Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

એ સ્ત્રીએ અચાનક ઝાડના ઠુંઠાં જેવી સુક્કી ગરદન ઘૂમાવીને તેની તરફ જોયું...

  • પ્રકાશન તારીખ16 Jul 2018
  •  

પ્રકરણ – 3

વિલી ભયંકર અકળામણથી તેની સામે જોઈ રહ્યો. સાલો લીટર-દોઢ લીટર દારૂ પી જવાની શેખી કરતો હતો, પણ અડધી બોટલમાં જ ટલ્લી થઈને અચાનક મારા ફેમિલી ટ્રીની લવારીએ ચડી ગયો હતો.

‘એન્સેસ્ટ્રી ચર્ચ આપણું મૅક્લિન્સનું ખાનદાની ચર્ચ છે...’ તેનાં ચહેરા પર અણગમો છે, ગુસ્સો છે, કંટાળો છે તેની જરાક સરખી ય પરવા કર્યા વગર બુઢ્ઢાએ કહ્યે રાખ્યું હતું, ‘આપણી તમામ પેઢીઓની નોંધ ત્યાં રખાય છે. તારા જેવા બેપરવા મૅક્લિન્સ પણ હવે વધ્યા છે જેની મને બહુ શરમ છે, પણ મોટાભાગના આજે પણ દુનિયામાં ગમે ત્યાં હોય, પરિવારમાં બાળક જન્મે એટલે તેની નોંધણી અહીં કરાવતા જ હોય છે... અને મને હાલની કે હવે પછીની નહિ, તારી ભુતકાળની પેઢી વિશે જાણવામાં રસ છે. કદાચ તારી મુશ્કેલીઓનો હલ એમાંથી મળી શકશે.’

‘ઓહ કમ ઓન પ્લીઝ...’ વિલીને સમજાતું ન હતું કે જેમ્સ નશાના ઘેનમાં કે ઊંઘમાં બોલી રહ્યો છે કે પછી ખરેખર કશુંક અર્થસભર કહી રહ્યો છે?

‘ઈટ્સ ટૂ લેઈટ...’ જેમ્સે એક જ ઘૂંટડે વધેલો અડધો ગ્લાસ ગળા નીચે ઉતારીને ગંદો ઓડકાર ખાધો અને વિલીની સામે જોઈને વાક્ય પૂરું કર્યું, ‘કાલે સવારે આપણે ફાધરને મળવા એન્સેસ્ટ્રી ચર્ચ જઈશું. યુ શૂડ ગો નાવ...’

‘અરે...’ વિલીના ચહેરા પર ઉશ્કેરાટ આવી ગયો, ‘હાઉ કેન આઈ ગો નાવ? ન તો મારો શૅઅર મળવા અંગે તમે કોઈ પ્રોમિસ કરો છો. ન તો એસ્ટેટમાંથી છૂટા થવા વિશે કોઈ રસ્તો સૂઝાડો છો, અને આટલું ઓછું હોય તેમ વાર્તાના નામે મને ડરાવો છો. હવે કોઈક ચર્ચ...’

‘ધેટ્સ ધ ઓન્લી સોલ્યુશન આઈ કેન સજેસ્ટ...’ વિલિયમ બહાર નીકળ્યો કે નહિ તેની ય પરવા કર્યા વગર બુઢ્ઢાએ અંદરના ઓરડા તરફ પગ ઉપાડતાં ઉમેર્યું, ‘સી યુ ટુમોરો... ગુડ નાઈટ બોય’

‘આપણી તમામ પેઢીઓની નોંધ ત્યાં રખાય છે. તારા જેવા બેપરવા મૅક્લિન્સ પણ હવે વધ્યા છે જેની મને બહુ શરમ છે...’

જેમ્સની બેપરવાઈથી વિલીનું મગજ ગુસ્સાથી ફાટફાટ થઈ રહ્યું હતું. ખભો ઝાલીને તેને ઝકઝોરી નાંખું, વૂલન કોટના કોલર મુશ્કેટાટ ખેંચીને તેને પૂછી લઉં કે બોલી નાંખ, શું કહેવા માંગે છે તું? મારો હિસ્સો આપવાને બદલે હવે કોઈક ભેદી વાર્તા, મારું ફેમિલી ટ્રી અને આ એન્સેસ્ટ્રી ચર્ચમાં જવાની વાત ક્યાં લાવ્યો?

પણ ઓરડા ભણી ધીમા કદમે જઈ રહેલા જેમ્સના પહોળા ખભા, સપાટ માંસલ પીઠ જોઈને એ ખચકાયો. ના, એ જ એકમાત્ર આશા હતો. તેને છંછેડીને અહીંથી ય જો ખાલી હાથે પાછા ફરવું પડે તો...

તેનાં આખા ય શરીરમાંથી લખલખું પ્રસરી ગયું. નાછૂટકે તેણે ઓવરકોટના બકલ ખેંચીને તંગ કર્યા અને છત્રી ઊઠાવી.

બહાર હાડ ધ્રૂજાવી દે એવો ઠાર હતો. ઓવરકોટ હેઠળ કાંપતાં શરીરને જરાક છટપટાવીને તેણે ઝડપભેર ડગલાં માંડવા માંડ્યા. જેમ્સની આ જૂનવાણી વિલાથી માંડ અડધો કિલોમીટર દૂર એસ્ટેટના મુખ્ય ઝાંપાથી ડાબી તરફ એનું બાપદાદાનું મકાન હતું. મકાન તો હવે તેને કેમ કહેવું? તેનો બાપ ડગ્લાસ પણ તેના જીવનના છેલ્લાં વીશ વર્ષ દરમિયાન આવવા પામ્યો ન હતો. સહિયારી મિલકત ડિસ્ટીલરીને લાંબી લીઝ પર અપાઈ ગયેલી હતી. તેનાં હિસ્સાનું ભાડું સીધું બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જતું. અહીં આવવાની કોઈ જરૂર રહી ન હતી. કહો કે, ભાડાની થોડી-ઘણી આવકને બાદ કરતાં અહીં આવવાનું કશું કારણ પણ ન હતું.

પણ હવે વિલીનો છૂટકો ન હતો. એકધારી બેકારી, બદહાલી, ઉધારીથી એ હવે તંગ આવી ગયો હતો. એસ્ટેટની પૈતૃક જાગીરમાંથી છૂટા થઈ શકાય એમ હોય અને બદલામાં એકસાથે કંઈક મોટી રકમ મળી શકતી હોય તો... પણ અહીં તો કંઈક નવી જ દિશાએ એ ધકેલાતો હતો.

હજુ સંધ્યાકાળ વીત્યો હતો પણ વાદળછાયા આકાશે અંધારાનો ઘટાટોપ સર્જી દીધો હતો. સ્ટ્રીટ લેમ્પના ઝાંખા અજવાળામાં રોવન, બ્રિચ, ઓક વૃક્ષોના ઓછાયા ડરામણી આકૃતિઓ રચતા હતા. બિલકુલ એવાં જ...

... સપનાંના વિચારમાત્રથી તેનાં શરીરમાંથી કંપારી વછૂટી ગઈ.

નો... નો વિલી.. તેણે મનોમન બોલવા માંડ્યું. ડરામણા કે નેગેટિવ વિચાર આવે ત્યારે સેલ્ફ ટોક કરીને પોઝિટિવ કે કશાક મનગમતાં વિચારો પર ચડી જવું એવી સાઈકિયાટ્રિસ્ટે આપેલી ટિપ્સ તેણે અજમાવવા માંડી. મકાન પર પહોંચીને સૌથી પહેલાં ફાયર પ્લેસ ચેતવવું પડશે. લાકડાં પલળી ગયાં ન હોય તો...

વરસાદ અને હિમ બેયનો માર વધ્યો હતો. રસ્તાના બંને તરફના કિનારે છૂટક છૂટક દેખાતા ઓળા જેવા જૂનવાણી મકાનોનાં છાપરાં પર કરાની તડાતડી અંધારાની સ્તબ્ધતાને વધુ ડરામણી બનાવતી હતી. જમણી તરફ ખાસ્સે દૂર ગ્રેમ્પિયનની પહાડી તરફ ઢાળ ઊતરતી એક ટેકરી પર આવેલી ડિસ્ટીલરીનાં વાહનો સિવાય સર્વત્ર નિર્જન સન્નાટો હતો. લંડનના ચોવીશે કલાક ધમધમતા માહોલમાં જીવવા ટેવાયેલા વિલીને આ સન્નાટો રૂંવેરૂંવે ભાલાની જેમ ભોંકાતો હતો.

મોં પર ફૂંકાતા વેગીલા પવન આડે છત્રી ધરીને તેણે સપાટાભેર કદમ ઉપાડ્યા અને મકાનમાં પ્રવેશી ચાર કળનું જૂનવાણી તાળું ખોલ્યું. તેના દાદા હેન્રી અને અગાઉની પાંચ પેઢી આ મકાનમાં રહી હતી. મૅક્લિન એસ્ટેટના આ વિશાળ પરિસરમાં તેનું મકાન મેલેટ ઓફ મૅક્લિન તરીકે ઓળખાતું. એટલાન્ટિકના કાંઠે આઠેક એકરમાં પથરાયેલી મૅક્લિન એસ્ટેટમાં છૂટાછવાયાં આવા ત્રીશેક મકાનો હતા. ધીમે ધીમે હવે અહીં વસવાટ ઘટી ગયો હતો. જેમ્સ જેવા કેટલાંક એકલવાયા વૃદ્ધો તો કેટલાંક જૈફ દંપતિઓ હજુ ય અહીં રહેતાં હતાં. એ સિવાયના મોટાભાગના મકાનો જર્જરિત હાલતમાં બંધ પડ્યાં હતાં, યા તો ડિસ્ટીલરીને ભાડે અપાઈ ગયાં હતાં.

તેણે મનોમન બોલવા માંડ્યું. ડરામણા કે નેગેટિવ વિચાર આવે ત્યારે સેલ્ફ ટોક કરીને પોઝિટિવ કે કશાક મનગમતાં વિચારો પર ચડી જવું એવી સાઈકિયાટ્રિસ્ટે આપેલી ટિપ્સ તેણે અજમાવવા માંડી.

હવે તો અહીં નિર્જન સન્નાટો કોરી ખાતો, પણ મૅક્લિન એસ્ટેટનો ય એક જમાનો હતો. રોયલ હાઈલેન્ડ રેજિમેન્ટના ઝનૂની લડાકુઓ આ પીળી, ચીકણી માટીમાં જૂતાં રગદોળીને ઘોડા પર સવાર થતા એ સાથે છેક આઈરિશ ચેનલ સુધી મૅક્લિન યોદ્ધાઓનો હાંકોટો ફરી વળતો.

સમગ્ર ખાનદાનમાં કેવા કેવા લડવૈયાઓ થઈ ગયા તેનો અહોભાવભર્યો ઇતિહાસ બુઢ્ઢા જેમ્સે તેને કહ્યો હતો, પણ સાલાને મારા વડદાદાથી આગળ કશી ખબર ન હતી અને તો ય ડંફાસ છૂટતી ન હતી.

જેમ્સના વિચારથી ફરી દાંત વચ્ચે કાંકરી ચવાઈ ગઈ હોય એવો ભાવ તેનાં મોં પર તરી આવ્યો.

કાળાડિબાંગ અંધારા વચ્ચે અજાણ્યા મકાનની દિવાલ ફંફોસીને તેણે લેમ્પ ચાલુ કર્યો અને બહારની ઠંડકના પ્રમાણમાં સહેજ હુંફાળા લાગતાં ઓરડામાં નજર ફેરવી.

બે-ત્રણ જગાએથી ચિરાયેલા લાલ લેધરનો એક બદહાલ સોફો, વિશાળ ડાઈનિંગ ટેબલની કુશન મઢેલી ખુરશીઓમાં ટળવળતી એકલતા, દૂર ખૂણામાં જડેલી મેલેટ્સ ઓફ મૅક્લિનની બહાદુરીની સાખ પૂરતી કટાયેલી તલવારોનો ઠરી ગયેલો ઉન્માદ, કાચના તૂટેલા શો-કેઈસમાં મઢાઈને સ્થિર થઈ ગયેલો ખાલીપો અને મિજાગરામાંથી લબડીને પવનના જોરમાં સતત ભડભડ કરતો વરંડાની બારીનો ઝુરાપો... જાણે વરસોથી કોઈકની રાહ જોઈને બેઠો હોય એવો તીવ્ર અવસાદ કમરામાં ઘૂમરાતો હતો.

સવારે એ અહીં આવ્યો અને ડિસ્ટીલરીની એડમિનિસ્ટ્રેશન ઓફિસમાંથી ઘરની ચાવી મેળવી ત્યારે જેમ્સને મળવાની ઉતાવળ હતી એટલે ઘરનું નિરીક્ષણ કરવાનો વખત ન હતો, પણ ત્યારે ય તેને બાપદાદાઓના આ ઘરમાં પગ મૂકવાનો કશોક અજાણ્યો રોમાંચ થયો હતો.

વરંડાની દિવાલ પાસે પડેલાં લાકડાં ઊઠાવીને તેણે ફાયરપ્લેસમાં ગોઠવ્યાં. થોડું કેરોસિન છાંટ્યું અને કાંડી ચાંપી એ સાથે ઓરડામાં અજવાળું વધ્યું. ઉતાવળા પગલે ઓવરકોટ ઉતારીને સોફા પર ફગાવ્યો. દિવસભરનો તણાવ, મોસમનો થાકોડો અને જેમ્સની એકધારી વાતોનો કંટાળો હવે તેની આંખોમાં ઘેરાઈ રહ્યો હતો.

બહાર કદાચ વરસાદ થંભ્યો હતો. સ્નોફોલનું જોર પણ ઘટ્યું હતું, પરંતુ બારીની બહાર જોવાની તેની હામ ન હતી. રક્સેકમાંથી તેણે જીમ બિમ વ્હિસ્કીની બોટલ કાઢી અને બે મોટા ઘૂંટ ગળા નીચે ઉતાર્યા. જેમ્સના આગ્રહથી

અધ્ધરજીવે તેણે ક્લાન મેક્ગ્રેગરના બે પેગ પીધા જ હતા, પણ આવા હવામાનમાં હજુ થોડું નીટ પીધા સિવાય છૂટકો ન હતો.

વ્હિસ્કીનો મોટો ઘૂંટ ગળા નીચે ઉતાર્યો એ સાથે જીભથી લઈને છેક જઠર સુધી ઉની લ્હાય પ્રસરી ગઈ અને આંખોમાં ગરમાવો ધસી આવ્યો. જૂતાં-મોજાં કાઢીને તેણે વૂલન સોક પગ પર ચઢાવ્યા. સોફા પર પડેલો બ્લેન્કેટ

ઓઢીને ટૂંટિયું વાળ્યું કે તરત તેની આંખો ઘેરાવા લાગી.

વરંડાના છાપરાં પર હજુ ય ઝાડના પાન પરથી વહેતાં ફોરાં ધીમી ગતિએ પણ એકધારી તડતડાટી બોલાવતા હતા. જાણે તેનાં સૂરમાં સાથ આપતી હોય તેમ મિજાગરામાંથી લબડી ગયેલી લાકડાની જૂનવાણી બારી તાલબદ્ધ ભડભડી રહી હતી.

અને એ બેયની સમાંતરે એટલાં જ વેગથી ફફડી રહ્યું હતું તેનું હૈયું.

ખબર નહિ, આ તેને કેવો અભિશાપ વળગ્યો હતો ! રાત પડે, આંખ ઘેરાય એ સાથે તેનાં મન પર અજીબ ઓથાર છવાઈ જતો. એ ગમે તેટલાં પ્રયત્નો કરે તો પણ, થાક કે નશાથી બોઝિલ બનેલી પાંપણોની ભીતર દૃશ્યોનું છળ અટકવાનું નામ લેતું નહિ.

તેણે ભારપૂર્વક પાંપણો બીડી દીધી. પડખું ફેરવી લીધું. હુંફાળા બ્લેન્કેટને પગ વડે ભીંસીને તકિયામાં મોં ખોસીને મનગમતાં વિચારો કરવા માંડ્યા. સપનાંની ભયાવહતાથી, રોજ રાત પડ્યે મનમાં વલોવાવા લાગતાં કશાંક અજાણ્યા ભયથી ભાગવા એ કાયમ દિલને સુકુન આપે એવા વિચારો કરતો. ક્યારેક છોડી ગયેલી ગર્લફ્રેન્ડ્સ... ક્યારેક ગમતી છોકરીઓ... આજે ફેન્ટસીમાં રાચવું છે કે જૂનાં સ્મરણમાં? કોઈ દિલકશ છોકરી કે પછી ગર્લફ્રેન્ડ? માર્થા ?? આહહહ... ગજબની માદક છોકરી. લિસ્સા, ભર્યાભર્યા સ્તનો વચ્ચે માથું ભીંસીને જે જંગાલિયતથી એ વાળ ખેંચતી....

અચાનક તેને હવામાં ફરફરતા લુખ્ખા, કોરા વાળનો અહેસાસ થવા લાગ્યો. બિહામણાં સપનાંને ટાળવા જતાં એ પ્રયત્નપૂર્વક મનગમતાં વિચારો કરતો હતો પણ...

તેણે તરફડાટભેર ફરી પડખું ફર્યું. મનને સંકોર્યું. માર્થા... યસ, એ રાત્રે વિન્ડઝીલના ધાબા પર ઓચિંતી એ ગરમાઈ ગઈ હતી અને તેને ફર્શ પર પટકીને ચડી બેઠી હતી. તેની ગરદન નીચે...

હવામાં ફરફરતા લુખ્ખા, કોરાં વાળના ફરફરાટ વચ્ચેથી હવે તેને ગરદન દેખાતી હતી. હજુ હમણાં સુધી ઠંડીથી થરથર ધ્રૂજતો એ હવે પરસેવે રેબઝેબ થવા લાગ્યો હતો. માર્થા... તેનું બેય કાંઠે છલોછલ વહેતું કામણ...

એણે મનને વાળવા તમામ પ્રયત્નો કરવા માંડ્યા પણ સપનું હવે કેડો છેડો એમ ન હતું. હવે એને બધું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું.

વાળનો ફરફરાટ, ઝાડના ઠુંઠાં જેવી સુકી ગરદન, નદીમાં ધસમસતા પાણીનો હિંગળોક રંગ, દૂર પહાડોના ઢોળાવ પરથી સડસડાટ ખીણ ભણી ઘૂમરાતી આખેટે ચડેલાં રાની પશુની હિંસક લાળી અને નદીના સિંદુરિયા પાણી પર ડગલાં માંડીને ચાલી જતી એ સ્ત્રી...

એ સ્ત્રીએ અચાનક ગરદન ઘૂમાવીને તેની તરફ જોયું...

(ક્રમશઃ)

dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP