Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

બાતમી મળી કે તરત આર્થરે વીજળીવેગી હુમલાનો પ્લાન બનાવ્યો

  • પ્રકાશન તારીખ25 Jul 2018
  •  

રાત ઢળી રહી હતી. આથમતી સાંજથી શરૂ થયેલા ઝરમર ફોરાનું જોર વધીને હવે વિકરાળ બની રહ્યું હતું. નિર્જન મૅક્લિન એસ્ટેટના છૂટાછવાયા મકાનો વચ્ચે ઘૂમરાતા ઠંડા પવનના સૂસવાટા, સમુદ્રની દિશાએથી લબકારા મારતા મોજાંઓનો પછડાટ, સડક પર વળ ખાતા કાળાડિબાંગ અંધારાને છેક પરસાળ સુધી તાણી લાવતી વાછટ, આવા તોફાની હવામાન વચ્ચે આ એકમાત્ર મકાનમાં જલતો બલ્બ… બારી, બારણાં વાસવાની સૂધ વગર બલ્બના ઉજાસ હેઠળ તંગ ચહેરે બેઠેલા આ બે જણ અને બેયની વચ્ચે ખુલ્લી ફાઈલમાંથી વછૂટી ગયેલી સમજણના સામા છેડે ભરમાવતા ફફડાટની કથા...
*** *** ***

વર્ષ 1763
સ્થળઃ બંગાળના મિદનાપોર નજીક કોશી નદીનો કાંઠો


સાધારણ રીતે ઉજ્જડ, વેરાન અને નિર્જન ગણાતા આ વિસ્તારમાં આજે શી ખબર કંઈક ભેદી ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. કસબામાં આવી ચડેલાં કેટલાંક અજાણ્યા આદમીઓએ ભીકુ સંથાલને અડધી રાતે ઊંઘમાંથી ઊઠાડીને હોડીનું લંગર છોડાવ્યું હતું. ભીકુ અને એની ઘરવાળી બેય આંખો ચોળતાં રાંઢવા, હલેસાં અને પાવડી બાંધવામાં લાગી ગયા હતા.

મુસ્લિમ તો ઠીક, હિન્દુઓમાંય એ પીરનું ભારે મહત્વ. ત્યાં સુધી જવા માટે કોશી નદી પાર કરવી પડે.

હોડી લઈને સામા કાંઠે જવાની ભીકુને નવાઈ ન હતી. એ જ તો તેની આજીવિકા હતી. નદીના સામા કાંઠે તાજનશા પીરની દરગાહ હતી. મુસ્લિમ તો ઠીક, હિન્દુઓમાંય એ પીરનું ભારે મહત્વ. ત્યાં સુધી જવા માટે કોશી નદી પાર કરવી પડે. એ માટે શ્રદ્ધાળુઓને અહીંથી હોડી મળી રહેતી.


પણ આ કોઈ શ્રદ્ધાળુ જેવા લાગતા ન હતા. એ દરેકની પાસે કંતાનનાવજનદાર લાંબા પોટલા હતા. હોડીમાં એ પોટલાં ઠાલવીને ત્રણ આદમી તેમાં ગોઠવાયા. ફેરો મારીને હોડી પાછી આવી એટલે બીજા દસેક લોકોને સામા કાંઠે પહોંચાડ્યા અને ત્રીજા ફેરો કરવા એ પાછો ફર્યો ત્યારે કસબામાં ભડભાંખળું થઈ રહ્યું હતું.

કાંઠાના અણિયાળા ખડકમાં ગાળિયો પરોવીને રાયણના થડ સાથે ભીકુએ રાંઢવું બાંધ્યું અને ઘડીક પોરો ખાવા બેઠો. અધકચરી ઊંઘ અને પછી સામા પ્રવાહમાં બે ફેરા મારીને આખાય શરીરમાં થતાં તોડને લીધે તેને ઝોકું આવી ગયું.


એ જ ઘડીએ કોઈએ વજનદાર બૂટનો ઠોંસો મારીને તેને ઊઠાડ્યો, ‘બડે સા’બ આ ગયે હૈ... જલ્દી કર..’


ઠોંસો ખાઈને ઊઠવું પડે એવી બદકિસ્મતી માત્ર ભીકુના જ નહિ, 1757થી સમગ્ર હિન્દુસ્તાનના લલાટ પર લખાઈ ગઈ હતી અને બીજા 190 વર્ષ સુધી ભૂંસાવાની ન હતી.


તેણે ચમકીને જોયું. હોડી બાંધી હતી ત્યાંથી સહેજ દૂર ભેખડ પર એક ગોરો આદમી કોસીના વ્હેણને જોતો ઊભો હતો. ખાખી રંગની બ્રિચિસ, ઉપર લાલ રંગનો કોટ, મોટી ભાવવાહી આંખો, વહેલી સવારની શીતળ લહેરખીમાં ફરફરી રહેલાં સોનેરી ઝુલ્ફાં, ગોરા ચહેરા પર માંડ હમણાં ફૂટ્યા હોય એવા આછેરા દાઢી-મૂછ. તેણે ઈશારો કરીને એક આદમીને બોલાવ્યો અને કંઈક કહ્યું.

ભીકુ તેનો રૂઆબ જોઈ રહ્યો અને ચૂપચાપ કામે વળગ્યો.


આ લોકો કોણ હતા, પેલો ગોરો આદમી કોણ હતો, કેમ આટલી ચૂપકીદીથી આવા કટાણે સામા કાંઠે જતા હતા એ કશી ય ગતાગમ ભીકુને પડતી ન હતી. તેણે ત્રીજો ફેરો પૂરો કર્યો, બધો સામાન ઉતારીને નીચે મૂક્યો અને મહેનતાણાની અપેક્ષાએ ઊભો રહ્યો.


‘રાહિજા, બાપસ કાન તો બાપા નબા...? (ઊભો રહે, અમને પાછા કોણ તારો બાપ લઈ જશે?)’ ગોરાના હુકમો ઊઠાવતા એક દેશી આદમીએ તોછડાઈથી ઉડિયા ભાષામાં કહ્યું એટલે ભીકુ અને તેની પત્ની ગરીબડાં થઈને કાંઠે હોડી લાંગરવામાં પરોવાયા.


કાંઠે ઉતર્યા પછી જાણે મડદાંના કાનમાં કશોક મંત્ર ફૂંકાયો હોય એમ ભીકુએ ઉતારેલા આદમીઓના તેવર બદલાઈ ગયા હતા. કંતાનના લાંબા પોટલાં ખોલીને તેમાંથી બંદૂકો કાઢવામાં આવી. ફટાફટ સૌ હારબંધ ગોઠવાઈ ગયા. ગોરો આદમી ધીમા અવાજે સૌને સૂચના આપવા લાગ્યો, અને એવી જ ચૂપકીદીથી સૌ મોરચો બાંધીને કાંઠો ઓળંગી જંગલની દિશામાં આગળ વધ્યા.


ભીકુને કંઈ સમજાતું ન હતું. તેણે તેની પત્નીની સામે વિવશ સ્મિત વેર્યું અને વ્હાલભેર કહ્યું, ‘ટીક કે સૂઈ જા, સમય આસિલે મી ઊઠાય દેબી’


પણ આજે ઊંઘ તેમનાં નસીબમાં ન હતી. હજુ તો બંનેએ જરાક ઝોકું ખાધું ત્યાં બંદૂકના ધડાકાથી મળસ્કાની ઠંડકમાં સુસ્તાઈ રહેલું જંગલ અને ધીમા ખળભળાટે વહી રહેલી નદી ભડકી ઊઠ્યાં. ડરની મારી ભીકુની પત્ની ભીકુને વળગી પડી અને ભીકુ ય ફફડતા હૈયે જંગલની દિશામાં જોઈ રહ્યો.


વળી ચાર-પાંચ ધડાકા, કશીક દોડધામ થતી હોય એવા અવાજો, કોઈની અસ્પષ્ટ બૂમો અને કારમી ચીસ... ખાસ્સી પંદરેક મિનિટ સુધી એ ચાલ્યું. ભીકુ અને તેની પત્ની ભયથી ધ્રૂજતા જંગલની દિશામાં જોતાં રહ્યાં.


થોડીવારમાં જ એક આદમી આ તરફ આવતો દેખાયો અને દૂરથી જ તેમણે ભીકુને લંગર ઊઠાવવા ઈશારો કર્યો. એ બંને લંગરના પાટડા છોડી રહ્યાં હતાં ત્યાં તો આખી ય ગિસ્ત ઝડપભેર ચાલતી કાંઠા તરફ આવી પહોંચી. દરેકના ચહેરા પર પારાવાર તણાવ પછીના હાશકારા સમું સ્મિત હતું, ખભા પર બંદૂકો હતી અને પાછળ આવતાં આદમીઓ કશીક વજનદાર ચીજ જમીનસરસી ઢસડતાં આવી રહ્યા હતા.


નજીક આવ્યા ત્યારે એ જોઈને ભીકુને હાયકારો નીકળી ગયો. એ ચાર આદમીઓની લાશ હતી.


સૌની પાછળ આવેલાં ગોરાએ ફરીથી જંગલ તરફ જોયું, પોતાના સાથીઓ તરફ ગુમાનભર્યું સ્મિત ફેંક્યું અને કોશી નદીના ઠંડાગાર પાણીથી મોંઢું ધોવા માંડ્યું.


ત્યારે પૂર્વનું આકાશ રક્તિમ રંગે રંગાઈને નદીના ધસમસતા પાણી સાથે હિંગળોક અટકચાળો કરવા લાગ્યું હતું.

*** *** ***

ચાર વર્ષથી કંપની સરકાર જેમને શોધવા આભ-પાતાળ કરી રહી હતી એ બગાવતીઓને પંદર મિનિટના જંગમાં ખતમ કરી દેનાર એ આર્થર મૅક્લિન હતો. કેપ્ટન આર્થર મૅક્લિન.


20 વર્ષની ઉંમરે ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં જોડાઈને એ અહીં આવ્યો હતો, પણ એક વરસમાં આ તેની ચોથી મોટી સફળતા હતી. પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દ દૌલાને પરાસ્ત કર્યા પછી કંપની સરકારનું શાસન દૃઢ થઈ રહ્યું હતું, પણ હજુ ય તેના વફાદાર સરદારો હકીમ બેગ અને નુરુલ ઉદ્દ દૌલા કેમે ય તંત મૂકતાં ન હતા.


કંપની સરકાર સામે આવો જ એક બગાવતી હુમલો તાજનશા પીરની દરગાહ પાછળના જંગલમાં આકાર લઈ રહ્યો છે એવી બાતમી મળી કે તરત આર્થરે વીજળીવેગી હુમલાનો પ્લાન બનાવ્યો. એક ટૂકડીને જંગલના રસ્તે મોકલી અને પોતે મુઠ્ઠીભર સૈનિકો સાથે નદી ઓળંગીને પારોઠનો હુમલો કરવાનો જોખમી પણ ચોટડુક પ્લાન અજમાવ્યો હતો.


જોખમ લેવામાં એ બેજોડ હતો અને રણનીતિ ઘડવામાં એક્કો. નવું શીખવામાં ભારે ઉત્સાહી અને અનુકૂલન સાધવામાં ય એટલો જ ઝડપી. હિન્દુસ્તાનની અજાણી ધરતી પર ખૂબ ઝડપથી એકાકાર થઈને તેણે તરક્કી કરવા માંડી હતી.


સ્વભાવે તદ્દન લાગણીશૂન્ય, મિજાજથી અદ્દલ સ્કોટિશ. દુનિયાભરના લોકોમાં સ્કોટિશ પ્રજા સર્વોપરી છે એવું એ દૃઢતાપૂર્વક માનતો અને ગુલામ હિન્દુસ્તાનમાં આવ્યા પછી તો તેની આ માન્યતા દૃઢ બની હતી. અહીં તેને ભારે મજા આવતી હતી. જુલ્મો ગુજારવાનો, જોહુકમી કરવાનો, શોષણ કરવાનો આવો છુટ્ટો દૌર તો બીજે ક્યાં મળે?


સિરાજ ઉદ્દ દૌલાનો ભાણેજ મીર અલિફ નહોતો પકડાયો. નવાબી સૈન્ય પર ભારે પ્રભાવ ધરાવતો અલિફ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી કંપની સરકાર સામે જોખમ ઊભું જ હતું. આર્થરે એ બીડું ઝડપ્યું. એક વરસ સુધી તેણે બાતમીદારોની જાળ બિછાવ્યા કરી. પોતે ય બંગાળી, ઉડિયા ભાષા કાચીપાકી શીખ્યો. આખરે છેક આસામના જોરહત નજીકથી તેણે અલિફને પકડ્યો અને ફાંસીના માંચડા સુધી પહોંચાડ્યો.


આ સફળતાનું મૂલ્ય એટલું મોટું હતું કે આર્થર સીધો જ રોબર્ટ ક્લાઈવની નજરમાં આવી ગયો. એ વખતે ક્લાઈવનો ચડતો સિતારો હતો. હિન્દુસ્તાન એટલે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને કંપની એટલે રોબર્ટ ક્લાઈવ. આ સમીકરણ હવે તો લંડન સુધી દૃઢ થઈ ગયું હતું. ક્લાઈવની સીધી દેખરેખ હેઠળ આર્થરે સડસડાટ પ્રગતિ કરવા માંડી.


બક્સરના યુદ્ધમાં આર્થરને બે મોરચે લડવાનું હતું. તેની ઝડપી પ્રગતિથી કંપની સરકારમાં જ તેના દુશ્મનો ઊભા થવા લાગ્યા હતા. ખાસ કરીને મેજર મૂર અને મેજર પેમ્બલ તેની તરક્કી આડે નડે તેમ હતા. બીજો મોરચો સ્વાભાવિક દુશ્મનોનો હતો. યુદ્ધના ગડગડાટ પહેલાં જ તેણે પોતાની ચાલ ચાલવા માંડી.


એ જાતે છૂપા વેશે પટણા પહોંચ્યો અને રોહિલ્લા સરદાર હિકમતખાનને મળ્યો. આ તેણે બહુ મોટું જોખમ લીધું હતું. હિકમત મુઘલ ફોજના સૌથી મારકણા દસ્તાનો સેનાની હતો, પણ ક્લાઈવ પાસેથી આર્થર બરાબર શીખ્યો હતો કે તલવારના રણકાર કરતાં સિક્કાનો રણકાર વધુ મીઠો હોય છે. હિકમતને ફોડવામાં તે સફળ રહ્યો અને હિકમતની મદદથી દુર્રાની લડવૈયાઓના દસ્તાને ય તેણે ફોડી નાંખ્યો.


હવે આર્થરનો પ્લાન સ્પષ્ટ હતો.


યુદ્ધમાં તેને ગંગા નદીના બીજની ઘાટથી આક્રમણ લાવવાની જવાબદારી સોંપાઈ હતી. તેણે વેળાસર હિકમતને સંદેશો પહોંચાડીને એ મુજબ રોહિલ્લા, દુર્રાનીને ગોઠવવાની સૂચના મોકલાવી દીધી. આ પણ બહુ મોટું જોખમ હતું. હિકમતને તેનો સંદેશો નહિ મળ્યો હોય તો? સંદેશો મળ્યો હોય તો પણ હિકમત તેને માફક આવે એવી ગોઠવણ ન કરી શક્યો તો?


આર્થર પાસે એવા જો-તો વિશે વિચારવાનો સમય ન હતો. તેને બહુ ઝડપથી ક્લાઈવ થવું હતું... નવાબ ક્લાઈવની માફક નવાબ આર્થર મૅક્લિન.


તેણે એ જોખમ ઊઠાવ્યું. બીજની ઘાટથી સીધો જ તે મુઘલ ફોજ પર ધસી ગયો. ચમકતી તલવારો, ધૂળની ડમરી ચડાવતી ઘોડાઓના ડાબલાની ધડબડાટી અને ગળથૂથીમાં જ આક્રમણનું ઝનૂન પીને નીકળેલા મૅક્લિનની કારમી કિલકારી...


નક્કી થયા મુજબ રોહિલ્લાઓ, દુર્રાનીઓ સામનો કરવાને બદલે તેને રસ્તો આપવા માંડ્યા, એટલું જ નહિ, આર્થરની ગિસ્તની પાછળ જ જોડાઈ ગયા. હતપ્રભ થયેલો મુઘલ સેનાપતિ એ જોઈને જ હિંમત હારી ગયો.
મેજર મૂર અને પેમ્બલ હજુ તો પેંતરો ગોઠવતા હતા ત્યાં સુધીમાં આર્થરે પોતાનું કામ પાર પાડી દીધું હતું.


આર્થરને આ સફળતા પણ બહુ ફળી. હવે એ ક્લાઈવનો ઓશિયાળો રહ્યો ન હતો. ઈસ. 1767માં રોબર્ટ ક્લાઈવ તો નિવૃત્ત થઈને લંડન પરત જતો રહ્યો, પરંતુ ત્યાં સુધીમાં આર્થરે બીજાં પગથિયાંઓ ગોઠવી દીધા હતા. કંપની સરકારના દરેક હરીફોને મ્હાત કરીને આખરે એ મુંબઈનો ગવર્નર બન્યો.


પણ અહીં તેની રાહ જરાય આસાન ન હતી. ઝડપી પ્રગતિમાં તેની રણનીતિ કરતાં ય કૂટનીતિ વધુ ચડિયાતી સાબિત થઈ હતી. પરંતુ અહીં મરાઠાઓ ઝનૂનમાં પઠાણોથી ચડિયાતા અને વધુ એકજૂટ હતા. મુંબઈ વેપારનું વડું મથક હતું, પણ આર્થર માટે સહ્યાદ્રી અને સાગરકાંઠાને કબજે લેવા વધુ અગત્યના હતા.


અત્યાર સુધી હિન્દુસ્તાનની ધરતી પર સતત સફળતાઓ મેળવતા રહેલા આર્થરે હવે કશુંક મૂકવાનો વારો આવી રહ્યો હતો.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP