નીલે ગગન કે તલે / કામિની દેસાઈને તમે ઓળખો છો?

article by madhu rye

મધુ રાય

Feb 13, 2019, 03:19 PM IST

અમદાવાદના દિનેશ હોલમાં બીજા અંકનો પરદો બંધ થઈ રહ્યો છે, પ્રેક્ષાગાર ક્રમશ: ઘટ્ટ અંધકારમાં ગરક થતું જાય છે ને સ્ટેજની સામેની ભીંતેથી એક અશરીરી અવાજ ગરજી રહ્યો છે, ‘તમે કામિની દેસાઈને ઓળખો છો?’, ‘તમે કામિની દેસાઈને ઓળખો છો?’, ‘તમે કામિની દેસાઈને ઓળખો છો?’
તેનાં 50 વર્ષ બાદ મુંબઈમાં સંજય છેલની આંગળી પકડીને હું એક ગુજરાતી ફિલ્મના પ્રીમિયરમાંથી બહાર નીકળું છું, લોબીમાં સિદ્ધાર્થ રાંદેરિયા વિલસે છે, કોફીશોપ સામે અરવિંદ વૈદ્ય જડે છે, પાર્કિંગ લોટમાં પંડિત ઉત્તમ ગડા સાંપડે છે, ગુજરાતી શો બિઝનેસના તારકો, મહાનાયકો ટ્વિન્કલ ટ્વિન્કલ થાય છે અને એક નમણો ચહેરો નમસ્તે કરે છે, ‘હું રૂપા દિવેટિયા. દામિની મહેતાની ભત્રીજી!’ હું તપાક કરીને પૂછું છું, ‘ઓહો! કેમ છે, દામિનીબહેન?’ રૂપાબહેન જણાવે છે કે, ‘ચાર દિવસ પહેલાં દામિનીબહેનનો સ્વર્ગવાસ થયો છે.’ અને નવલકથાઓમાં થાય છે તેમ સાંયસાંય મારાં ગાત્રોમાં વિદ્યુત વેગે જુવાનીનું હોટ બ્લડ ખળખળે છે; આંખો દિનેશ હોલના સ્ટેજનો બંધ થતો પરદો સંભારે છે ને કાન સાંભળે છે, ઘટ્ટ અંધકારમાં ગાજતો અશરીરી અવાજ, તમે દામિની મહેતાને ઓળખો છો?

  • સ્ટેજનો બંધ થતો પરદો સંભારે છે ને કાન સાંભળે છે, ઘટ્ટ અંધકારમાં ગાજતો અશરીરી અવાજ, તમે દામિની મહેતાને ઓળખો છો?

સન 1967માં હું કલકત્તાથી અમદાવાદ આવેલો ત્યારે મારા હોલડોલમાં એક ફારસનો પહેલો અંક તૈયાર હતો. સંયોગથી ‘દર્પણ’ સંસ્થાના કૈલાસ પંડ્યાએ તે વાંચ્યો અને તત્કાલ તેને ભજવવાનો નિર્ણય કરી નાખ્યો. ‘નાટકમાં નાટક’નું તે ફારસ હતું અને તેમાં પહેલા અંકના અંતે નાટકની નાયિકાના હાથે એક પ્રેક્ષકનું ખૂન થતું હતું, પરંતુ તેનો એક જ અંક લખેલો હતો, ‘નાટકને નામ શું આપીશું?’ કૈલાસભાઈએ પૂછ્યું અને મેં તત્ક્ષણ કહ્યું, ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ નાયિકાનો રોલ દામિની મહેતા કરવાનાં હતાં તેથી ‘ખૂન’ કરનાર નાયિકાનું નામ મૂકી દીધું કામિની. દામિની મહેતા/કામિની દેસાઈ. નાયક કૈલાસ પંડ્યા/જગન્નાથ પાઠક. ફટાફટ નાટક પૂરું કરવાની વરધી મળેલી એટલે કૈલાસભાઈએ મને પણ નાટકમાં એક લાઇન બોલતા પાત્રનો રોલ આપ્યો, મધુ ઠાકર/કેશવ ઠાકર. પ્લસ, હિંમત કપાસી/પ્રીતમ સોની.
તત્કાલ તે ફારસનાં રોજે રોજ રિહર્સલ શરૂ થઈ ગયાં અને પરસ્પરની પ્રતિભાઓનાં આકર્ષણ–અપાકર્ષણથી તણખા ખરે તેમ જાણે આપોઆપ નાટક લખાતું ગયું, લખાતું ગયું. મારી સો ટકા દૃઢ માન્યતા છે કે કૈલાસભાઈ ન હોત તો આ નાટક ન ભજવાયું હોય, પરંતુ દામિનીબહેને કામિની દેસાઈનો રોલ ન કર્યો હોત તો આ નાટક લખાયું જ ન હોત. અલબત્ત ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટક ફક્ત આઠ શોમાં સમેટાઈ ગયેલું, ઓન્લિ એઇટ શોવ્ઝ. પીતાંબર પટેલે રિવ્યૂ લખેલો ‘ગંધાતું ફૂલ’ અને ચિનુ મોદીએ ચુકાદો આપેલો, ‘મધુએ મૃણાલિનીને ફૂલ બનાવી.’ પરંતુ ક્રમે ક્રમે આ નાટક આકાશવાણીના નેશનલ પ્રોગ્રામ ઓફ પ્લેયઝ અંતર્ગત ભારતની ચૌદ ભાષામાં ભજવાયું, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અભ્યાસક્રમમાં મુકાયું, હિન્દી, મરાઠી, અંગ્રેજી તખતે ભજવાતું રહ્યું અને કહે છે કે હજી સુધી મરાઠીમાં કશેક ભજવાઈ રહેલ છે.
આ સર્વ સિદ્ધિ પ્રસિદ્ધિ સંભવી ન હોત જો આ નાટક લખાયું જ ન હોત અને યસ, યસ, ગોડડેમઇટ ઓફ કોર્સ યસ, દામિની/કામિની સાથે અભિનય કરતાં કરતાં, નાટક લખતાં લખતાં મારા ફક્ત એક લાઇન બોલતા પાત્ર કેશવ ઠાકરમાંથી મેં આબેહૂબ આદમકદ ખલનાયક ઘડી કાઢેલો, કામિનીના લિબાસમાં સર સર સરકતી સાડીમાં હિપ્નોટિક ડગલાં ભરતી અભિનેત્રીથી મારું પાત્ર કેશવ ઠાકર બુદ્ધિલુપ્ત બનેલું. દામિની મહેતાના પાત્ર કામિની દેસાઈના તુમુલ યૌનાકર્ષણથી દંતક્ષત બનીને કેશવ કહેતો હતો, ‘હા, કામિનીનો બીજો પ્રેમી હતો, હું પોતે, કેશવલાલ પુરુષોત્તમ ઠાકર. કામિની ચાલે તે ભૂમિ ચૂમવાની મારી તૈયારી હતી.’

આ નાટકના કારણે ક્રમશ: મને અમેરિકા જવાનું થયું, ત્યાંથી ‘ઇમ્પ્રોવાઇઝેશન’ની પ્રયુક્તિ શીખી લાવીને મેં અમદાવાદમાં ‘આકંઠ’ની નાટ્યલેખન પ્રવૃત્તિ શરૂ કરી જેના ફળે લાભશંકરે લખ્યું ‘પીળું ગુલાબ’ અને ચિનુએ લખ્યું ‘નવલશા હીરજી’. આમ, ગુજરાતી નાટ્યલેખનમાં અજાણતાં તિર્યક ગતિક્ષેપ કરનાર તથા મારા જીવનમાં હેરપિન વળાંક લાવનાર દામિની મહેતાને હું કામિની દેસાઈના લિબાસમાં એકાદ વર્ષથીયે ઓછા સમય દરમિયાન મળ્યો હતો અને આજ સુધી દામિની મહેતાની તે જ પ્રતિચ્છવિને ઓળખું છું. ને મનમર્કટ પલાખું પૂછે છે, ખરેખર? દામિની મહેતાને તમે ઓળખો છો? પાંસળાં ભીંસાય તેવા પ્રીતાશ્લેષ સાથે, સો લોન્ગ, માય સુપરસ્ટાર!

[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી