Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

સાવ શાંત રહેતું પંચગીની એ દિવસે ગણતરીની સેકન્ડોમાં ખળભળી ઊઠ્યું

  • પ્રકાશન તારીખ16 Aug 2018
  •  

પ્રકરણ - 35
પંચગનીના સર્પાકાર ઢોળાવો પર વેગન-આરનો ડ્રાઈવર સપાટાભેર ગાડી દોડાવી રહ્યો હતો, પરંતુ પાછલી સીટ પરનું દૃશ્ય જરાય સલુકાઈભર્યું ન હતું.
સાડા છ ફૂટ ઊંચા વિલીને જેમ તેમ અંદર ઠાંસ્યા પછી બે આદમી ય તેમાં ઘૂસેલા હતા. પરિણામે, માંડ પોણા પાંચ ફૂટની જગ્યા ધરાવતી વેગન-આરમાં મંદિર નાનું ને ભગત ઝાઝાં જેવો ઘાટ સર્જાયો હતો. વિલીના મોં પર બાંધેલો ગમછો કંઈ મુશ્કેટાટ બાંધવાની તક મળી ન હતી અને હાથ-પગ છૂટા હતા એટલે ગાડી ઉપડી એ પહેલાં જ વિલીએ ધમપછાડા શરૂ કરી દીધા હતા. બેય આદમી તેના પર ઝળુંબીને તેને દબોચી રહ્યા હતા.


'સ્પ્રે લાવ... જલદી...' એક આદમીએ વિલીના લાંબા પગ ફરતી બેય હાથે આંટી મારીને ડ્રાઈવર તરફ હાથ લાંબો કર્યો. ડ્રાઈવર પોતે ય ઘાંઘો થયેલો તો હતો જ, પરંતુ એ ક્ષણો જ એવી હતી જેમાં દરેકને પોતાની તકલીફ જ મોટી લાગે.


સ્પિડ વધારવી, સર્પાકાર વળાંકોમાં સ્ટિઅરિંગ પર કાબૂ રાખવો અને બાજુની સીટ પરથી ક્લોરોફોર્મ સ્પ્રે ઊઠાવીને પાછળ લંબાવવું... ડ્રાઈવરે એમાં જરાક વાર લગાડી એટલી વારમાં વિલીએ ડાબો હાથ છોડાવીને એક આદમીના જડબા પર મુક્કો ઝીંકી દીધો હતો. હથોડા જેવો મુક્કો ખાઈને એ આદમીને ઘડીભર તો તમ્મર આવી ગયા, પણ તરત ઉશ્કેરાઈને તેણે ય ઢીંચણ વાળીને વિલીના પેટ પર ભાર દીધો અને ચહેરા પર આડેધડ મુક્કા મારવા લાગ્યો.


'બસ કર...' વિલીના છટપટાતા પગને પકડવા મથતા બીજા આદમીએ તેને વાર્યો અને મહામુશ્કેલીએ ડ્રાઈવરે પાછલી સીટ તરફ લંબાવેલા હાથમાંથી સ્પ્રે પકડ્યું. ગાડી આમતેમ ઝડપભેર ટર્ન લઈ રહી હતી અને ગાડીમાં ય ત્રણ વજનદાર આદમીઓની ઝપાઝપી ચાલુ હતી એટલે સંતુલન જાળવવું સાચે જ મુશ્કેલ હતું.


સ્પ્રે હાથમાં લઈને હજુ એ વિલીના મોં પર છાંટવાનો લાગ શોધે એ જ વખતે ડ્રાઈવરે તીવ્ર વળાંક લીધો અને પછી સજ્જડ બ્રેક મારીને ફફડતા અવાજે કહ્યું,
'આગળ પોલીસ છે...'
*** *** ***


પેલી ફૂલવાળી આઈની હાટ હતી એ ત્રિભેટો શિવાજી ચોક તરીકે ઓળખાતો હતો. ત્યાંથી ઉપરવાસમાં પહાડો તરફ જતા રસ્તે સિલ્વર ઓક ટ્રેક આવતો, જ્યાં ભવ્ય હોટલો અને રિસોર્ટ આવેલા હતા. પંચગનીનો એ વૈભવી વિસ્તાર હતો, જ્યાંથી વિલી અને વિશાખા આવ્યા હતા.


ત્યાંથી ૪૫ અંશા ખૂણે બે રસ્તા ફંટાતા હતા. જમણી તરફનો રસ્તો ગાંવથણ તરફ જતો હતો, જે બાજુ વિલી અને વિશાખા ગયા હતા અને આગળ જતાં આ આખુંય કમઠાણ થયું હતું. એ જ રસ્તો આગળ જતાં વાઈ-પંચગની રોડ તરીકે ઓળખાતો.


ડાબી તરફનો રસ્તો સેન્ટ પીટર્સ ચર્ચ થઈને ટોલનાકા તરફ જતો હતો, જે આગળ જતાં મહાબળેશ્વર તરફ ફંટાતો હતો. શિવાજી ચોકથી સ્હેજ જ આગળ જાફરભાઈની રેસ્ટોરન્ટ દેશી સહેલાણીઓમાં ભારે ફેમસ. પંચગની-મહાબળેશ્વરની સિંગલ ડે ટૂર પર આવેલા મોટાભાગના ટૂર ઓપરેટર્સ લન્ચ માટે સહેલાણીઓને અહીં જ છૂટા મૂકી દે. જમ્યા પછી ટુરિસ્ટ ગાંવથણના બજારમાં ચક્કર મારે. પંચગનીનો આ રોજનો ક્રમ.


બપોરે ૧૨:૩૦:૧૮ વાગ્યે અહીંથી એકાદ કિલોમીટર દૂર વિશાખા પેલી હાટ તરફ વળી, વિલી પાળી તરફ ઝુક્યો, હાથલારી અને વેગન-આરે પોઝિશન લીધી બરાબર એ જ વખતે અહીં એક હાટડી પર દુકાનદાર અને એક ટુરિસ્ટ વચ્ચે બબાલ ચાલુ થઈ હતી.


'અરે ઈધર હી તો થા મેરા પર્સ, ઈતની દેર મેં જાયે કહાં?' ટુરિસ્ટ ગુસ્સાથી લાલચોળ થઈને બોલી રહ્યો હતો.
'સા'બ, સમજને કી કોશિશ તો કિજીયે, યહાં હોતા તો કહાં જાતા... આપ કહીં ઓર જગહ ભૂલ ગયે હોંગે...' માંડ માંડ ગોઠવેલો માલસામાન ફરીથી વિંખતો દુકાનદાર તેને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો.


'કમાલ હૈ, મૈં કહેતા હું કી મૈંને અપને હાથોં સે પર્સ યહીં પર રખ્ખા હૈ ફિર ભી માનતા નહિ?'
'યે સબ ચોર હી હોતે હૈ...' હવે એ ટુરિસ્ટની પત્ની ય બોલવા માંડી હતી, 'બાહર સે આયે લોગોં સે ઐસે પૈસે પડાતે હો? શર્મ નહિ આતી?'


'ઓ મેમસા'બ, ચોર મત કહીએ... ગલતી આપ કે હસબન્ડ કી હૈ... ઉન્હોંને કુછ ખરીદા નહિ અભી, મૈંને પૈસે માંગે નહિ તો ફિર પર્સ નિકાલા હી ક્યૂં? અબ નહિ મિલ રહા હૈ તો હમેં ચોર બોલતી હો?'
'શકલ સે હી ચોર લગતે હો તો ચોર હી બોલું ના...' પેલી ઓરત પણ ગાંજી જાય એવી ન હતી.
'શકલ સે મૈં ચોર લગું, ડાકુ લગું... તુજે ક્યા? મુજસે શાદી કરની હૈ ક્યા?' હવે દુકાનદારે ય મિજાજ ગુમાવ્યો.


એમ એ મામલો ગરમાયો અને થોડીક હાથાપાઈ પણ થઈ ગઈ. ઓરતે ચીસાચીસ કરી મૂકી. એ જ વખતે સિલ્વર ઓક ટ્રેક તરફથી આવતી અને ટોલનાકા તરફ વળવા જતી પોલીસની પેટ્રોલ વાને ટોળું જોયું એટલે ગાડી ઊભી રાખી.


'ચલો હટો હટો...' ત્રણ પોલીસ કોન્સ્ટેબલ દંડા પછાડતા નીચે ઉતર્યા અને તમાશો જોવા એકઠાં થયેલાં ટોળાને વિખેરવા લાગ્યા.
બરાબર એ જ ઘડીએ વળાંક પરથી પૂરપાટ ઝડપે વેગન-આર આવી અને ટોળાને, પોલીસને અને દૂરથી દેખાઈ ગયેલી પોલીસ પેટ્રોલવાનને જોઈને ગભરાયેલા ડ્રાઈવરે સજ્જડ બ્રેક મારી દીધી.


'આગળ પોલીસ છે...' તેણે દબાયેલા, ફફડતા અવાજે કહ્યું એ સાથે પાછલી સીટ પર વીજળી ત્રાટકી હોય તેમ વિલીને કાબૂમાં લેવા મથી રહેલાં બંને આદમી સજ્જડ થઈ ગયા.
*** *** ***


વિલીના પગ પકડવા મથતો આદમી આ ત્રણેયની ટોળકીમાં જરાક લીડર જેવો હતો. બંને આદમી તેની તરફ જોઈ રહ્યા હતા.
'યુ-ટર્ન લે લે...' તેણે જેવો સૂઝ્યો એવો વિકલ્પ કહી દીધો. હજુ વિલી કાબૂમાં આવ્યો ન હતો અને એમાં પોલીસ રોડ પર ઊભી હતી એથી એ પણ બેહદ ગભરાઈ ગયો હતો.


એ વિકલ્પ સદંતર ખોટો હતો. એક તરફ ખીણની આડશ તરીકે ચણેલી પાળી, સામેની તરફ ખાસ્સો એવો રોડ દબાવીને પથરાયેલી હાટડીઓ. એમાં એક-બે વાર આગળ-પાછળ કર્યા વગર યુ-ટર્ન આવે એમ જ ન હતો, અને આ લોકો પાસે એવો સમય પણ ક્યાં હતો? અંદર વિલીના ધમપછાડા ચાલુ જ હતા.


પોલીસનું નામ સાંભળેલીને થીજી ગયેલા બંને આદમીઓની પકડ જરાક ઢીલી પડી હોય કે મરાઠીમાં બોલાયેલા વાક્યમાં 'પોલીસ' શબ્દ કાને પડીને મગજમાં ઉતર્યો હોય, પરંતુ વિલીએ મરણિયો પ્રયાસ કરીને ઢીંચણ ઉછાળ્યો એ સાથે એક આદમીના મોંમાંથી કારમી ચીસ નીકળી ગઈ.


કદ-કાઠીમાં હટ્ટાકટ્ટા જવાન વિલીએ પૂરી તાકાતથી વિંઝેલો ઢિંચણ એ આદમીને બરાબર બે પગ વચ્ચે વાગ્યો હતો અને જ્યાં સદંતર ચૂપકીદી રાખવાની હતી ત્યાં જ સ્થળ-કાળ કે સંજોગની પરવા કર્યા વગર સહજ રીતે જ તેનાં મોંમાંથી રાડ ફાટી ગઈ.


ભારે મોટા અવાજે પડેલી એ ચીસ બહાર પણ સંભળાઈ એટલે પહેલાં ટોળાના કાન ચમક્યા અને પછી પોલીસવાળાનું ય ધ્યાન દોરાયું. અમસ્તી ય ગાડીએ સજ્જડ બ્રેક મારીને સૌની નજરમાં પોતાની હાજરી તો નોંધાવી જ દીધી હતી.


એ જ વખતે વિલીએ સીટના બેકરેસ્ટ સાથે ભીંસાયેલા બેય હાથ ઝનૂનભેર આગળની તરફ ફંગોળ્યા એટલે તેનાં હાથ પકડીને માથે ચડી બેઠેલો આદમી ય આગળની સીટ અને ડ્રાઈવરની વચ્ચેની જગ્યામાં ફંગોળાયો.
એ દૃશ્ય પોલીસવાળાએ ફ્રન્ટ વિન્ડશિલ્ડમાંથી બરાબર જોયું, અને તેણે આ જોયું એ ગભરાયેલા ડ્રાઈવરે પણ જોયું.


હજુ ટોળાની બબાલ પતી નથી ત્યાં અચાનક ટપકી પડેલી આ ગાડીમાં શું થઈ રહ્યું છે? યુનિફોર્મની સાથે જ શંકાશીલ સ્વભાવ દિમાગ પર ચડાવી લેવા ટેવાયેલો એ કોન્સ્ટેબલ ટોળાને ચાતરીને આ તરફ આવ્યો. તેને આવતો જોઈને ડ્રાઈવર વધુ ગભરાયો. તેણે ફૂલ એક્સલરેટર આપીને એન્જિન ગજાવી માર્યું અને રિવર્સ લેવા જતાં એક ઝાડને ય આંટી લીધું.


દરમિયાન બેય હાથ છૂટા થયા હોવાથી વિલીએ ગાડીના બોડી પર, ગ્લાસ પર આડેધડ હાથ પછાડવા માંડ્યા એટલે કોન્સ્ટેબલનો વહેમ દૃઢ થયો. તેણે દૂરથી જ લાકડી હલાવીને ત્રાડ નાંખી, 'એઈઈઈઈ, ગાડી રોક.... ગાડી રોક...'


હવે યુ-ટર્ન લેવો તો શક્ય ન હતો. આથી ગભરાયેલા ડ્રાઈવરે વચ્ચેના એક માત્ર વળાંક પર ફૂલ ટર્ન મારીને સિલ્વર ઓક ટ્રેક તરફ ગાડી ભગાવી દીધી અને ટોળામાંનાં એક-બે જણને જરાક ટક્કર પણ મારી દીધી.
હવે ટોળામાં ય હોહા મચી ગઈ, 'રોકો રોકો... કેટલો બેફામ ચલાવે છે...'


અંદર છૂટવા માંગતા વિલીના મરણિયા પ્રયાસો, માર ખાઈને કણસી રહેલાં અને ફરીથી વિલીને જકડવા મથતા બે આદમીઓ, ભાનસાન ભૂલીને એન્જિન ગજાવી રહેલો ડ્રાઈવર, ચિચિયારીઓ કરતું ટોળું, હાકલાં કરતો પોલીસ કોન્સ્ટેબલ અને આખો ય ગોકીરો જોઈને ચમકી ગયેલા પેટ્રોલવાનમાં બેઠેલા કોન્સ્ટેબલ...


સાધારણ રીતે સાવ શાંત રહેતું પંચગીની એ દિવસે ગણતરીની સેકન્ડોમાં ખળભળી ઊઠ્યું.
ડ્રાઈવરે ફૂલ એક્સલરેટર આપીને ટોળાની પરવા કર્યા વગર જ ગાડીને સિલ્વર ઓક ટ્રેકના ઢાળ પર ચડાવી દીધી. હવે રસ્તો ખાસ્સો ખુલ્લો હતો. હાજરી છતી થઈ જ ચૂકી હતી એટલે પીછો તો થવાનો જ, પણ અત્યારે તો ભાગ્યે જ છૂટકો એમ ધારીને તેણે ગાડી ધમધમાવવા માંડી.


પાછલી સીટ પર પેલા બેય આદમીઓએ પારાવાર ગુસ્સાથી વિલીને ધમારવા માંડ્યો. વિલીના ડાબી તરફના આદમીએ તેનાં વાળ ખેંચીને જડબા પર, છાતીમાં જેમ ફાવે તેમ મુક્કા ફટકારવા માંડ્યા. જમણી તરફના આદમીએ પેઢુમાં થતાં દર્દને કોરાણે મૂકીને બેઠા થવા મથતાં વિલીના પેટમાં આખલાની માફક ઢીંક મારી દીધી. ગમછો જરાક હટાવવામાં સફળ થયેલા વિલીએ કારમી ચીસો નાંખીને હજુ ય છૂટા રહેલાં પગ ડ્રાઈવરની સીટ તરફ જોશભેર ભીંસવા માંડ્યા, એટલે હચમચી રહેલી સીટને લીધે ડ્રાઈવર પણ અકળાયો.


સરવાળે, પોણા પાંચ બાય પોણા પાંચ ફૂટની વેગન-આરમાં કલ્પી ન શકાય એવું દંગલ જામ્યું.
સિલ્વર ઓક ટ્રેક પર લગભગ અડધા કિલોમીટર છેટે જમણી તરફ એક ગલી ફંટાતી હતી, જે હોટેલ મલાસથી વાલ્મિકી મંદિરના રસ્તે ખીંગર ગામની દિશાએ સાવ કાચી સડક તરફ જતી હતી. ડ્રાઈવરે મનોમન રસ્તાનો નકશો આંકીને ગાડી ભગાવવા માંડી.


હજુ એ વળાંક સુધી પહોંચે એ પહેલાં એનાં કાન ચમક્યા.
પાછલી સીટ પર ચાલતા દંગલને લીધે રિઅર વ્યૂ મિરરમાંથી તો કશું દેખાતું ન હતું, પરંતુ વિલીની ચીસો અને બે આદમીઓની ગાળોના અવાજ વચ્ચેથી ય તેને સાઈરનનો કર્કશ, તીણો અને ચોંકાવનારો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.


ડ્રાઈવરે કાચ ઉતારીને સાઈડ વ્યૂ મિરર ખોલ્યો એ સાથે તેને પેટમાં કોશ વાગી હોય એવો ધ્રાસ્કો પડ્યો,
'પાછળ પોલીસ છે...!!'
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP