નીલે ગગન કે તલે / અરે! કૌન બનેગા બિલિયોનેર?

article by madhu rey

મધુ રાય

Mar 05, 2019, 03:27 PM IST

પ્યાસા ફિલ્મનું ગીત છે, નૌકર હો યા માલિક, લીડર હો યા પબ્લિક, અપને આગે સભી ઝૂકે હૈં, ક્યા રાજા ક્યા સૈનિક. ફિલ્મમાં તો જોની વોકર તેની માલિશની કળાનાં ગીતડાં ગાય છે, પણ તેના તે જ શબ્દો લોટરીને પણ લાગુ પડી શકે, કેમ કે નાન્હલી રકમના રોકાણ સામે તોતિંગ ઇનામની સંભાવના પાસે બધા ઝૂકી પડતા હોય છે, એટ વન ટાઇમ ઓર અનધર, ક્યા રાજા ક્યા સૈનિક.
અને ગગનવાલા તો બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના! લોટરી આપણને નહીં ને બીજા કોઈને લાગી હોય તો બી ભાઈ, મન છે ને માંકડું છે ને પૈસો બોલે છે. ને તે પૈસાની રકમ ડોલરમાં હોય ને એકડા પછી બિલિયનનાં બાર મીંડાં હોય તો પૈસો બૂમો પાડે છે ને ગગનલાલાને હોકો પીધો હોય એવો મીણો ચડે છે.

  • ચિરાગભાઈએ હિસ્ટ્રીના ટોપમટોપ પ્રાઇઝ દોઢ અબજ ડોલરના ઇનામની લોટરી ટિકિટ કોઈ ભાગ્યવાન આત્માને વેચી છે

તે ક્રમે ગયા ઓક્ટોબર માસમાં ચોપડાપૂજનની આસપાસ ગગનવાલા આ પાને ભાંગડા કરી બેઠેલા, કેમ કે અમેરિકાના સાઉથ કેરોલાઇના સ્ટેટના સિમ્પસનવિલ ગામના એક પટેલ ભાઈ નામે ચિરાગભાઈએ હિસ્ટ્રીના ટોપમટોપ પ્રાઇઝ દોઢ અબજ ડોલર ($1.537,000,000,000)ના ઇનામની લોટરી ટિકિટ કોઈ ભાગ્યવાન આત્માને વેચી છે. જેના ફળે તે વિજેતાને તો સાત પેઢી ચાલે એટલો દલ્લો મળશે ઉપરાંત સરકારને તગડો ટેક્સ મળશે ને યસ યસ, પટેલભાઈને બી 50,000 ડોલર મળશે બોનસના જેમાંથી રંગરોગાન થશે, કર્મચારીઓને બી કાંઈક કવર અપાશે ને સઘળાં સારાં
વાનાં થશે.
પણ ચંદ્રકાંત બક્ષી કહેતા તેમ ભગવાન બી મારો બેટો બડો કોમેડિયન છે. તકદીરના ટોપામાંથી જો–તો કેરાં સસલાં કાઢે છે, યુ ફોલો? જો કોઈ વ્યક્તિ વિનિંગ ટિકિટ લઈને ઇનામ ક્લેઇમ કરવા આવે તો આ લાડવા ખાવા મળે, નહીંતર જય સ્વામિનારાયણ! અને કશાંક ભેદી કારણસર આજે પાંચ-પાંચ મહિના પછીયે હજી એ તોતિંગ રકમ સરકારી ખજાનામાં કેદ છે! અને લોકો જાતજાતની અટકળો કરતા ફરે છે. ટિકિટ ખોવાઈ ગઈ હશે? ટિકિટવાળો જેલમાં હશે? ટેક્સ પર્પઝ માટે 2018ની સાલ પૂરી થાય ને 2019નું નવું વર્ષ ચાલુ થાય તેની રાહ જોતો હશે? હવે એપ્રિલ મહિનાની 19 તારીખ સુધીમાં કોઈ નહીં આવે તો દોઢ મિલિયન ડોલરની એ લોટરી ટિકિટની કિંમત જીરો જીરો. કોઈ બી રેડ બ્લડેડ ગુસ્મુજરાતીને આ વસ્તુ કારણ વિના બહુ અકળવનારી લાગે, પણ પાંચ મહિનાથી લક્ષ્મી ચાંદલો કરવા બારણે ઊભી હોય ને તમે મોઢું ધોયા કરો તો પછી બાય બાય, ને જાઓ જોની વોકર પાસે ને કરાવો તેલ માલિશ!
આ લોટરીની 15.7 મિલિયન ટિકિટો વેચાયેલી. જીતવાના ચાન્સીસ હતા 302 મિલિયનમાં એક! એક ટિકિટના $2. અમેરિકાના 44 સ્ટેટમાં આ લોટરીની ટિકિટો વેચાય છે. કુલ વેચાણના 50 ટકા શિક્ષણ વગેરે કલ્યાણ કાર્યોમાં વપરાય છે અને બાકીના 50 ટકામાંથી ઇનામો અપાય છે. વિજેતા રાજા હો યા સૈનિક! પણ જો આગળ આવે તો ટેક્સ બિક્સ કપાતાં મૂળાનાં પતીકાં જેવા $878,000,000 ડોલર (રૂપીઝ 62,338,000,000) રોકડા ગજવામાં મૂકીને મૂળાના પાંદડે મોજ કરી શકે છે. તેની સાથે સાથે સાઉથ કેરોલાઇલા રાજ્યની સરકારને પણ $60 મિલિયન પ્રાપ્ત થાય.
હજી સુધી ‘કોઈ શા માટે નથી આવ્યું’ એની સાથે સાથે 22,000 લોકોની વસ્તીવાળા આ ગામમાં ‘હું જો જીતું તો શું કરું’ તેની વાતો પણ ચિક્કાર થવા માંડી છે. નોકરી છોડી દઉં. પ્રાઇવેટ જહાજમાં હોલ વર્લ્ડમાં ટ્રાવેલ કરવા નીકળી પડું. મારા ફાધરને એક સરસ ઘર અપાવી દઉં. કોઈ કહે છે કે શ્શ્શ્શ્શ્શ્શ્શ્! હમણાં કોઈ કાંઈ બોલશો જ નહીં નહીંતર ગુંડાઓની આંખે ચડી જશો, ચૂપચાપ બેસી રહો ને પછી લાગ જોઈને છેલ્લા દિવસે પ્રાઇઝ લઈ આવો.
અને ભગવાનની કોમેડી તો જુઓ! ભલે પ્રાઇઝ ક્લેઇમ કરવા કોઈ નથી આવ્યું ને કદાચ તે અંગેનું 50,000 ડોલરનું બોનસ કદાચ ચિરાગભાઈના સ્ટોરને નહીં લાધે, પણ હલો! આ નાનકડા ગામના લોકો હવે એમના સ્ટોરને લકી માનીને મોટી તાદાદમાં વકરો કરાવે છે; બહારગામથી મુસાફરો ચિરાગભાઈના સ્ટોરને કોઈ જોવાલાયક જગ્યા ગણીને ત્યાં સેલ્ફી લે છે. ‘ભઈઈઈ, દોંત આલનાર ચાવવાનું હૌ આલે જ છઅ, હોં કઅ!’ જય કુબેરદેવા!
[email protected]

X
article by madhu rey

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી