Back કથા સરિતા
મધુ રાય

મધુ રાય

સમાજ, સાંપ્રત (પ્રકરણ - 42)
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

‘રોકે ના રુકેં નૈનાં’

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  

ગયા અઠવાડિયે અમેરિકાના લાસવેગાસ શહેરમાં નવાં નવાં ઇલેક્ટ્રોનિક સાધનોનો મેળો ભરાયેલો, જે દર વર્ષની માફક આ 2019ના વર્ષમાં નવું નવું શું શું બજારમાં આવવાનું છે તેનો કુક્કુટનાદ કરે છે. છેલ્લાં બે વરસમાં ઓક્યુલસ, એચટીસી, ગૂગલ અને સેમસંગ આદિ ‘ટેક’ કંપનીઓ નિર્મિત વર્ચ્યુઅલ રિયાલિટીના હેડસેટસ અને સોફ્ટવેર અને ગેમ્સનો રસાલો હાલ જ બજારમાં છે. તેમ છતાંય તે ઘરઘરમાં વપરાશની જણસ બનેલ નથી.

  • કેટલીક એવી ‘શોધો’ છે જે નજીકના ભવિષ્યમાં જનસાધારણના વપરાશમાં નહીં આવે. જેમ કે સ્વયંચાલિત કાર

એવી રીતે કેટલીક એવી ‘શોધો’ છે જે નજીકના ભવિષ્યમાં જનસાધારણના વપરાશમાં નહીં આવે. જેમ કે સ્વયંચાલિત કાર. હાલ ભલે તેની ચર્ચા ગરમાગરમ હોય, પરંતુ તેને રસ્તા ઉપર આવવામાં દાયકાઓની વાર છે.


ભારતના લોકજીવનના પ્રાણવાયુ સમાન સ્માર્ટફોનમાં ટુજી ને થ્રીજી ને ફોરજી વગેરે ટેક્નોલોજીથી ફોનધારકો સુપરિચિત છે. હવે ફોરજીથીયે વધુ ઝડપી આવૃત્તિ ફાઇવજી આવી રહી છે, જે અમુક સેકન્ડમાં માનો કે ‘બાહુબલી’ના બંને ભાગ ડાઉનલોડ કરી નાખશે. ફોન ઉપરાંત તે ફાઇવજી ટેક્નોલોજી રોબોટ સંચાલનમાં, સ્વયંચાલિત મોટરગાડીઓમાં, સિક્યુરિટી કેમેરાઝમાં અને ડ્રોન્સમાં પણ પોતાની કમાલો બતાવશે. ટેક્નોલોજીમાં એક સરસ શબ્દ છે, ‘લેટેન્સી (latency)’! યાને એક ડિવાઇસ બીજી ડિવાઇસ સાથે તાલ મિલાવવામાં જે સમય લે, તે સમય છે લેટેન્સીનો સમય. ફાઇવજી થકી લેટેન્સીનો ગાળો સખ્ખત ઘટી જશે.


પરંતુ હાલ પૂરતું તમારે બાહુબલી ડીવીડીમાં જોઈ લેવું હિતાવહ છે, કેમ કે ફાઇવજીના ફેરિયાઓ જણાવે છે કે હાલ તરત તો ફાઇવજી અમેરિકાનાં અમુક નગરોમાં ને જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ચીન, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયામાં દેખા દેશે. સેમસંગ તથા ચીનની કેટલીક બનાવટો સિવાય બધી કંપનીના સ્માર્ટફોન ફાઇવજીમાં ચાલશે નહીં; ફાઇવજી આઇફોન માટે 2020 સુધી રાહ જોવાની રહેશે.


જે હાલ જ લોકપ્રિય થઈ રહેલ છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતાં ઉપકરણોમાં આ વર્ષે વળી ગંજાવર ઉમેરો થશે. ન્યૂ યોર્ક ટાઇમ્સના બ્રાયન ચેન કહે છે કે રોબોટ વેક્યૂમ, રેફ્રિજરેટર, કાર એક્સેસરીઝ વગેરેમાં માણસના અવાજથી આપેલા આદેશોનો અમલ કરનાર ‘વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ’ આ વર્ષે રાજા પાઠમાં આવશે, એમાં આગળ પડતી ભૂમિકા ભજવશે ‘એમેઝોન એલેક્સા’ અને ‘ગૂગલ આસિસ્ટન્ટ’.


અત્યારે આપણી કલ્પનામાં નથી આવતું કે બે-ત્રણ દાયકા પછી જીવન કેવું હશે! તમારા મિસ્ટર ગયા છે બિઝનેસ ટ્રિપ ઉપર ને બાળકો ગયાં છે સ્કૂલની ટૂર ઉપર, તોય ઘરમાં તમે સાવ ‘એકલાં’ નથી, તમે સવારે ઊઠીને માઇક્રોવેવને કહી શકો, ‘ચાલ, ઢોકળાં બનાવ’ કે વોટેવર! કારમાં બેસીને તમે સ્ટિરિયોને કહી શકો કે સાયગલનાં સોન્ગ વગાડ કે અરિજિતનું ગાણું ગા, ‘રોકે ના રુકેં નૈનાં’. ઓફિસે પહોંચીને તમારા સ્માર્ટફોનને હુકમ કરી શકો કે આજની એપોઇન્ટમેન્ટ્સ કઈ કઈ છે?


જાપાનમાં, કહે છે કે, ઇલેક્ટ્રોનિક ‘પ્રાણી’ શોધાયાં છે, જે દાખલા તરીકે બેટરીથી ચાલતાં કૂતરાં–બિલાડાં. તમે તેને પંપાળી શકો, વહાલ કરી શકો તેની સાથે ગેલગમ્મત કરી શકો.

તે સામાં તમને બુચકારે ને મજા કરાવે, પણ તેને ખવરાવવાની કે તેનાં મળમૂત્ર સાફ કરવાની જરૂર નહીં. તે જ રીતે ક્રમશ: માણસ કદાચ બીજાં માણસથી વેગળો થતો જાય છે, પોતાની આસપાસ એલેક્સા ને આઇફોન ને શી ખબર બીજાં કયાં કયાં નિર્જીવ ‘પ્રાણી’ એકત્ર કરીને સજીવ પ્રાણીઓથી, માણસોથી છૂટો પડતો જાય છે. હાલ જ ફોન દ્વારા માણસ પોતાનામાં સ્વયંપર્યાપ્ત બનીને સેલ્ફીમાં ને ફોરવર્ડમાં જીવનનો આનંદ માણે છે.

એક રીતે જુઓ તો આ રીતે માણસ વધુ ને વધુ એકલસૂરો અને આત્મરત થતો જાય છે. ધીમે ધીમે, માનો કે આવતાં વીસ વરસમાં, જીવનના દરેક ક્ષેત્રમાં, ઘરમાં, રસોડામાં, દીવાનખાનામાં, કારમાં ને દફ્તરમાં આ નિર્જીવ સહાયકો માનવ સહાયકો કરતાં અનેકગણા સક્ષમ અને સરળ બનશે.


કલ્પના થાય છે? કે એક દિવસ માનવ સંબંધોની તડકી છાંયડીની કડાકૂટ ન હોય એવા ફક્ત નિર્જીવ સહાયકોની સાથે જ આપણે જીવનની તમામ ગેલ ગમ્મત કરતાં હોઈશું? અને આપણા જેવાં બીજાં મનુષ્યો પણ પોતપોતાની ‘અલેક્સા’ સાથે ગુલતાન હશે? અને સજીવ માનવ સહાયકોનો ઉપયોગ કેવળ સંતાન મેળવવા પૂરતો જ હશે? ત્યારે ‘રોકે ના રુકેં નૈનાં’ ગાવાને બદલે આપણે શું ગાતા હોઈશું? લા હૌલ વિલાકૂવત! ત્યારે આપણે ‘કળશ’ને બદલે શું વાંચતા હોઈશું? વિશ્વકર્મા દેવ કી જય!
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP