Back કથા સરિતા
મધુ રાય

મધુ રાય

સમાજ, સાંપ્રત (પ્રકરણ - 42)
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

જન્મ પહેલાં જન્મોત્રીમાં સુધારો?

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  

ગયા અઠવાડિયે દુનિયાભરની સમાચાર સંસ્થાઓએ એકદમ ટટ્ટાર થઈને જગતને ખબર આપ્યા છે કે એક ચીના વિજ્ઞાનિકે પ્રથમ વાર એક જુડવાં બાળકોના જન્મ પહેલાં એમના ડીએનએ સાથે છેડછાડ કરી છે. યાને એમની ‘જન્મોત્રી’માં સમજો કે શનિમંગળ યોગને બદલીને ચંદ્રમંગળ યોગ કરી આપ્યો છે. આ તો જસ્સ જોક્સ, હેહ જીઆનક્વે નામે ચીની વિજ્ઞાની કહે છે કે તેમણે બીજો કોઈ ફેરફાર નથી કર્યો, ફક્ત એ બાળકીઓનાં જીવસૂત્રોમાં એચઆઇવી જેવી કરપીણ બીમારીનો પ્રતિકાર કરવાની શક્તિ ઉમેરી આપી છે.

મનુષ્યના ડીએનએ સાથે રમત કરવાથી સૃષ્ટિના કુદરતી ક્રમમાં હસ્તક્ષેપ થાય જેના પરિણામે જગત ઉપર શી શી ગંજાવર અસરો થાય તે કલ્પનાની બહાર છે

આ વાત જો સાચી હોય તો મનુષ્યના ભવિષ્યનો નવો અધ્યાય રચાઈ રહેલ છે, કેમ કે દેખીતી રીતે સાદી લાગતી આ વાત સાદી જરાય બી નથી. એ ક્રિસ્પર નામક ટેક્નિકને મનુષ્યના ડીએનએમાં ફેરફાર કરવાને બહાલી મળે તો હવે પછી બાળક જન્મે તે પહેલાં તેના ભ્રૂણના ડીએનએમાંથી ખરાબ ખરાબ ભાગ કાઢીને સરસ સરસ ભાગ ઉમેરી દરેક બાળકને બત્રીસ લક્ષણું બનાવી શકાય. તો કોઈને કશો રોગ થાય જ નહીં! દુનિયામાં કોઈ દુષ્ટતા ના કરે! કોઈને ટાલ ન પડે કે ચોકઠું ન આવે, ગેસ ન થાય. બાળકો મા-બાપને પગે લાગીને નિશાળે જાય ને ગીતો ગાતાં ગાતાં મોટાં થઈને મા-બાપની સેવા કરે. પતિ લોકો પત્નીઓને કહે કે મું ટુંને બવ લવ કરતો છંવ, તથા સાસુ વહુને કહે કે બેટા તું તો મારા દીકરા કરતાંયે વધુ વહાલી છૂ. ને શેઠ લોકો નોકર લોકોને ડબલ બોનસ આપતા રહે ને રિક્ષાવાળાઓ મીટરથી જ એક્ઝેક્ટ પૈસા લે, કવિઓ ગઝલો છાંડીને વાર્તાઓ લખે ને પોલિટિશિયનો કાયમ સત્યમ્ વદે.


તો ખોટું શું છે? ખોટું તે છે કે એ જ ટેક્નિકોથી કોઈ હિટલર આનાથી ઊલટું પણ કરવા લાગે. તે અમુક પ્રજાને માસ્ટર રેસ બનાવે, અમુક પ્રજાને ગુલામ પ્રજા બનાવે. આવા ફેરફાર બીજાં પ્રાણીઓના ડીએનએમાં કરવાનું ચાલુ છે, પરંતુ મનુષ્યના ડીએનએ સાથે રમત કરવાથી સૃષ્ટિના કુદરતી ક્રમમાં હસ્તક્ષેપ થાય જેના પરિણામે જગત ઉપર શી શી ગંજાવર અસરો થાય તે સામાન્ય માણસની કલ્પનાની બહાર છે. ચીનના શેનઝેન ગામના આ ચીની વિજ્ઞાની હેહ જીઆનક્વેએ જુડવાં બાળકીઓના ડીએનએમાં સુધારા કર્યાની વાત જાહેર કરી છે, પણ તેનો કશો પુરાવો રજૂ કરેલ નથી. બાળકીઓનાં માતા-પિતાને પોતાનાં નામ કે ગામ કે કામ જાહેર કરવાની ઇચ્છા નથી. હેહના કથન સિવાય તેમના દાવાને કોઈ સ્વતંત્ર અનુમોદન નથી. કોઈ સાયન્ટિફિક પત્રિકામાં તેની વિગત નથી. ફક્ત હોંગકોગમાં ભરાયેલી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન જીન એડિટિંગમાં હેહ સાહેબે એસોસિયેટેડ પ્રેસને મુલાકાત આપતાં આ વાત જણાવી છે. એમને આશા કે છે આ કોન્ફરન્સમાં નક્કી થશે કે એમની આ પહેલને બહાલી આપવી કે તેનો નિષેધ ચાલુ રાખવો.


હેહનો આવો દાવો સાંભળી ઘણા વિજ્ઞાનીઓ સ્તબ્ધ થઈ ગયેલા, કેટલાકે તેને સખત વખોડી કાઢેલા, કેમ કે આ રીતના ફેરફારો પેઢી દર પેઢી ચાલુ રહે છે અને સૃષ્ટિના સંતુલનમાં ખલબલી મચાવે છે. ડો. કિરણ મુસુનુર પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના જીન એડિટિંગના નિષ્ણાત છે. એમણે કહેલું કે આ ધૃષ્ટતા છે, આ બેશરમી છે. મનુષ્યના ભ્રૂણ સાથે અખતરા કરવા તે નૈતિક રીતે અને સદાચારની રીતે અક્ષમ્ય છે.


પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીના વિખ્યાત જેનેટિસિસ્ટ જોર્જ ચર્ચના મતે એચઆઇવીના પ્રતિકારનું આ પગલું આવકાર્ય છે, કેમ કે એચઆઇવી અને એઇડ્ઝ રોગ ભયાનક વેગે ફેલાઈ રહ્યા છે. એના ઉપચાર માટે પુખ્ત ઉંમરના દર્દીઓના જીનમાં ફેરફાર કરવાનું શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ હજી નરના વીર્યમાં કે નારીના અંડમાં કે ગર્ભના ભ્રૂણમાં કશો હસ્તક્ષેપ અમેરિકામાં નિષિદ્ધ છે. ચીનમાં પણ માનવ ક્લોન વર્જિત છે કિન્તુ જીન એડિટિંગના બાધનો કોઈ કાયદો નથી.


ઘણા વિજ્ઞાનિકોએ કહેલું જે મા-બાપોએ આ અખતરામાં ભાગ લીધેલો તેમને આ વસ્તુની ગંભીરતાની જાણ હતી કે કેમ તેનો કોઈ ખુલાસો નથી. હેહ કહે છે કે એ લોકોની જિંદગીનો સવાલ હોય તેનાથી વધુ ગંભીર બીજું શું હોઈ શકે? હેહ માને છે કે, ‘આ અખતરો તેમનાં બાળકોની રાહત માટે કરાયેલો. એનું કોઈ દુ:ખદ પરિણામ આવે કે કશી આડઅસર ભોગવવી પડે તો તેની પીડા મને પણ થશે.’
[email protected]il.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP