અતિરિક્ત વૈવાહિક મૂઠભેડ

article by madhu rye

મધુ રાય

Sep 26, 2018, 03:10 PM IST

ગગનવાલા હાથમાં લાકડી લઈને વાંકી કમરે જર્સી સિટીની ઇન્ડિયન માર્કેટમાં બજારચર્યા કરવા નીકળે છે ત્યારે કોઈ બી રેડ બ્લડેડ ગુજરાતીને શોભે એવી બાજનજરે ફ્રી છાપાં ને મફત મેગેઝિનો ‘હોધે’ છે. તેમાંનું એક છે ફાઇવ કલર આર્ટપેપર ઉપર છપાતું હાઇફાઇ તબલાતોડ મન્થલી ‘લિટલ ઇન્ડિયા’. અવારનવાર તેમાંથી ચકિત કરે તેવા માહિતીમોદક પ્રાપ્ત થાય છે, જેમ કે સપ્ટેમ્બર અંકમાં છે એક તસતસતો લેખ, La rencontre extra-conjugale pensée par des femmes. આ ફ્રેંચ મુદ્રાલેખ છે, એક ડોટકોમ વેબસાઇટનો. તે મુદ્રાલેખનું ગુગલ–ગુજરાતી છે, ‘મહિલાઓ દ્વારા વિચાર્યું વધારાની વૈવાહિક એન્કાઉન્ટર’, હિન્દી છે, महिलाओं द्वारा सोचा अतिरिक्त वैवाहिक मुठभेड़ આણિ મરાઠી છે, महिलांनी विचारलेले अतिरिक्त वैवाहिक अन्वेषण. આ ત્રણે ભાષાંતર સહેજ સહેજ ખોડાં છે તેનું કારણ ફક્ત તે જ નથી કે ગૂગલની ટ્રાન્સેશન એપ હજી ભારતીય ભાષાઓ સાથે વૈવાહિક મૂઠભેડ કરી શકી નથી; બીજું કારણ અે છે કે ભારતની ભાષાઓમાં હજી લગ્નબહારના સંબંધ માટે કોઈ ‘માફકસર’ વર્ડિંગ બન્યા નથી, લાઇક ઇંગ્લિશ ‘એન્કાઉન્ટર’ અથવા ફ્રેંચ ‘લ’ફેઅર’ યાને ગુસ્મુજરાતી ‘લફરું.’

ભારતમાં લગભગ 60 લાખ લોકો ઓનલાઇન ડેટિંગ સર્વિસીઝ ઉપર હિંચકા ખાય છે. તેમાં અલબત્ત ‘સિંગલ’ લોકો જ પડ્યા પથરાયેલા હોય છે, ‘મેરિડ’ જૂજ. ‘મેરિડ’ થઈને ડેટના વલખાં મારો તો ઘૃણાને પાત્ર ગણાઓ

ભારતમાં તે મુદ્રાલેખવાળી વેબસાઇટના ‘ઉપભોક્તા’ 300,000 છે. તેમાં મોટાભાગનાં મુંબઈ(85,000), દિલ્હી(80,000) અને બંગલુરુ(45,000)માં છે; ડોક્ટર્સ, લોયર્સ, બેન્કર્સ, આઇટી પ્રોફેશનલ્સ. હાલ તેના ૭૫ ટકા વપરાશકર્તા મરદાના છે ને બાકીની જનાના. આ સંસ્થા સંપૂર્ણપણે જનાના સંચાલિત છે અને વપરાશ ઉત્સુક જનાના નિ:શુલ્ક યાને મ–ફ–ત વપરાશ કરી શકે છે. આ નિગોડી ફ્રેંચ ડોટકોમ સંસ્થાનું નામ અમે જાણી કરીને નથી આપતા, પણ. વ્હાય?


રીડ મોર.
ભારતની ભવ્ય લગ્નસંસ્થા અંતર્ગત જે વ્યક્તિની સાથે આપણે મંગળફેરા ફર્યા હોઈએ કે નિકાહ પઢ્યા હોઈએ તે સિવાયની વ્યક્તિઓને ધરમની બહેન કે ધરમના ભાઈ ગણવાની પવિત્ર પરંપરા છે. અને આ ભમરાળી ફ્રેંચ સંસ્થા તમારા મિસ્ટરથીયે સ્વીટર કે તમારા બેટર હાફથીયે બેટરર કોઈ પાત્ર સાથે તમારું નોન–મંગળ એન્કાઉન્ટર કરાવી આપે છે. યાને આ વેબસાઇટ ભારતની ભોળી ગભરુ ગૃહિણીઓને તેમના સૌભાગ્યની હોળી કરવા, પતિઓનો દ્રોહ કરીને પર–પુરુષો ઉપર કુદૃષ્ટિ કરવા, એક ભવમાંથી બે ભવ કરવા, ઉશ્કેરે છે! ને તે મ–ફ–ત!
ભારતમાં લગભગ 60 લાખ લોકો ઓનલાઇન ડેટિંગ સર્વિસીઝ ઉપર હીંચકા ખાય છે. તેમાં અલબત્ત ‘સિંગલ’ લોકો જ પડ્યા પથરાયેલા હોય છે, ‘મેરિડ’ જૂજ. ‘મેરિડ’ થઈને ડેટનાં વલખાં મારો તો ઘૃણાને પાત્ર ગણાઓ. અને હેય! તમે મેરિડ લેડીઝ થઈને લફરું ‘હોધો’ તો પાનના ગલ્લેથી સિસોટીઓના અવાજ થાય.


હજી છાપાંઓમાં વર જોઈએ કન્યા જોઈએની જાહેરાતો (‘કન્યા ઇનોસન્ટ ડિવોર્સી છે’; ‘મુરતિયાની ઉંમર 40 છે, પણ દેખાવે યંગ છે’) ચાલુ છે, પરંતુ હવે લગ્ન–વિષયક વેબસાઇટો ઉપરાંત લગ્ન–નિરપેક્ષ ડેટિંગ સાઇટો બહાર પડી છે અને લગ્ન થઈ જાય પછી પણ ખેલંદા લગ્નેતર તાગડધિન્નાની ડોટકોમી સંસ્થાઓમાં ખરાખરીના ખેલ ખેલે છે. ‘Extramarital dating app India’ યાને ભારતમાં લગ્નેતર લફરું કરવાની એપની સર્ચ ગૂગલ ઉપર ધૂંઆધાર સંખ્યામાં થાય છે. એક ‘ઇંધણ’ના નામે નામની ડેટિંગ સાઇટની વકરા–વૃદ્ધિ ફક્ત બે વર્ષમાં 400 પર્સેન્ટ થઈ છે અને તેમાં રોજનાં 1 કરોડ ને 4 લાખ ડોકિયાં થાય છે.


સો! હવે સવાલ તે છે કે ઇન્ડિયન વુમને પણ એકાએક માથું ઊંચક્યું છે કે? તેણે ત્યાગમૂર્તિ ભારતીય નારીનો ઘૂમટો ઉછાળીને ઇવન મોઢામાંથી લિપસ્ટિકની છાપવાળી સિગારેટ નીચે ફેંકીને તેની ઉપર ઊંચી એડી ફેરવી દીધી છે કે? તે હવે બદબોદાર લગ્નમાં ફસાયા પછી પડ્યું પાનું નિભાવી લેવાને બદલે નવું પાનું ફેરવવા તૈયાર છે કે? અને જવાબ તે છે કે નારી તો ક્યારની તૈયાર છે, પણ હજી પાનના ગલ્લા ઉપરની સિસોટીઓનું કલ્ચર તેનું તે જ છે.
આ વાત પૂરી કરતાં પહેલાં લગીર સ્પષ્ટતા: ‘ગગનવાલા હાથમાં લાકડી લઈને વાંકી કમરે બજારચર્યા કરવા નીકળે છે’ આ લેખની શરૂઆતનું એ વાક્ય અમસ્તું તમને હસાવવા માટે લખેલ છે. એક શ્ટાઇલ, ઓકે? ગગનવાલા ટટ્ટાર ચાલે છે ને ઊંમરના પ્રમાણમાં યંગ દેખાય છે. જય કવિ જયદેવ!

[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી