાર અમીદૃષ્ટિ રાખે ને આ છપાય ત્યાં સુધીમાં કશું વધુ અમંગળ ન બને. આતંકી હુમલાના જવાબમાં ભારત કહે છે તેણે આતંકીઓનો તાલીમી અડ્ડો સાફ કરી 350 આતંકીઓને જન્નત ભેગા કર્યા છે. તેના પ્રત્યુત્તરમાં પાક વાયુસેનાએ ભારતનાં બે વિમાન તોડી પાડ્યાં છે, એક પાઇલટને કેદ કર્યો છે. પાકિસ્તાની વાયુદળ કહે છે કે ભારતે અમારો બાલ ભી બાંકો કીધો નથી, હા એકાદ કાગડો મરેલો દેખાય છે ખરો.
ભારત સાથે ‘હન્ડ્રેડ ઇયર્સ વોર’ યાને સો વરસ સુધી લડતા રહેવાની ગર્જના કરનાર ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની પૌત્રી, મુરતઝા ભુટ્ટોની પુત્રી અને બેનઝીર ભુટ્ટોની ભત્રીજી, મેડમ ફાતિમા ભુટ્ટો પાકિસ્તાની સાહિત્યકાર છે. આજના ન્યૂ યોર્ક ટાઇમ્સમાં તે લખે છે કે અમે 1947, 1965, 1971 અને 1999 એમ ચાર વાર સામસામે લોહા લિયા હૈ. અમારા બે દેશ વચ્ચે કદી અમનચમન તો મેં જોયાં જ નથી. હવે મેદાને જંગ ઉપરાંત જીવનમાં પહેલી વાર જંગ ખેલાય છે ટ્વિટર ઉપર! એક્ટર અજય દેવગન કહે છે કે ‘mess with the best, die like the rest’. રવિના ટંડન કહે છે, ‘વાહ કેવો વિસ્મય! કેવો વિસ્ફોટ!’ કંગના રનૌત મુક્કા ઉગામી જાહેર કરે છે કે, ‘બોલિવૂડમાંથી પાકિસ્તાની એક્ટરોનો બહિષ્કાર કરવાથી કાંઈ નહીં વળે, પાકિસ્તાનના ભુક્કા બોલાવો, ભુક્કા.’ કોઈ યુદ્ધની વિરુદ્ધ સહેજે ઊંહકારો કરે કે સંયમની કે શાંતિની પ્રાર્થના કરે તો તરત તેને દેશદ્રોહીનો તગમો લાગી જાય છે: #indiastrikesback, #terroristanpakistan, #pakapologist.
ફાતિમા લખે છે કે આ પ્રસંગે પહેલી વાર પાકિસ્તાને સંયમ દાખવ્યો છે: અનેકોએ ઈંટ કા જવાબ પથ્થર સે દેવાના અવિચારી પોકાર કીધા છે, તો પણ સામે અનેક પાકિસ્તાનીઓએ ભારત પ્રતિ સદિચ્છાના પ્રતીક રૂપે પકડાયેલ પાઇલટ ભારતને સોંપવાની વાત ઉચ્ચારી છે. પાકિસ્તાનના વઝીરે આઝમ ઇમરાન ખાન ભારતને સીધો સવાલ પૂછે છે : ‘આપણે અણુશસ્ત્રોનું જોખમ લેવા જેવું છે કે?’ ફિઝિશિયન્સ ફોર સોશિયલ રિસ્પોન્સિબિલિટી નામે એક અણુશસ્ત્રવિરોધી સંસ્થાના હેવાલ મુજબ ભારત–પાકિસ્તાનનું અણુયુદ્ધ થાય તો તેની અસર દુનિયામાં દૂર દૂર સુધી ફેલાય અને ભૂખમરાથી ને રાેગચાળાથી એક બિલિયનથી બે બિલિયન (100,000,000,000થી 2,000,000,000,000) લોકોનાં અપમૃત્યુ થાય.
ફાતિમા એકરાર કરે છે કે આજ સુધી સતત ખુદ પાકિસ્તાનની અંદર ને અંદર જ સામસામાની પિટાઈથી, મિલિટરી સરમુખત્યારશાઈથી, આતંકીઓના ઉત્પાતથી અને રાજકીય અસ્થિરતાથી સૌથી વધુ ખુવારી ભોગવી છે પેઢી દર પેઢીથી પાકિસ્તાની જનતાએ, યાને અમે! હવે અમારે કોઈ જંગ નથી જોઈતો, હવે અમારામાં ધર્મના નામે કે દેશના નામે ખાલી ખાલી ઝઝૂમતા રહેવાની બિલકુલ ધીરજ નથી. ભુટ્ટો કહે છે કે અમે અમારી જિંદગી આખી હિંસામાં વિતાવી છે; હવે એક પણ પાકિસ્તાની સોલ્જર મરે તે અમને મંજૂર નથી. હવે એક પણ ભારતીય સોલ્જર મરે તે પણ અમને ન ખપે. અમારો આખો ઉપખંડ એક વિરાટ યતીમખાનું બની જાય તે કોઈને પોસાય તેમ નથી. પીસ, અમારે પીસ જોઈએ! અને ટ્વિટર ઉપર #saynotowar નામના એકાઉન્ટને એવડો ગંજાવર આવકાર મળ્યો છે કે સડસડાટ તે વર્લ્ડવાઇડ નંબર વનની ગાદીએ પહોંચી ગયેલ છે.
ગગનવાલા આત્મસમ્માનમાં અલબત્ત માને છે. એક હુમલાનો જવાબ અપાયો, વન્ડરફુલ, પણ હવે રાષ્ટ્રવાદના નામે, ધર્મના નામે, ટોળાના ઝનૂનમાં, માસ હિસ્ટીરિયામાં ભોળવાઈને કોઈ નેતા કે કોઈ ધર્મગુરુ ‘મારો! મારો!’ના નારા લગાવે ને બેકસૂર નાગરિકોના જાનના ભોગે અપનો ઉલ્લુ સીધો કરે તે પહેલાં ભારત અને પાકિસ્તાને બંનેએ સામસામાનાં ખિસ્સાં તપાસીને સમજવાની જરૂર છે કે ‘હી ઇઝ જસ્ટ લાઇક મી! એ ફેમિલી મેન!’
madhu.thake[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી