પાંસઠ વર્ષે ‘લવ’ અને ‘લસ્ટ’ની ધૂમ્રસેર

article by madhu rye

મધુ રાય

Sep 19, 2018, 03:26 PM IST

અમારે ઘરે એક ‘વૃદ્ધપત્રિકા’ આવે છે. તેમાં એલિઝાબેથ નોલન બ્રાઉન નામે લેખિકા જણાવે છે ઘણાં લોકો ભલે માને કે જેમ જેમ તમે વૃદ્ધ થતા જાઓ તેમ તેમ તમને સેક્સમાંથી રસ ઓછો થતો જાય. કિંતુ ૬૫ વર્ષ પછી પણ ‘સેક્સ’ ભુલાઈ જતી નથી બલકે બડી ખૂબસૂરત બને છે. આ માહિતી એડ્રિયન જેકસન નામના સંશોધકના અભ્યાસના પરિપાકરૂપે જેરોન્ટોલોજિકલ સોસાયટી ઓફ અમેરિકાની વાર્ષિક સભામાં રજૂ થયેલી. આ અભ્યાસ કહે છે કે તમને લગ્નસુખનો રસ ભભુકતો હોય તો તમારા પાર્ટનર પાસે તે પ્રદર્શિત કરવામાં સંકોચ કરવો નહીં કેમકે સામા પક્ષે પણ તેવો જ કામાગ્નિ જાગ્રત હોઈ શકે છે.ઘરડા થાઉં થાઉં થતા ગગનવાલાને થાય છે કે એવી માહિતી માટે રિસર્ચની જરૂર હોય તો તમે સાચુકલા ઘરડા થઈ ગયા કહેવાઓ.
જાપાનમાં ‘મંગા’ સાહિત્ય અતિ પ્રચલિત છે ‘મંગા’ યાને કોમિક બુક્સ કે કાર્ટૂનિંગ બુક્સ જેવાં સચિત્ર પુસ્તકો, જેમાં ઢિશુમ ઢિશુમ, બિઝનેસ, ફેન્ટસી, હોરર, ડ્રામા, મિસ્ટરી, રોમાન્સ, સાયન્સ ફિક્શન, ઇરોટિકા વગેરે વગેરે દરેક પ્રકારનું સાહિત્ય રચાય છે. તેની લોકપ્રિયતા હવે યુરોપ, અમેરિકા અને મિડલ ઇસ્ટમાં ફેલાતી જણાય છે.

સામાન્ય રીતે બ્લેક એન્ડ વ્હાઇટમાં આ કથાઓ કહેવાતી હોય છે પણ કદિક રતિરંગની છોળો પણ ઉછળે છે. ટીવી સિરિયલની માફક તેના હપ્તા છપાય છે અને લોકપ્રિય થાય તો તેનાં પુસ્તક બને છે. મંગા કલાકાર અમુક મદદનીશોની સાથે કામ કરતો હોય છે.

અમેરિકામાં રોમાન્સ નોવેલો પણ હોય છે જેની વાચકો મોટાભાગે આધેડ વયની ગૃહિણીઓ હોય છે

અમેરિકામાં પણ ગ્રાફિક નોવેલ્સ યાને ચિત્રકથાઓ છે પણ તેના વાચકો મોટાભાગે કિશોરો અને યુવાનો હોય છે. અમેરિકામાં રોમાન્સ નોવેલો પણ હોય છે જેની વાચકો મોટાભાગે આધેડ વયની ગૃહિણીઓ હોય છે. જાપાનમાં તે બંને પ્રકારોને ભેગા કરીને ૬૫ ઉપરનાં ભાવકો માટે ‘લવ’ અને ‘લસ્ટ’ની ધૂમ્રસેર સરકતી હોય તેવી, ચશ્માંના કાચ ઉપર વરાળ જામી જાય તેવી ‘મંગા’ કથાઓ રચાય છે. દેખીતું જ કે તેમાં તસતસતાં જોબનને બદલે તે કથાઓનાં પાત્રો ૬૫થી ઉપરનાં હોય, કદાચ લાકડી લઈને ચાલતાં હોય કે તેમને કદાચ કિસ કરતાં કરતાં હાંફ ચડી આવતો હોય. જાપાનમાં વૃદ્ધ સમુદાય બહુ વિરાટ છે. એમને માટે ખાસ આવી શૃંગાર–ઝરતી ‘મંગા’ ચિત્રકથાઓનું વિશાળ બજાર છે. એ કથારત્નો ચીન, હોંગ કોંગ, તાઇવાન, કોરીઆ, અલજિરિયામાં પણ હોંશે હોંશે વંચાય છે.


એવી રસરંજક કથાઓના એક સમર્થ સર્જક છે, કેન્શી હીરોકાની. એમની ધુમ મચાવતી કથાશ્રેણીનું શીર્ષક છે, ‘તાસોગારી રુસેયગુન’, (Like Shooting Stars in the Twilight) યાને ‘સોનેરી સંધ્યાના ઉદ્દીપક આકાશમાં ધસમસતા મસ્તાના સિતારા’. એમની એક કથામાં એક ૭૦ વર્ષના વિધુરશ્રી સમય વીતાવવા એક કંપનીનાં તેજ તર્રાર તીખાં મહિલા માલકિનના ડ્રાઇવરની નોકરી સ્વીકારે છે. તે મહિલાને જિંદગીમાં સાદો ‘પ્રેમ’ કરવાનો ટાઇમ મળતો નથી. એટલે ગાડીમાં ને ગાડીમાં જ સોનેરી સન્ધ્યાના ધસમસતા સિતારા મસ્તાના થઈને ઉછળે છે, ને જાતે થે જાપાન પહુંચ ગયે ચીન, સમઝ ગયે ના? આવા પ્રકારના શૃંગારની ૫૭ નવલકથાઓ કેન્શી–સાને લખી છે અથવા ચીતરી છે. અને દરેકે દરેકની દસ–દસ લાખથી વધુ કોપીઝો ખપી છે.


કેન્શી–સાન પહેલાં વકીલાતનું ભણેલા, પછી માત્સુસીતા ઇલેક્ટ્રિક કપનીમાં નોકરી કરી અને અંતે મંગાના સર્જનમાં લિપ્ત થયા. એમને અનેક પારિતોષિકો અને સન્માનો પ્રાપ્ત થયાં છે. એમની કથાઓમાં સાન્ધ્ય–શૃંગાર ઉરાંત સામાજિક સમસ્યાઓ પણ દેખા દે છે. એમણે ફૂમી સાઇમોન નામે મહિલા મંગા કલાકાર સાથે પ્રભુતામાં પગલાં માંડેલાં છે.


ફરી પેલા જેક્સન સાહેબના અભ્યાસની વાત: પાંસઠ વર્ષથી મોટાં ‘અત્યંત સુખી’ દંપતીઓના ૬૦ ટકા કહે છે કે તેઓ મહિને એકથી વધુ વખત લગ્નસુખ માણે છે. અલબત્ત ‘અત્યંત સુખી’ દંપતીમાં ઉંમર, આરોગ્ય, આર્થિક સ્થિતિ વગેરે વસ્તુઓ પણ ભાગ ભજવે છે. અને યસ, આમાં એક ઉખાણું છુપાયેલું છે, કે જે લોકો સુખી છે તે લગ્નસુખના કારણે સુખી છે? કે બીજાં કારણે સુખી હોવાથી લગ્નસુખનો લુત્ફ લિજ્જતથી લઈ શકે છે? ગોપાલસિંહ નેપાલીની એક કવિતા છે, ‘સુંદર સે સુંદર કા ધ્યાન કહીં સુંદર.’ જય કેન્શી હીરોકાની!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી