Back કથા સરિતા
મધુ રાય

મધુ રાય

સમાજ, સાંપ્રત (પ્રકરણ - 42)
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

સો સો શિયાળા સુધી જીવજો, હો રાજ

  • પ્રકાશન તારીખ03 Jan 2019
  •  

ગયા અઠવાડિયે અમેરિકાના સૌથી મોટી વયના વડીલ રિચર્ડ ઓવરટનનો 112 વર્ષની વયે અમેરિકામાં સ્વર્ગવાસ થયો. આખા જગતમાં સૌથી મોટી વયની ત્રણ વ્યક્તિઓમાં તે ત્રીજા હતા. તે અમેરિકાની ગુલામીની પ્રથા અંતર્ગત ગુલામ રહી ચૂકેલા એક પિતામહના વંશજ હતા. એમના જીવનકાળ દરમિયાન અમેરિકામાં ગુલામીની પ્રથા રદ થઈ અને મોટરગાડીની શોધ થઈ. તે બીજા વિશ્વયુદ્ધમાં લડેલા, રિચર્ડદાદાજી રોજની 12 સિગાર પીતા હતા તથા સવારે કોફીની સાથે વ્હિસ્કી મિલાવી જિંદગીની જિયાફત ઉડાવતા હતા.

રિચર્ડદાદા બાર બાર સિગાર સાથે નિત્ય વ્હિસ્કીપાન કરે તો પણ 112 વર્ષ જીવી બતાવે તેથી વિચાર આવે છે કે માણસનું આયુષ્ય ખુદાતાલાના હાથમાં છે

ગયા અઠવાડિયે જ ગુજરાતીના અને હવે કદાચ ઓલ ઇન્ડિયાના સૌથી લાડકવાયા વડીલ સ્વ. તારક મેહતાના 87મા જન્મદિવસનો ઉત્સવ થયો, જેમના જીવનકાળ દરમિયાન ટીવી ‘સિરિયલ’ની શોધ થઈ અને તારકદાદાજી બડી શાન સે રોજની વ્હિસ્કીનો લુત્ફ ઉઠાવતા હતા, પૂના મુશ્કી તેજતમાકુનાં પાનબીડાં જાતે બનાવી હિંડોળે હીંચતા હતા. વળી, ઊતરતી વયે એવી જ ખુદ્દારીથી તે સર્વનો ત્યાગ કરીને, નાકે ઊલટાં ચશ્માં ઉછાળીને દુનિયા કા નજારા જોતા હતા.


અને આ માસમાં સુરેન્દ્રનગરના સાપ્તાહિક ‘સમય’ના સ્થાપક તંત્રી સ્વ. ભાનુભાઈ શુક્લની જન્મશતાબ્દીનો ઉત્સવ થનાર છે. ભાનુભાઈની સાપ્તાહિક પત્રિકા અત્યંત લોકપ્રિય હતી અને હજી છે. એમની ન્યાયપ્રીતિના કારણે તે રાજદ્વારે સમદૃત હતા તેમજ એમની સાહિત્યપ્રીતિના કારણે સાહિત્યકારોની સાથે એમને ઘરોબો હતો.


દુનિયામાં બીજું કોણ કોણ લાંબું જીવી ગયું? સ્પેનના ન્યુન્યેઝ અલિવેરા 113ની વયે ગયા વર્ષે લીલી વાડી છોડીને પ્રભુને શરણ થયા, તે હાલ સુધી દુનિયાની સૌથી મોટી વયની વ્યક્તિ ગણાતા હતા. ફ્રાન્સની ઝિયાં કાલમે (1875–1997) 122ની વયે વિશ્વની સૌથી વધુ જીવેલી વ્યક્તિ ગણાય છે, જાપાનીઝ માસાઝો નોનાકા 113ની વયે અને મિસાઓ ઓકાવા 115ની વયે જગતની જૈફતમ હસ્તીઓ કહેવાય છે.


પણ વોટેબાઉટ ઇન્ડિયા? ભારતમાં જન્મેલાં એક બ્રિટિશ સન્નારી હતાં લૂસી દાબ્ર્યુ (1892–2005) જે 133 વર્ષે વિલાયતમાં જન્નતનશીન થયાં.


ભારતમાં જન્મેલા અને ભારતમાં જીવતા વારાણસીના સ્વામી શિવાનંદ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝને જણાવે છે કે, ‘મારી ઉંમર 120 વર્ષની છે, તમે ખાતરી કરી જાઓ અને મારા દીર્ઘાયુષ્યનો ‘રાઝ’ છે, નો સેક્સ ને નો સ્પાઇસીઝ!’


અરે પણ અહો! ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ ખુદ જણાવે છે કે વારાણસીના જ એક નિવૃત્ત ચર્મકાર મહાષ્ટા મુરાસી 1835માં જન્મેલા ને હજી જીવે છે? મુરાસીદાદાજીનો જન્મ 1835માં બેંગલુરુમાં થયો હતો અને 1903થી તે વારાણસીમાં રહે છે તેવા પુરાવા છે. સન 1957 સુધી દાદાજી પગરખાં બનાવવાનું કામ કરતા હતા, પણ આખરે 122ની ઉંમરે નિવૃત્ત થઈ ગયા છે. કહે છે કે મારા પૌત્ર, પ્રપૌત્રો બધા મૃત્યુ પામ્યા છે અને શી ખબર જમરાજા મને ભૂલી ગયા જણાય છે.


અને સાહેબ, ઇન્ડોનેશિયા નિવાસી મ્બાહ ગોથો નામક મહાદાદાજીએ એમના 145 વર્ષના જીવનકાળમાં બે વિશ્વયુદ્ધની તડકીછાંયડી જોઈ, એમની નજર સામે મોટરગાડી ને એરોપ્લેન ખોળાયાં અને અંતે 2017માં એમનો
સ્વર્ગવાસ થયો.


ફાઇન, પણ ગગનવાલાને આ બધા સો સો વરસના વિચાર કેમ આવે છે? બસ, મન છે, માંકડું છે. રિચર્ડદાદા બાર બાર સિગાર સાથે નિત્ય વ્હિસ્કીપાન કરે તો પણ દ્વાદશોત્તર યાને 112 વર્ષ જીવી બતાવે તેથી વિચાર આવે છે કે માણસનું આયુષ્ય હન્ડ્રેડેન્ડ વન પર્સન્ટ ખુદાતાલાના હાથમાં છે, કોઈ ક્યારે કયા કારણે ખોદાયજીને પ્યારું થઈ જશે તેની કોઈ ગેરંટી નથી અને એચ્ચુલી કેટલું જિવાય તેના કરતાં કેવી લિજ્જતથી ને કેવી ઇજ્જતથી જિવાય તેના પ્લસ પોઇન્ટ વધારે છે.


બીજો વિચાર એવો આવે છે કે માણસનું આયુષ્ય બે રીતે જોવાય: માણસના શરીરનું આયુષ્ય જે મૃત્યુની સાથે સમાપ્ત થાય છે તેમજ માણસનાં કૃત્યોનું આયુષ્ય જે મૃત્યુ પછી પણ માણસની હસ્તીને જીવિત રાખે છે. જેમ કે ઊલટાં ચશ્માંવાલા અંકલની હસ્તી હવે તો ગલી ગલીના નાકે પાનવાલાની દુકાને ટીવીમાં રોજ શી ખબર કેટલી વાર પ્રસારિત થાય છે ને ડાહ્યા દીવાના લાગે છે. આપણે ત્યાં જાતક યાને જન્મેલા શિશુનું આયુષ્ય અષ્ટોત્તર યાને 108 અથવા વીંશોત્તર યાને 120 વર્ષનું ગણીને તેની જન્મકુંડલી મંડાય છે. (ખોંખારા) ને વોટેબાઉટ ગગનવાલાહ? જીના મરના તો વાચકલોગ કા હાથ મેં હય, એટલે બોલો તો વાચકદેવ કી જય!
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP