Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

મરણનોંધ કરાવનાર તરીકે કોઈ ઈયાન સ્ટુઅર્ટની સહી છે, ડુ યુ નો હિમ?

  • પ્રકાશન તારીખ17 Jul 2018
  •  

અચાનક તેની આંખ ખૂલી એ સાથે નજરની સીધમાં આવેલાં ફાયરપ્લેસના ગોખલામાં ઝીણોઝીણો, છૂટોછવાયો દેવતા ઝગતો તેને દેખાયો. એ અંગારા હતા કે પેલી ઓરતની આંખો? પગની પાનીથી પીંડીમાં થઈને છેક સાથળના મૂળ સુધી જાણે વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ તે હચમચી ગયો. બ્લેન્કેટમાં ટૂંટિયું વાળીને ફરી ઓશિકામાં માથું ખોસવાનો નિરર્થક યત્ન તેણે કરવા માંડ્યો. હવે તેનાં કાનમાં કશોક અવાજ પડઘાતો હતો... ધબ-ધબ જેવો કશોક અવાજ. વજનદાર હાથે કોઈ બારણું પીટી રહ્યું હોય તેવો અવાજ. તેણે ડરતાં ડરતાં બ્લેન્કેટમાંથી ગરદન બહાર કાઢીને સહેજ આંખ ફેરવી. એ જ ખોડંગાતું ડાઈનિંગ ટેબલ, નીચે પડેલાં તેનાં જૂતાં, સામેની બંધ બારીની ફાંટમાંથી દેખાતો અજવાસનો આછો ઊઘાડ અને દરવાજા પર અથડાતો અવાજ... ‘મિસ્ટર વિલિયમ... ઓ મિસ્ટર વિલિયમ મૅક્લિન...’ એ સફાળો બેઠો થઈ ગયો. આ તો સવાર પડી ગઈ હતી, અને એ હજુ ય સપનાંનાં ખોફમાં થથરતો હતો. ખાસ્સું મોડું થયું લાગે છે... પેલો બુઢ્ઢો બરાબર અકળાયો હશે. સપાટાભેર એ સોફા પરથી નીચે કુદ્યો અને દરવાજા ભણી ધસ્યો.

એ અંગારા હતા કે પેલી ઓરતની આંખો? પગની પાનીથી પીંડીમાં થઈને છેક સાથળના મૂળ સુધી જાણે વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ તે હચમચી ગયો.

વાયરાની તોફાની બાથમાં ખેંચાઈને રાતભર દોડતું રહેલું આકાશ અત્યારે સુસ્તાઈને હાંફી રહ્યું હતું. હવામાં હજુ ય ઠાર હતો. રાતભર વરસેલા હિમના ફોરાં ધીમે ધીમે ઓગળીને સડક પર રેલાઈ રહ્યાં હતાં. ‘આપણે રાત્રે જ સમય નક્કી કર્યો હતો...’ નિયત સમયે એ તૈયાર ન હતો એટલે અકળાયેલો જેમ્સ ચાલતાં ચાલતાં સતત અણગમાથી બબડી રહ્યો હતો, ‘...પણ તમે આજકાલના જવાનિયાઓ એવી શિસ્તમાં સમજતાં જ નથી...’ જેમ્સના એકધારા તુચ્છકારથી વિલી એટલો બધો અકળાઈ ગયો હતો કે બીજો કોઈ સમો હોત તો ચોક્કસ ઝગડી પડ્યો હોત, પણ અત્યારે બોલાય તેમ ન હતું. તેણે સાચે જ બાઘાઈ કરી હતી. રાતભર સપનાનો થથરાટ જ એટલો બધો હતો કે એ સરખું ઊંઘી ય શક્યો ન હતો. હવે જો એ સપનાં વિશે જેમ્સને કહે તો વળી એ મૅક્લિનની બહાદુરીની વાતે ચઢી જશે અને તેનાં ડરની મજાક ઊડાવશે. ‘આ એન્સેસ્ટ્રી ચર્ચ કેટલાં વર્ષ જૂનું હશે?’ તેણે વાત બદલીને જેમ્સનો મિજાજ ઠેકાણે લાવવાની પેરવી કરવા માંડી.

‘મોર ધેન ટૂ હન્ડ્રેડ યર્સ...’ આગળ દોડ્યા જતાં જેમ્સને જાણે સવાલ ગમી ગયો હોય એમ એ તરત ત્યાં જ ખોડાઈ ગયો. ‘એન્ડ્ર્યુ મૅક્લિનના જમાનામાં બન્યું હતું. લગભગ દરેક સ્કોટિશ કૂળનું પોતાનું એક ચર્ચ હોય છે. એ રીતે આ મૅક્લિનનું ચર્ચ છે.’ ‘ઓકે, હું સમજી ગયો કે એ મારા...’ બુઢ્ઢાએ કરડી નજરે સામે જોયું એટલે તરત વિલીએ ભૂલ સુધારીને ઉમેર્યું, ‘આઈ મિન, આપણાં કુટુંબનું આ ચર્ચ છે, જ્યાં આપણાં ફેમિલી ટ્રીની, તમે કહો છો એ મુજબ, દરેક પ્રકારની વિગતો સચવાયેલી છે, બટ આઈ રિઅલી કાન્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ ઈટ વિલ હેલ્પ મી? જેમ્સ કશો જવાબ આપ્યા વગર સડસડાટ આગળ ચાલી રહ્યો હતો.

આછા ક્રિમ કલરનો ઓવરકોટ, જાડા ખદ્દડ ચામડાના ઘૂંટીથી દોઢેક ઈંચ ઊંચા જૂતાંમાં ખોસેલું જીન્સ, ખભા પાછળ મંદિરની ધજાની જેમ ફરકતો સ્કોટિશ કુળાભિમાનની સાખ પોકારતો લાલ બેકગ્રાઉન્ડમાં કાળા, ભૂરા ચોકઠાંવાળો ટાર્ટન, છાતી પર બાંધેલા બ્રાઉન કલરના લેધર બેલ્ટમાંથી સહેજ ડોકિયું કરતો પિસ્તોલનો કુંદો અને હાથમાં છત્રી... બુઢ્ઢો રોજ આમ જ શિકારે ચડતો હોય એમ ઘરની બહાર નીકળતો હશે? તેણે કશો જવાબ ન આપ્યો એટલે વિલી ઝડપથી ચાલીને તેની લગોલગ પહોંચ્યો. ‘મેં અગાઉ કહ્યું એમ, મારી જરૂરિયાત સ્પષ્ટ છે. નવી નોકરી મળે અથવા તો હું મારી પોતાની કન્સલ્ટન્સી ચાલુ કરી શકું ત્યાં સુધી મારે ટકવું છે. એ માટે થોડીક કેશ જોઈએ છે, જે હવે મને બીજે ક્યાંયથી મળી શકે તેમ નથી.’

‘તું એકની એક વાત કર્યા કરે છે, પણ મારી પાસે જવાબ પણ એકનો એક જ છે કે, એવી કેશ તો અહીંથી પણ મળી શકે તેમ નથી’ જેમ્સે તેની સામે જોયા વગર જ સપાટ સ્વરે જવાબ વાળી દીધો. ‘તો પછી આપણે જખ મારવા ચર્ચ જઈએ છીએ?’ વિલી હવે અંદરનો ઉકળાટ છૂપાવી શકે તેમ ન હતો. ‘અમસ્તો ય તું જખ જ મારે છે ને? તો પછી એક ટ્રાય કરવામાં શું ખોટું છે? ‘ઓહ કમ ઓન, તમે આને ટ્રાય ગણો છો? આઈ નીડ મની... આઈ બેડલી નીડ, એમાં મારૂં ફેમિલી ટ્રી અને આ એન્સેસ્ટ્રી ચર્ચ એ તમને ટ્રાય લાગે છે?’ વિલીના અવાજમાં હાંફ હતો. એ ઝડપથી ચાલવાના કારણે હતો કે અંદરના ઉશ્કેરાટના કારણે એ કળી શકાતું ન હતું. અચાનક જેમ્સ અટક્યો. ઘડીક વિલીની આંખોમાં ધારદાર નજરે તાકીને બોલ્યો, ‘તને ખબર છે, હું બત્રીશ વર્ષ સુધી સ્કોટલેન્ડ યાર્ડમાં હતો?’ ‘સો વોટ?’ અચાનક જ મૂળ વાત સાથે લેવાદેવા વગરના કશાક અસંબદ્ધ સવાલો કરી દેવાની જેમ્સની આદતથી વિલી આ બીજી મુલાકાત સુધીમાં ટેવાઈ રહ્યો હતો, પણ આવા વાહિયાત સવાલોથી તેને ગુસ્સો ય ખૂબ આવતો હતો. ‘સ્કોટલેન્ડ યાર્ડની અમારી મેટ્રોપોલિટન પોલીસ સર્વિસના જૂના હેડક્વાર્ટરના દરવાજે એક જમાનામાં મોટી તકતી પર લખાયેલું રહેતું... Focus furthur there, from where others stop to look…’ ‘એટલે?’ ‘એટલે એમ કે...’ વિલીની આંખોમાં તરવરતી મુંઝવણની પરવા કર્યા વગર જેમ્સે ટેકરીઓનો ઢાળ ઉતરતી પગદંડીની નીચે દેખાતાં મિનારા તરફ આંગળી ચિંધી, ‘તું હજુ આ ટેકરીઓ જ જોઈ રહ્યો છે, પણ મને તો ઘણે દૂર સુધીનું દેખાય છે...’ ‘અરે યાર કંઈક સ્પષ્ટ તો બોલો...’ ‘આ સામે દેખાય એ જ આપણું ચર્ચ. ફાધર રાહ જ જોતાં હશે.

વી આર ઓલરેડી લેટ. લેટ્સ મૂવ...’ ચર્ચના પ્રાંગણમાં પહોંચીને વિલી ઘડીક ઊભો રહી ગયો. લંડનમાં જન્મેલો, ત્યાં જ ઉછરેલો એ તદ્દન નફિકરો, ઉચ્છૃંખલ અને પોતાની દુનિયા, પોતાની મોજ, પોતાની મુશ્કેલી સિવાયની તમામ બાબતો પ્રત્યે બિલકુલ બેપરવા રહેનારો જુવાન હતો. શું પરિવાર કે શું પૂર્વજો, બાળપણથી એકલપંડે ફોસ્ટર હોમમાં ઉછરેલા વિલીએ કદી પોતાના મૂળિયા વિશે વિચાર સુદ્ધાં કર્યો ન હતો. પણ આજે અહીં આવીને એ ઘડીભર સ્તબ્ધ થઈને જોઈ રહ્યો. પહોળાઈમાં પથરાયેલું બેઠા ઘાટનું મકાન. ત્રીશેક પગથિયા ઉપર ચડો એટલે ચાલીશેક ફૂટ લાંબી પરસાળ આવે. પરસાળની ચર્ચ તરફ ખૂલતી દિવાલમાં એકમેકથી થોડાંક અંતરે આવેલાં ત્રણ દરવાજા. બહાર પગથિયા તરફ હારબંધ થાંભલા પર લાકડાની અટારી. અટારીની ધાર પર કોતરણી કરેલો ઝરૂખો. ઝરૂખાની માથે પથ્થરનો મિનારો. મિનારાની વચ્ચે પીતળની સાંકળ પર ઝૂલતો વિશાળ ઘંટ અને તેની ઉપર જીસસની ભાવવાહી પ્રતિમા... આશરે બે સૈકા પહેલાં બંધાયેલા ચર્ચનો એક દબદબો હતો.

ચર્ચ બંધાવનારો એન્ડ્રુ મૅક્લિન એડિનબર્ગ સુધી વિખ્યાત હતો એટલે સ્કોટલેન્ડ ઉપરાંત શાહી પરિવારની પણ અહીં આવ-જા રહેતી. હવે તો દેખભાળ અને ભાવિકોના અભાવમાં ચર્ચના પગથિયાની માફક તેની સાખને ય ખાસ્સો ઘસારો પહોંચી ચૂક્યો હતો. ડિસ્ટીલરી ક્વાર્ટ્સના કર્મચારીઓ મહિને એકવાર અહીં ભેગાં થતાં. મૅક્લિન એસ્ટેટમાં રહેતાં કોઈ વૃદ્ધનું મૃત્યુ થાય ત્યારે તેમની પ્રાર્થનાસભા અહીં યોજાતી. મૅક્લિન વંશમાં કોઈના પરિવારમાં જન્મ થાય કે મૃત્યુ થાય ત્યારે તેની નોંધણી અહીં થતી. મૂળ પરંપરા મુજબ તો મૃત્યુ પામનારની ઘણી વિગતો અહીં લખાતી, પણ હવે પેઢીઓ પછી એ પરંપરા ય અહીં માત્ર ઔપચારિકતા બની ચૂકી હતી. આસપાસનું નીરિક્ષણ કરી રહેલાં વિલીએ જોયું તો જેમ્સ ક્યારનો પગથિયા ચડીને વચ્ચેના દરવાજા પાસે કોઈની સાથે વાત કરી રહ્યો હતો. એ જ પાદરી હશે એમ ધારીને વિલી પણ સહજ સંકોચભેર આગળ વધ્યો અને ફાધરનું અભિવાદન કર્યું. ‘તારા ફાધરની મરણનોંધ કરાવનાર તરીકે કોઈ ઈયાન સ્ટુઅર્ટની સહી છે. ડુ યુ નો હિમ?’ ‘યાહ...’ જર્જરિત ચોપડાંના પીળા પાનાઓમાં કાળી સ્યાહીથી વાંકડિયા અક્ષરોમાં લખાયેલી નોંધો જોઈને વિલી તાજુબ થઈ રહ્યો હતો, ‘એ મારા બાપનો ડેપ્યુટી હતો.

ફોસ્ટર હોમમાં મને મૂક્યો ત્યારે મારા વાલી તરીકે પણ તેણે જ સહી કરી હતી.’ ‘યોર ગ્રાન્ડફાધર વોઝ હેન્રી મૅક્લિન... એ સીડી પરથી પડીને મરી ગયો હતો. તેનો બાપ ફ્રેડરિક...’ પાદરી સ્વગત બોલતો હોય તેમ ચોપડાંના પાનાંઓ ઉથલાવતો વાંચી રહ્યો હતો. જેમ્સ પણ તેના ખભા પર ઝળુંબીને જોઈ રહ્યો હતો. અચાનક પાદરીએ ઉપરછલ્લી નજર ફેરવીને એકસામટા આઠ-દસ પાના ફેરવી નાંખ્યા. વિલીને તો કશું જ સમજાતું ન હતું. જેમ્સ પણ આતુર નજરે ઘડીક પાદરીના ચહેરાને તો ઘડીક તેણે ફેરવેલાં પાનાંને ઝીણી નજરે જોઈ રહ્યો હતો.

‘આઈ મિન, આપણાં કુટુંબનું આ ચર્ચ છે, જ્યાં આપણાં ફેમિલી ટ્રીની, તમે કહો છો એ મુજબ, દરેક પ્રકારની વિગતો સચવાયેલી છે, બટ આઈ રિઅલી કાન્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ ઈટ વિલ હેલ્પ મી?'

‘તમારા બંનેનું રૂટ તો એકસરખું છે...’ નાક પર સરકાવેલા ચશ્માની ઉપરથી નજર તાકીને પાદરીએ જેમ્સ તેમજ વિલી તરફ વારાફરતી આંગળી ચિંધીને કહ્યું, ‘તમે બંને વિક્ટર મૅક્લિનના વંશજો છો, પણ બંનેની બ્રાન્ચ અલગ છે..’ ‘યાહ...’ વિલી કશું સમજે એ પહેલાં જેમ્સે જ જવાબ આપી દીધો, ‘ધેટ આઈ નો... મારૂં તો સોળ પેઢી સુધીનું ફેમિલી ટ્રી મને કંઠસ્થ છે, પણ મિ. વિલિયમ કઈ બ્રાન્ચથી અલગ પડે છે તેનો મને ખ્યાલ નથી.’ પછી તેણે પાદરીનો હાથ કોણી પાસેથી પકડીને સહેજ ધીમા અવાજે કહ્યું, ‘આઈ અફ્રેડ હી ઈઝ ફ્રોમ ધેટ...’ ‘યસ...’ પાદરીએ અડધેથી જ તેનું વાક્ય અટકાવીને ડોકું ધૂણાવ્યું. ચશ્મા ઉતારીને તે ટેબલની સહેજ નજીક આવ્યો. બે મજલાના મકાન જેટલી ઊંચી છત ધરાવતા વિશાળ ઓરડાની છત પર મઢેલાં રંગીન કાચમાંથી ચળાઈને આવતાં અજવાળા તળે તેણે પાકાં પૂંઠાનો વજનદાર ચોપડો વિલી તરફ સરકાવ્યો અને લાગલું જ પૂછી લીધું, ‘તને કંઈ ડરામણાં સપનાં આવે છે?’ (ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP