ભોજનના ભોજરાજા

article by madhu rye

મધુ રાય

Oct 04, 2018, 03:18 PM IST

ગગનવાલાને પોલિટિક્સનો ‘પ’ આવડતો નથી અને અમે બહુ જ શાંતિથી માનીએ છીએ કે બધા પોલિટિશિયન બધાને ટોટલે ટોટલ ઉલ્લુ બનાવે છે. પ્લસ, અમારે કોઈ રાજકીય, સામાજિક કે સાહિત્યિક ‘કોઝ’ ઉપાડીને સરકારનો વિરોધ કરવા પુરસ્કારની થેલી/ચંદ્રક પાછા આપવાનું બનતું નથી, કેમ કે આપણને માનસન્માન ખાસ એનાયત થયાં નથી એટલે ‘પાછું શું આપવું’ તેની વિમાસણ થાય, પરંતુ અમારે માટે મેરા ભારત મહાન; મેરી ગુજરાતી ભાષા મહાન; મેરા પર્યાવરણ મહાન; ઔર મેરે પશુપંખી મહાન. એટલે ક્યારેય બી તે–તે વિષયક સમાચાર દેખાય કે હમો મહા ‘ટર્ન ઓન’ થઈને વાચકો પાસે તેની વાતું કરવા ઠેકડા મારીએ છીંયેં.


તમે જહાંગીર મહેતાનું નામ સાંભળ્યું છે કે? અમેયે નહોતું સાંભળ્યું પણ ‘ટાઇમ’ સાપ્તાહિકનો છેલ્લો અંક વાંચતાં વાંચતાં મહેતાજીની ન્યૂ યોર્કમાં અાવેલી ‘વીગન’ રેસ્ટોરાંનું નામ વાંચ્યું: ‘ગ્રાફિટી’ અને ‘મેહતાફર’ આ વખતનું ‘ટાઇમ’ કહે છે કે સન 2010થી યુ.એન.ના વિજ્ઞાનિકો દુનિયાના દેશો પાસે પ્રચાર કરે છે કે પશુજન્ય કશું ન ખાવાનો યાને ‘વીગન’ ભોજન કરવાનો, કેમ કે હાલ જે ગતિથી પશુઓ કપાય છે ને ખવાય છે તે બંધ નહીં થાય તો દુનિયાનું સત્યાનાશ જશે.

કશું પણ ખરીદતા પહેલાં છાતી ઉપર હાથ મૂકીને પૂછો, મને સાચેસાચ આના વિના નહીં ચાલે? છાતી
ખરેખર ‘હા’ પાડે તો જ ખરીદો

દુનિયા એક ‘ઝીરો વેઇસ્ટ’ આંદોલન પણ ચાલી રહ્યું છે. એટલે શું? આજે આપણે ઉપલબ્ધ વસ્તુઓનો ‘રેખાકાર વપરાશ’ કરીએ છીએ; પૃથ્વી ઉપરની ચીજો વસ્તુઓ બેફામ બનીને વાપરીએ છીએ ને ‘ઝીરો વેઇસ્ટ’ આંદોલનકારીઓ કહે છે કે ‘રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ!’ કશું પણ ખરીદતા પહેલાં છાતી ઉપર હાથ મૂકીને પૂછો, મને સાચેસાચ આના વિના નહીં ચાલે? છાતી ખરેખર ‘હા’ પાડે તો જ ખરીદો અને તે વપરાઈ ગયા પછી તેનો ગાભો હાથમાં રાખીને વિચારો, રે રે ગગન! આ ગાભાનો બીજો કોઈ ઉપયોગ ખરો? કશુંય ફેંકી દેવું નહીં, એક જ વસ્તુના વિધ વિધ ઉપયોગ કરવા અને અંતે દરેક વસ્તુને રિસાઇકલ કરવી, તેને ફરી રિ–રિસાઇકલ કરવી તેને ફરી ફરી રિ–રિ–રિસાઇકલ કરવી અને તેમ દરેક જણસનો ‘ચક્રાકાર વપરાશ’ કેળવવો.


માણસ જે જે જણસોનો આંધળો બગાડ કરે છે તેમાં સૌથી મહત્ત્વની જણસ છે, ખોરાક. વિજ્ઞાનિકો ક્યારના ચીસો પાડે છે કે ખોરાક માટે માંસ, મરઘી, માછલી વગેરે ઉછેરવામાં તોતિંગ બગાડ થાય છે, પર્યાવરણનો ઘાણ નીકળે છે. તેના બદલે ટોટલ શાકાહારી રહીએ તો પૃથ્વી ઉપરની સમૃદ્ધિ સચવાઈ રહે અને માણસજાતને મૂંગાં પ્રાણીઓના નિસાસા ન લાગે. આ વાતને ઉપાડીને કેટલાક જગપ્રસિદ્ધ ખાનસામા પોતપોતાની રેસ્ટોરાંમાં પૃથ્વીપ્રેમી વાનગીઓ રાંધે છે અને પશુપ્રેમી ‘વીગન’ ભોજનનો પ્રચાર કરે છે. ટાઇમ મેગેઝિનાદિ જે જગપ્રસિદ્ધ પાકવીરોના ગુણ ગાય છે તેમની પ્રથમ પંક્તિમાં છે ગગનવાલા કા દેસીભાઈ પારસીભાઈ જેહાંગીર મહેતા બમ્બઈવાલા!


મહેતાજીની રેસ્ટોરાંમાં ‘રિડ્યૂસ, રિયુઝ, રિસાઇકલ’ના મહામંત્રનો સતત જાપ થાય છે. મહેતા કહે છે કે તે મંત્ર અમને ઇન્ડિયાથી વિરાસતમાં મળેલ છે. સાંભળો, એમની વાનગીઓ જ નહીં તે રાંધણીઓની સાજસજ્જા, તેમાંનું ફર્નિચર, ક્રોકરી રિન્યુએબલ મટીરિયલનાં બનેલાં છે અને ડિશીઝ બજારમાંથી નવી લેવાતી નથી, દોસ્તોનાં ઘરોમાંથી વધારાની ડિશો અહીં લાવી વપરાય છે. ‘તમારે ત્યાં સ્પેરમાં હોય તો અમને આલો!’ જેહાંગીર બાવા બોલે છે.


અમુક આંકડા મુજબ અમેરિકામાં ઉગાડાતાં ફ્રૂટ અને વેજીઝના બાવન ટકા વેઇસ્ટ થાય છે. ભોજનના ભોજરાજ જેહાંગીર જણાવે છે કે એમાં વાંક આપણો જ છે, પરફેક્ટલી સારાં અને પોષક ફ્રૂટ ઉપર સહેજ પણ ડાઘ દેખાય તો આપણે તેને અડતા નથી! એટલે ફક્ત દેખાવે રૂપકડાં ફળફૂલ ને શાકભાજી જ ખેડૂતો વેચી શકે છે ને બાકીનાં બરબાદ જાય છે.


મહેતાજી ખેતરોમાં જઈને ખેડૂતો પાસેથી તે બરબાદ જતો પાક મફતમાં કે સસ્તા ભાવમાં ઊંચકી લાવે છે અને ખેડૂતો ગેલથી તે મહેતાજીની ટ્રકોમાં ચડાવી નિરાંત અનુભવે છે. તે પરફેક્ટલી સારાં ફળ કે શાકસબ્જીઝને મહેતાજી પોતાના પાકપ્રાવીણ્યથી લિજિઝ વાનગીમાં પલટી તમારી પ્લેટમાં પીરસે છે. આમ કે આમ, ગુટલી કે દામ! ખેડૂત રાજી, મહેતા રાજી, ભોજક રાજી, ધરતી રાજી અને ઓફ કોર્સ પશુઓ રાજીનાં રેડ. જય શસ્યશ્યામલા માતા ધરતી!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી