નીલે ગગન કે તલે / એક અનોખો સાહિત્ય–કલા ચંદ્રક

article by madhu rye

મધુ રાય

Feb 06, 2019, 12:49 PM IST

વઢવાણ/સુરેન્દ્રનગરના સમચારપત્ર ‘સમય’ના સ્થાપક નિષ્ઠાવાન પત્રકાર સ્વ. ભાનુભાઈ શુક્લના પુત્ર છે અમેરિકા–સ્થિત ઉદ્યોગપતિ રાહુલ શુક્લ, જે સ્વયં ઉદ્યોગપ્રવીણ હોવાની સાથે સાથે કંપ્યુટર–પટુ છે, સિનેમા–કીટ છે, ફોટોગ્રાફર ફિટમફિટ છે, શૃંગારી વાર્તાકાર છે અને દિલાવર દોસ્તાર છે. એમની સતત ટીખળ કર્યા કરવાની પ્રકૃતિના કારણે તેમને અમેરિકાની વિધવિધ સંસ્થાઓના મેળા મેલાવડાઓમાં ‘એન્કરિંગ’ કરવા કાયમ નિમંત્રાય છે, જે રાહુલભાઈ સહર્ષ અને નિ:શુલ્ક સ્વીકારતા હોય છે.

  • પિતા બાળકના જીવનનો પ્રથમ ‘ગોડ’ છે

આ પાનાંઓમાં પૂર્વે મેં રાહુલભાઈના નિર્ભીક પત્રકાર પિતા વિશે લખ્યું છે ને પોતાની ઊંચાઈ વધારવા પોતાના પગનાં હાડકાંમાં શસ્ત્રક્રિયા કરાવનાર એમના પુત્ર વિશે પણ લખ્યું છે, પણ ખુદ રાહુલ શુક્લ વિશે લખ્યું નથી. ગયા વર્ષે એમણે પોતાના માતાપિતાના સ્વર્ગવાસ પછી એમનું એક પુસ્તક પ્રગટ થયું, ‘વિયોગ’ જેની ચર્ચા આ અને આવી પૂર્તિઓમાં થયેલી, તે પ્રસંગે પણ તે કેવળ કીર્તિગાન ગણાઈ જાય તેવા સંકોચવશ મેં કશો ઉલ્લેખ કરેલ નહીં.

પરંતુ આ વખતે લખવાનો આબાદ અવસર છે, કેમ કે ગયા અઠવાડિયે પિતાશ્રીની જન્મશતાબ્દી નિમિત્તે રાહુલભાઈ દ્વારા સુરેન્દ્રનગર મુકામે ગુજરાતની શાન સરખા મુરબ્બીશ્રી શહાબુદ્દીન રાઠોડને રૂ. એક લાખનું પારિતોષિક તથા ‘ભાનુભાઈ શુક્લ સાહિત્ય–કલા ચંદ્રક’ એનાયત
થયાં.

તે સમારંભની સ્મૃતિપંજિકામાં રાહુલભાઈ લખે છે: ‘મારા પિતા ભાનુભાઈ શુક્લની ઇચ્છા હતી કે એમની સ્મૃતિમાં સાહિત્યનો ચંદ્રક અને એક લાખ રૂપિયાનો પુરસ્કાર દર વર્ષે દેવાય. તેમાં અમુક કારણોસર મને પાંચ વર્ષનું મોડું થઈ ગયું, પણ તે મોડાનો બદલો સારી રીતે લેવાયો છે, કેમ કે આપ સૌ જેવા ધુરંધર અને માતબર સાહિત્યકારો, કલાકારો અને સાહિત્યરસિક પ્રેક્ષકોની અહીં હાજરી છે તો આ સાહિત્ય મેળો જોઈ અનંતના કિનારે બેઠા બેઠા મારા પિતા કેટલા ખુશ થતા હશે.’

આ લખતાં લખતાં ભાસે છે કે આ લેખ દરઅસલ એક કૃતજ્ઞ પુત્રની પિતા અંગેની લાગણી વિશે છે; સાથે સાથે સાહિત્ય અને કલા વિશે પણ છે, કેમ કે પારિતોષિક પ્રદાનના સમારંભમાં રઘુવીર, રજનીકુમાર અને દિનકર જોષી–શા સાહિત્યકારો અને પ્રતીક ગાંધી, ઉત્કર્ષ મઝુમદાર–શા કલાકારો સમેત કુલ ચોંત્રીસ વિધવિધ પ્રતિભાઓનો મેળો ઉજવાયેલો. જેમાં કવિ સમ્મેલન થયાં; સાહિત્યિક માહિતીની સ્પર્ધા થઈ; વરેણ્ય પંડ્યા નામે બાળ કલાકારના ઘુંટાયેલા બુલંદ કંઠસ્વરે ગીતો ગવાયાં; ઉદય મઝુમદાર અને પલ્લવ પંડ્યાનાં સંગીત પેશ થયાં; આણિ ઇશાન દોશી લિખિત અને પ્રતીક ગાંધી અભિનીત ‘મોહનનો મસાલો’ તથા સૌમ્ય જોશી લિખિત અને જિજ્ઞા વ્યાસ દ્વારા અભિનીત નાટક ‘પાડાની પોળ’ નાટક પણ ભજવાયાં; વધુમાં, ફક્ત એક વાર્તા માટે રૂ. ૫૧,૦૦૦ જેવડો તોતિંગ પુરસ્કાર ભારતની બાવીસ ભાષાઓમાંથી ફક્ત ગુજરાતીમાં જ પ્રદાન કરનાર ‘મમતા’ વાર્તાસ્પર્ધાના વિજેતાઓની જાહેરાત અને ઇનામ વિતરણ પણ થયાં.

તારીખ ૨૬ અને ૨૭ જાન્યુઆરીએ આવો મેલાવડો રાહુલભાઈની આધુનિક ફેક્ટરીમાં સંપન્ન થયો તે ફેક્ટરીની ભૂમિ પણ પૂર્વે સ્વ. ભાનુભાઈની જ માલિકીની હતી અને રાહુલભાઈએ ઉપર ત્રણચાર વર્ષ પહેલાં જ બંધાવેલ છે.

કોઈ કૃતજ્ઞ પુત્રને પોતાના પિતા માટે અક્ષુણ્ણ અહોભાવ હોય તે જે–ને જે–ને પિતા છે તે સૌ સમજી શકે છે, કેમ કે પિતા તે બાળકના જીવનનો પ્રથમ ‘ગોડ’ છે. તેવા ગોડના પૂજન-અર્ચનમાં કાવ્ય, કથાસાહિત્ય, નાટક, સંગીત અને હાસ્ય પરોવીને સુરેન્દ્રનગર/વઢવાણના પ્રજાજનોને જીવનના લાલિત્યનો અનુભવ કરાવનાર રાહુલ શુક્લ પોતાના કાર્યદક્ષ કર્મચારીઓ અને કુશાગ્ર પરિજનોને બિરદાવતાં કહે છે કે ‘આમ ટૂંકમાં બધી રીતે, હું પોતે બહુ નસીબવાળો માણસ છું.’ પોતે કરેલાં કામની ક્રેડિટ અન્યો સાથે વહેંચવામાં એમને આનંદ આવે છે.

આ પ્રસંગે શી શી ખૂબીઓ હતી અને ખામીઓ હતી તે વિશે અન્યત્ર લખાયું છે. પોતાની જાતનો અને અન્યનો સતત ઠઠ્ઠો કરવાની રાહુલભાઈની ટેવથી અણજાણ લોકોએ કશેક એની ટીકા પણ કરી છે.

આજના સેલ્ફી ને સેલ્ફિશ યુગમાં નગુણા હોવું, ઉદ્ધત વર્તન કરવું અને અરુચિકર વાણી ને વર્તન ‘ન્યુ નોર્મલ’ મર્દાનગી ગણાય છે. તેવા સમાંમાં માતાપિતા પ્રત્યે આદર, પરિજનો માટે લાગણી અને પારકાં માટે સહાનુભૂતિનો ઓચ્છવ કરવા બદલ અને તે ઓચ્છવમાં નિર્દંશ, પ્રસન્ન હાસ્યના કલાકારને સન્માનથી નવાજવા બદલ રાહુલભાઈ અને શુક્લ પરિવાર અભિનંદનને પાત્ર છે.

જય વનેચંદ!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી