કૃષ્ણ કયા પંથના

article by kana bantwa

કાના બાંટવા

Sep 05, 2018, 12:05 AM IST

કૃષ્ણને પૂજતા ઘણા પંથ-સંપ્રદાય છે, કૃષ્ણ પોતે કોઈ એક પંથ-સંપ્રદાયના નથી. કૃષ્ણને એક સંપ્રદાયના વાડામાં બાંધી પણ શકાય તેમ નથી. અને, મોટાભાગના સંપ્રદાય સંપૂર્ણ કૃષ્ણને ભજવાને બદલે પોતાને ગમતાં-ફાવતાં કૃષ્ણના સ્વરૂપને પૂજે છે. કૃષ્ણનું જીવન એટલું બધું અનેકરંગી છે કે બધા રંગોની છાયા ઝીલવી મુશ્કેલ બની જાય. મોરપિંછના રંગો જેવા છે કૃષ્ણ.

દરેક એંગલથી જૂદી જ ઝાંય દેખાય. જૂદો જ રંગ દેખાય. જૂદી જ છટા દેખાય. મોટાભાગના લોકોને તો દુવિધા થાય કે કયા કૃષ્ણને ભજવા? પ્રતિજ્ઞા તોડીને રથનું પૈડું ઉઠાવીને ભિષ્મની સામે ધસી જનાર કૃષ્ણને કે દુર્યોધનના સાથળ પર પ્રહાર કરવા માટે ભીમને ઇશારો કરનાર કૃષ્ણને કે ગોપીઓ સાથે રાસ રમનાર કૃષ્ણને કે રણછોડ કૃષ્ણને કે ગીતાનું જ્ઞાન આપનાર કૃષ્ણને ભજવા? મુશ્કેલી એ થાય છે કે કૃષ્ણનાં વિવિધ સ્વરૂપોનો આપણી વિચારધારા, સમય અને માન્યતાઓના ધોરણો અનુસાર મેળ બેસતો નથી. જાણે એકબીજાથી વિરુદ્ધના લાગે. એકબીજાથી તદ્દન ભિન્ન લાગે.

કાનુડાને હિંચોળી લીધો હશે જન્માષ્મીએ. નંદલાલની જય બોલાવીને માખણ મિસરી ખાધાં હશે. મેળાઓમાં મહાલ્યા હશો. કૃષ્ણ જન્મની ઉજવણીનો કેફ હજી હશે થોડો થોડો. એ ઉતરતા કેફમાં કૃષ્ણને થોડા માણી લઈએ

કૃષ્ણએ પોતે ભગવદ્ ગીતામાં જીવનનું અંતિમ જ્ઞાન આપ્યું, પણ કોઈ સંપ્રદાય વિશેષની તરફેણ નથી કરી. કોઈ એક પંથનું નામ નથી આપ્યું કે આના ઉપદેશ પ્રમાણે આચરણ કરો. તેમના સમયમાં જે ધાર્મિક પરંપરાઓ, વિધિઓ વગેરેનું આચરણ થતું હતું તેને પણ કૃષ્ણએ ખાસ એન્ડોર્સ કરી નથી. ભગવદ્ ગીતામાં તેમણે વેદને અનુસરવાની સલાહ આપી છે, પણ કોઈ સંપ્રદાયને નહીં. ઉલટું કૃષ્ણએ પોતાના જીવનમાં અને ભગવદ્ ગીતામાં પણ કર્મકાંડ, વિધિ-વિધાન વગેરેનો વિરોધ કર્યો છે. ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે વ્રજના ગોપ લોકો યજ્ઞ કરી રહ્યા હતા તેને કૃષ્ણએ અટકાવ્યો હતો અને ઇન્દ્રને નારાજ કર્યો હતો. પરંપરા અને રૂઢીઓ તોડવાનું આ પ્રથમ ચરણ હતું. ભગવદ્ ગીતામાં પણ કર્મકાંડનો વિરોધ દેખાઈ આવે છે. યજ્ઞની ભરપૂર તરફેણ પણ તેમાં છે. ઘણા વિદ્વાનો ગીતાને સમન્વયવાદી કહે છે, હકીકતમાં કૃષ્ણનું દર્શન વિવિધ વિચારધારાનો સમન્વય નથી, માત્ર કૃષ્ણનું જ દર્શન, ફિલોસોફી છે. કૃષ્ણએ પોતે જે રસ્તો ચિંધવો હતો તે ચિંધ્યો છે. તેમાં તેમણે કોઈ મત કે વાદ કે પંથ ઊભો કરવાનો પણ પ્રયત્ન નથી કર્યો. સામાન્ય માણસ માટે જીવનનો રાહ ચિંધ્યો છે, માનવીના મનના ઊંડાણ સુધી કૃષ્ણ ગીતામાં પહોંચ્યા છે એ દૃષ્ટિએ ગીતા માનસશાસ્ત્રનો ગ્રંથ છે. કૃષ્ણએ માનવ મનને સમજાવ્યું છે.

અર્જુનને યુદ્ધ લડવા માટે પ્રવૃત્ત કરવા કૃષ્ણએ તેના મનનો ઇલાજ કર્યો છે અને એ પણ બહુ જ કુશળતાથી. સાતસો શ્લોકની ગીતામાં કૃષ્ણએ અર્જુનને સમૂળગો બદલી નાખ્યો છે. જે અર્જુન ગીતાના આરંભે હતો તે અર્જુન અંતમાં નહોતો. તે સંપૂર્ણપણે પરિવર્તન પામેલો અલગ જ માણસ હતો જે બ્રહ્મવિદ્યા સમજી ચૂક્યો હતો. તેને સત અને અસત, સારું અને ખરાબ, સાચું અને ખોટું સમજાઈ ગયું હતું. તેને ભક્તિ અને જ્ઞાન માર્ગની એકરૂપતા સમજાઈ ગઈ હતી. તેની અંદરનું દ્વંદ સમાપ્ત થઈ ગયું હતું. તેના અંતરની અશાંતિનું સ્થાન ચિર શાંતિએ લીધું હતું.


કૃષ્ણનું દર્શન, ગીતા ઉપનિષદ સમકક્ષ ગણાઈ છે. તેને ઉપનિષદનો દરજ્જો મળ્યો છે. ઘણા અંશે ઉપનિષદનું જ્ઞાન ગીતામાં પડઘાયું પણ છે. ઉપનિષદના જ્ઞાનના સમન્વય જેવી ગીતા છે એટલે હિન્દુ દર્શનમાં આદ્યાત્મિક પ્રવાસના પ્રારંભ માટેના ગ્રંથો, ‘પ્રસ્થાનત્રયી’માં ઉપનિષદો અને બ્રહ્મસૂત્રની સાથે ગીતાને મૂકવામાં આવી છે. પંડિતોએ એવો નિયમ પ્રાચિનકાળમાં ઘડી કાઢ્યો હતો કે જે વિદ્વાન એવું સિદ્ધ કરી આપે કે પોતાના સંપ્રદાયના આદેશો, માન્યતાઓ, સિદ્ધાંતો પ્રસ્થાનત્રયી સાથે સુસંગત છે તેને આચાર્યની પદવી આપવામાં આવે છે. એટલે બધા સંપ્રદાયોના આચાર્યોએ ગીતા પર ભાષ્યો લખ્યાં છે અને દરેકે એ વાત સિદ્ધ કરવાની કોશિશ કરી છે કે ગીતા તો અમારા ધર્મ સાથે જ, અમારા ધર્મમાં બતાવેલા માર્ગ સાથે જ, એના વચનો સાથે જ સૌથી વધુ બંધ બેસતી, સુસંગત છે. આનાથી થયું એવું છે કે ગીતા અને કૃષ્ણ બધા જ સંપ્રદાયના થઈ ગયા છે અને ગીતા હિન્દુ ધર્મનો મહત્ત્વનો ગ્રંથ બની ગઈ છે. હિન્દુ ધર્મના અનેક ફાંટા છે એટલે અન્ય ધર્મોની જેમ તેનો એક જ કોઈ ગ્રંથ નથી. ઇસ્લામમાં કુરાન અને ખ્રિસ્તીમાં બાઇબલ છે તેવો કોઈ એક નિશ્ચિત ગ્રંથ હિન્દુ ધર્મનો નથી એટલે કોર્ટમાં સોગંદ લેવા માટે ભગવદ્ ગીતાને પસંદ કરવામાં આવી છે.


કૃષ્ણને ભજવા માટે કોઈ પણ સ્વરૂપ પસંદ કરી શકો, પણ કૃષ્ણને જો પામવા હોય તો તેમના તમામ સ્વરૂપોને જાણવા સમજવાં પડે. કૃષ્ણના તમામ રૂપને એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા પડે. કૃષ્ણના બધાં કર્મને, પછી તે આપણને આજના યુગમાં યોગ્ય લાગતાં હોય કે ન લાગતાં હોય તે સમયના અને આજના સમયના સમાજ-ધર્મ-રિવાજને ધ્યાનમાં રાખીને મુલવવાં પડે. કૃષ્ણ બહુ સરળ વ્યક્તિત્ત્વ છે સમજવા માટે, પણ અનુસરવા માટે કૃષ્ણ થોડા મુશ્કેલ છે છતાં, કૃષ્ણ એટલા હળવાફુલ છે કે તેને અનુસરવાનું, તેને પ્રેમ કરવાનું ગમે.


છેલ્લો ઘા :
કાલોસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્ત:
જગતનો નાશ કરનાર કાળ છું હું, લોકોને સંહારવા માટે પ્રવૃત્ત છું.
(ભગવદ્ ગીતા અધ્યાય 11, શ્લોક 32)
[email protected]

X
article by kana bantwa

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી