દૂરબીન / તમને ભગવાન પર ક્યારેય ગુસ્સો આવ્યો છે ખરો?

article by krishnakant undakat

કૃષ્ણકાંત ઉનડકટ

Apr 07, 2019, 04:54 PM IST

જવા દે ને, મને તો ભગવાન ઉપરથી ભરોસો જ ઊઠી ગયો છે. ભગવાન હોય તો આવું થોડું થાય? દરેકની લાઇફમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જ્યારે એ ભગવાનના અસ્તિત્વ સામે જ સવાલો કરે છે. લોકો એવું પણ કહેતા હોય છે કે, સારા માણસનો ભગવાન હોય છે. સારો માણસ પણ ક્યારેક એવું બોલતો હોય છે કે, ક્યાં છે ભગવાન? છે તો એ અનુભવાતો કેમ નથી? જે માણસ ભગવાનના રસ્તે ચાલે છે, પ્રામાણિક જીવન જીવે છે. કોઈનું બૂરું ઇચ્છતો નથી, બીજા લોકોને પોતાનાથી બને એટલી મદદ કરે છે. એના ઉપર જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે એ ભગવાન ઉપર નારાજ થાય છે. નાસ્તિક માણસ, જે ભગવાનને માનતો નથી એ પણ ક્યારેક ભગવાનથી નારાજ થતો હોય છે. તમને ‘દીવાર’ ફિલ્મમાં અમિતાભના મોઢે બોલાયેલો પેલો ડાયલોગ યાદ છે. અમિતાભ શંકર ભગવાનના મંદિરે જાય છે અને બોલે છે કે, આજ ખુશ તો બહુત હોંગે તુમ. પછી એ ભગવાનના મોઢે પોતાનો ગુસ્સો ઠાલવે છે અને પૂછે છે કે, જે આખી જિંદગી તારામાં શ્રદ્ધા રાખીને જીવી છે એવી મારી માનો વાંક શું છે?

  • એક અભ્યાસમાં ચોંકાવનારી વાત બહાર આવી છે કે, 62 ટકા લોકો ભગવાનથી ક્યારેક નારાજ થયા હોય છે. એનું કારણ પણ સરવાળે તો પરમ તત્ત્વ પ્રત્યેના પ્રેમ જ હોય છે

દરેકની જિંદગીમાં એકાદ વખત તો એવું થયું જ હોય છે કે પોતાનો કોઈ વાંક ન હોય, કોઈ ખરાબ ઇરાદો ન હોય તો પણ એની સાથે કંઈક ન બનવાનું બન્યું હોય. એવા સમયે ભગવાન સામે માણસ સવાલો કરે છે. જેને ખૂબ જ પ્રેમ કરતા હોય એ વ્યક્તિ છોડી જાય, જેના ઉપર આંધળો વિશ્વાસ કર્યો હોય એ વિશ્વાસઘાત કરે, ખૂબ મહેનત કરી હોય છતાં નિષ્ફળતા મળે, જિંદગી સરળ લાગતી હોય અને અચાનક જ કોઈ એવી ઘટના બને કે બધું જ તિતરબિતર થઈ જાય ત્યારે માણસ ભગવાન પર પણ નારાજ થઈ જાય છે. પોતાને વહાલું હોય એ સ્વજન જ્યારે અવસાન પામે ત્યારે પણ ભગવાન ઉપરથી ભરોસો ઊઠી જાય છે. કોઈ ભગવાનનાં દર્શને જતું હોય, અકસ્માત થાય અને એ અવસાન પામે ત્યારે એવું થયા વગર નથી રહેતું કે, એ તો તને પગે લાગવા આવતા હતા. તેં એની સાથે આવું કેમ કર્યું?
તમે ક્યારેય કોઈ વાતે ભગવાનથી નારાજ થયા છો? ભગવાન ઉપર ગુસ્સે થયા છો? જો થયા હોવ તો દુનિયામાં તમે એકલા નથી. અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 62 ટકા લોકોએ કબૂલ્યું હતું કે, તેઓ ક્યારેક તો ભગવાન ઉપર ગુસ્સે થયા જ હતા. અમેરિકાના જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજીમાં પ્રસિદ્ધ થયેલો આ સર્વે યુએસની વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીની સાયકોલોજિસ્ટ જુલી એક્સલાઇન દ્વારા કરવામાં આવ્યો હતો. જુલીનું કહેવું છે કે, ભગવાન ઉપર નારાજ થવામાં કોઈ બાકાત નથી. જેટલા ગરીબો નારાજ થાય છે એટલા જ તવંગરો પણ ગુસ્સે થાય છે. યુવાનોમાં આ પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ અભ્યાસ ભલે અમેરિકામાં થયો હોય, પણ દરેક દેશમાં દરેક લોકોને ક્યારેક તો એવું થાય જ છે કે, ભગવાનને આવી વેદના આપવા માટે હું જ મળ્યો હતો? મારો શું વાંક કે ભગવાને મને આવી સજા આપી?
માણસ ભગવાન, ઈશ્વર, ગોડ, ખુદા, પરમાત્મા કે જે કોઈને એ સર્વશક્તિમાન માનતા હોય એની સામે ફરિયાદ કેમ કરે છે? એનો જવાબ એ છે કે, એના ઉપર એને સૌથી વધુ શ્રદ્ધા હોય છે. એ એમને સમર્પિત હોય છે. એ એવું માને છે કે, મારા પર આવનારું સંકટ ભગવાન ટાળી દેશે. મને દરેક સમસ્યાઓથી બચાવશે. એવું ન થાય ત્યારે એ ભગવાન પર ગુસ્સે પણ થાય છે. આ વિશે જ્યારે એક સંતને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે એવી વાત કરી હતી કે, લોકો ભગવાનને પ્રેમ કરે છે, તેમના પર ભરોસો મૂકે છે, એટલે એને નારાજ થવાનો પણ અધિકાર છે. તમે જેને પ્રેમ કરતા હોવ એના ઉપર સૌથી વધુ નારાજ અને ગુસ્સે થાવ છો. ત્યાં તમારો અધિકારભાવ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. અમુક લોકો સમજે છે કે, જિંદગીમાં દરેક દિવસો સરખા નથી હોતા. અપ-ડાઉન્સ તો ચાલતા જ રહે છે. ક્યારેક હતાશા જેવું પણ લાગે છે, ક્યારેક નિરાશા પણ થવાની છે. વિપદા આવે ત્યારે વેદના તો થાય જ ને. સુખની જેમ દુ:ખ પણ આપણી સંવેદનાઓ જ છતી કરે છે. જે લોકો જિંદગીને સમજે છે એ એવી જ વાત કરે છે કે, હે ભગવાન, તું દુ:ખ ભલે આપે, પણ પહેલાં એ દુ:ખ સહન કરવાની શક્તિ આપજે. ભાંગી ન પડું એટલી તાકાત આપજે.
અમુક લોકોની જિંદગીની વાત સાંભળીએ ત્યારે ખરેખર એવું થાય કે, ભગવાનને આનો જરાયે વિચાર આવતો નહીં હોય? ભગવાન જાણે એને ભૂલી જ ગયો હોય એવું એની સાથે થતું હોય છે. તેની સાથે ઘણા લોકો એવા મજબૂત હોય છે કે, લાખ સંકટ હોય તો પણ એ સહજ હોય. એમના મોઢે એવી વાત સાંભળવા મળે કે, ભગવાન એને જ દુ:ખ આપે છે જેનામાં એ સહન કરવાની શક્તિ હોય. દુનિયાના પરમ તત્ત્વ વિશે દરેકને પોતાના ખ્યાલ હોય છે. દરેક ભગવાનને પોતાની રીતે માને છે. ગમે તે હોય, એક વાત તો છે જ કે, ઈશ્વર પરની શ્રદ્ધા જિંદગીને હળવી રાખે છે. દરેક ધર્મ એવું કહે છે કે, તમારી વેદના, પીડા, દુ:ખ, સમસ્યા અને ચિંતાઓ એને સોંપી દો, ઉપરવાળો કરશે એ સાચું અને સારું જ કરશે. બાકી રહી ભગવાન પર નારાજ કે ગુસ્સે થવાની વાત, તો પ્રેમ હોય ત્યાં થોડીઘણી નારાજગી તો રહે જ છે. સરવાળે શ્રદ્ધા જ ટકતી હોય છે. નારાજ થયા પછી પણ માણસ ઈશ્વર તરફ પાછો પ્રયાણ કરી જાય છે.
પેશ-એ-ખિદમત
દર-ઓ-દીવાર કી જદ સે નિકલના ચાહતા હૂં મૈં,
હવા-એ-તાજા તેરે સાથ ચલના ચાહતા હૂં મૈં,
વો કહતે હૈં કિ આઝાદી અસીરી કે બરાબર હૈ,
તો યૂં સમજો કિ જંજીરે બદલના ચાહતા હૂં મૈં.
(જદ=ચોટ, અસીરી=કેદ)- ઇરફાન સિદ્દીકી
[email protected]

X
article by krishnakant undakat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી