Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

‘એ પણ એક દિવસ ઘોડારમાં જ મરેલી હાલતમાં મળી આવ્યો હતો’

  • પ્રકાશન તારીખ15 Jul 2018
  •  

પ્રકરણ-2

શરૂઆતમાં બુઢ્ઢાની વાતોએ તેને ભારે કંટાળો આપ્યો હતો, પણ સહિયારા પૈતૃક વારસાની એસ્ટેટમાંથી હિસ્સો લેવો જરૂરી હતો. જરૂરી નહીં, હવે તો અનિવાર્ય હતું. એ હિસ્સો મળે તો લંડનમાં ડોરમેટરીનું ભાડું ચૂકવાય તેમ હતું. નવી નોકરી ન મળે ત્યાં સુધી બે-ચાર મહિના ટૂંકા થાય તેમ હતું. એટલે ના છૂટકે પરાણે હસતું મોંઢું રાખીને તેણે જેમ્સને સાંભળ્યો હતો. તેની મુશ્કેલી જાણ્યા પછી ય જેમ્સ તો કશો ઉકેલ કાઢવાને બદલે વંશાવળી ખોલીને બેસી ગયો હતો.


‘ચિઅર્સ ટૂ નેક્સ્ટ જનરેશન ઓફ ધ ગ્રેટ મૅક્લિન્સ...’ જેમ્સે વ્હિસ્કીનો ગ્લાસ ઊઠાવીને જાડા, ખદ્દડ અવાજે અંજલિ આપી અને ગળા નીચે પહેલો ઘૂંટ ઉતારી ડોળા તગતગાવ્યા, ‘ડૂ યુ નો, આ માત્ર સ્કોચ વ્હિસ્કી નથી... ઈટ્સ ક્લાન મૅક્ગ્રેગર વ્હિસ્કી. તેના એક-એક બુંદમાં આપણા વડવાઓનો મિજાજ વહે છે.’ પછી આંખ મિચકારીને બીજો મોટો ઘૂંટ પીતાં ઉમેર્યું, ‘ક્યારેક અડધી બોટલ પૂરી કર્યા પછી મને તો ઘોડા તબડાવતા મૅક્લિન યોદ્ધાઓની બંદૂકોના ધડાકા ય સંભળાવા માંડે છે...’

‘ડૂ યુ નો, આ માત્ર સ્કોચ વ્હિસ્કી નથી... ઈટ્સ ક્લાન મૅક્ગ્રેગર વ્હિસ્કી. તેના એક-એક બુંદમાં આપણા વડવાઓનો મિજાજ વહે છે.’

જવાબમાં તે જરાક મરક્યો. આ બુઢ્ઢાની ઘડિયાળના કાંટા સાચે જ અઢારમી સદી પર ચોંટી ગયા હતા. દુનિયા ક્યાંય આગળ નીકળી ચૂકી હતી અને આ ઘરડો આદમી અહીં વિશાળ, આંતરિયાળ અને અવાવરુ એસ્ટેટની કોરી ખાતી એકલતા વચ્ચે જીવતો હતો.... બંધ મકાનના ફળિયા જેવો, સૂમસામ... સ્તબ્ધ... સ્થિર!


‘એક્ચ્યુઅલી ઈટ્સ માય રિક્વાયરમેન્ટ...’ સતત આડી વાતે ચડી જતાં જેમ્સને તેણે પરાણે મૂળ વાત તરફ તાણી લાવવો પડતો હતો, ‘આઈ નો, આ જાગીર સહિયારી છે, પણ એમાંથી જો મને મારો હિસ્સો મળી શકતો હોય તો...’ હિંમત એકઠી કરવા તેણે મોંઢું ભરાય એટલો ઘૂંટડો ભરીને એક જ ધક્કે ગળા નીચે ઉતારી દીધો. ગળાની બળતરા તેની આંખમાં વહી આવી.


માય ગોડ... શરાબ તો તેણે ય ઢિંચ્યો હતો. ગળા સુધી પીને લંડનની શેરીઓમાં અડબડિયા ખાધા હતા. ચિક્કાર અને બેફામ પાર્ટીઓ કરી હતી, પણ આટલો જલદ શરાબ... અને આ ખડ્ડુસ આદમી આખી બોટલ ઠપકારી જતો હતો! તેણે કંઈક તાજુબી, કંઈક આઘાતથી ક્લાન મૅક્ગ્રેગરની નકશીદાર બોટલ પર હાથ પસવારતા જેમ્સ સામે જોયું. એ જાણે એકલો જ મહેફિલ સજાવીને બેઠો હોય તેમ અન્યમનસ્કપણે વરંડાની બહાર હિલોળાતા વૃક્ષો તરફ તાકી રહ્યો હતો.


‘હેલ્લો સર, આઈ...’


‘મેં સાંભળ્યું...’ તેનું ધ્યાન અન્યત્ર હતું, પણ એ જરાય બેધ્યાન ન હતો, ‘તારે તારો હિસ્સો જોઈએ છે પણ તને ખબર છે આ સહિયારી જાગીરમાં સહિયારા કેટલા છે?’


‘યાહ...’


‘નોટ યાહ... એક્ઝેક્ટ ફિગર...’ આછા કંપન છતાં જેમ્સના અવાજમાં હથેળીના મૂળ વડે પીટાતાં બાંયાં તબલાં જેવો ઘેરો નાદ વર્તાતો હતો.


‘કદાચ 20... કે 25...’ વિલીએ અવઢવભેર જવાબ વાળ્યો.


‘વી આર સિક્સ્ટી સેવન મૅક્લિન્સ...’ એક-એક શબ્દ છૂટો પાડીને તેણે કહ્યું, ‘250 વર્ષ પહેલાં વિક્ટર મૅક્લિને આ એસ્ટેટ વસાવી હતી. તેનો હું સીધી લીટીનો વારસદાર. તું પણ ખરો. આપણા જેવા માત્ર સીધા વારસદારનું લિસ્ટ બનાવીએ તો પણ એ 67 થાય છે.’


એ તાજુબીથી સાંભળી રહ્યો હતો અને જેમ્સને ય વડવાઓની વાત કહેવામાં ચાનક ચડતી હતી જાણે...


‘વિક્ટર આપણો સૌનો વડદાદો, પણ એ પછી આપણા પૈતૃક ફાંટા નોંખા પડે છે. આપણે બંને 8 કે કદાચ 9 પેઢી જૂના પિતરાઈ થઈએ. એટલે સમજ કે, નવ પેઢી આ એસ્ટેટમાં ભાગીદાર છે.’


નાનકડા હિસ્સા માટે 8-9 પેઢી અને 250-300 વર્ષનો ઈતિહાસ ક્યાં આવ્યો? કે પછી દરેક વાતમાં પૂર્વજોને વચ્ચે લાવવાનો આ બુઢ્ઢાને કશોક રોગ છે? વિલિયમના ચહેરા પરનો અણગમો અછતો રહેતો ન હતો.


‘અરે, ભલેને આખું બ્રિટન હિસ્સો ધરાવતું હોય, પણ કોઈને એમાંથી છૂટા થવું હોય તો થઈ જ શકે ને?’


‘એવું મારી જાણમાં તો નથી..’ બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વેગીલા પવનમાં હિમના પોચાં ફોરાં છેક વરંડા સુધી ફેંકાતાં હતાં. જેમ્સે ઊભા થઈને પરસાળની જાળી બંધ કરી, ‘આજે રાતભર તોફાન શમે એવું લાગતું નથી...’ ખુરશી સહેજ અંદરની તરફ ખસેડતાં તેણે ઉમેર્યું, ‘તારે હવે તારા મકાને પહોંચી જવું જોઈએ..’


ઓહ કમ ઓન... એક તરફ એ પિતરાઈ હોવાનું વ્હાલ વરસાવતો હતો અને બીજી તરફ આવા હવામાનમાં રોકાઈ જવાનું કહેવાને બદલે પેલા ખખડધજ જૂનવાણી મકાન પર પરત જવાનું કહેતો હતો!


‘પણ મારે કેશની તીવ્ર જરૂર છે...’ વિલીએ પરાણે અવાજમાં સહેજ કડકાઈ ઉમેરી દીધી, ‘... અને મારી પૈતૃક જાગીરમાંથી જ મને હિસ્સો ન મળે એ વળી કેવું?’


‘નથી મળી શકે એમ...’ જેમ્સને જાણે બગડેલા હવામાનની કે વિલીના બગડેલા મિજાજની કશી તમા જ ન હોય એમ એ ખુરશીને અઢેલીને સ્વસ્થતાથી કહી રહ્યો હતો, ‘નંબર વન – આ જાગીરનું માલિકીખત બહુ કડાકૂટવાળું છે. નંબર ટૂ – આ જાગીરમાં ભાગીદારોની ભરમાર છે, જેમાંથી કંઈકનાં સરનામાં સુદ્ધાં પ્રાપ્ય નથી. તું જ કહે ને, તું કે તારો બાપ છેલ્લે ક્યારે અહીં આવ્યા હતા?’


જેમ્સનો સવાલ તો સાચો જ હતો. આ જાગીરમાં કશી ઉપજ ન હતી. મેનોરની ખાડી મારફત પછડાતાં એટલાન્ટિકે અહીં સુધી ખારોપાટ ઠાલવી દીધો હતો. દક્ષિણે થોડીક જમીન ડિસ્ટીલરીને લાંબી લિઝ પર અપાયેલી હતી, જેનું ભાડું સૌના હિસ્સે વહેંચાઈને વિલીના હાથમાં આવતું ત્યારે ચણા-મમરા જેટલું થઈ જતું હતું.

‘મારે કેશની તીવ્ર જરૂર છે...’ વિલીએ પરાણે અવાજમાં સહેજ કડકાઈ ઉમેરી દીધી, ‘... અને મારી પૈતૃક જાગીરમાંથી જ મને હિસ્સો ન મળે એ વળી કેવું?’

અહીં ન આવી શકવા માટે બાપ ડગ્લાસ મૅક્લિનની પોતાની મજબૂરી હતી, પણ વિલી પાસે તો આ નક્કર કારણ હતું. ન વેચી શકાય, ન ભાડે આપી શકાય, ન રહી શકાય... તો એવી પ્રોપર્ટીમાં શું જખ મારવા આવવાનું?


‘નંબર થ્રી – તને તારો હિસ્સો આપે તો પણ કોણ આપે? આ મિલકત ન તો વેચી શકાય તેમ છે કે ન તો મૅક્લિન પરિવારનું કોઈ તેને સુવાંગ રાખવા તૈયાર છે...’


‘પણ અત્યાર સુધીમાં કોઈને છૂટા થવાની જરૂર જ ન પડી હોય એ મને ગળે નથી ઊતરતું’


‘ચાળીશ વરસથી તો એવી જરૂર કોઈને નથી પડી એવું હું ખાતરીપૂર્વક કહી શકું, પણ...’ જેમ્સે ખુરશી જરાક નજીક ખસેડી, ‘આટલી મામૂલી રકમ માટે તને એવી જરૂર કેમ પડી એ મને નથી સમજાતું...’


‘જરૂર કેમ પડી એટલે? આઈ નીડ ઈટ... આઈ બેડલી નીડ ઈટ...’ વિલીના અવાજમાં ઉશ્કેરાટ અછતો રહેતો ન હતો, ‘મારે 6-12 મહિના ટકવું છે અને એ માટે મારી પાસે હવે આ એક જ આશા બચી છે...’


‘મને સમજાતું નથી...’ બુઢ્ઢાએ ડોકું ધૂણાવ્યું અને પછી તેની આંખોમાં ધારદાર નજરે તાકીને પૂછી લીધું, ‘તારો બાપ ડગ્લાસ કેટલાં વરસ પહેલાં મરી ગયો?’


‘25 વરસ થયા, હું ત્યારે 8 વરસનો હતો...’


‘કેવી રીતે? આઈ મિન, કંઈ બિમાર હતો?’


‘એ મારા કરતાં ય હટ્ટાકટ્ટા હતા...’ ક્લાન મેક્ગ્રેગરની બોટલ સામે આંગળી ચિંધીને તિરસ્કારપૂર્વક તેણે ઉમેર્યું, ‘રોજ તમારી જેમ શરાબની આખી બોટલ ગટગટાવી જતાં અને એમને કંઈ અસર થતી નહિ. હી વોઝ અ માચો ઈન્ડિડ...’


‘તો એનું ડેથ કઈ રીતે થયું?’ જેમ્સ અદ્દલ સ્કોટલેન્ડ યાર્ડની સ્ટાઈલમાં આવી ગયો હતો.


‘થેમ્સ નદીમાં એમની બોટ ઊંધી પડી ગઈ. માંડ દોઢ માથોડાં ઊંડું પાણી હશે, તો ય તરીને કાંઠે ન પહોંચી શક્યા. અધરવાઈઝ હી વોઝ નોન એઝ સ્વિમર... પણ, ખબર નહિ એ દિવસે વહેલી સવારે ય એમણે ગળા સુધી શરાબ ઢિંચ્યો હોય... હું બહુ નાનો હતો, એટલે વિગતોમાં ખાસ પડ્યો નથી.’


‘અને તારી મા?’


‘એ તો હું ત્રણ જ વર્ષનો હતો ત્યારે જ ડૅડને છોડીને જતી રહી હતી...’


‘કેમ?’


‘એ મને ખબર નથી...’ વિલીના અવાજમાં સહેજ સંકોચ હતો, ‘કદાચ ડૅડના બોસ સાથે તેને અફૅયર હતું અને એ તેને પરણવા માંગતી હોય... આઈ રિઅલી ડોન્ટ નો એક્ઝેક્ટલી વોટ હેપન્ડ એન્ડ આઈ નેવર આસ્ક્ડ. શરૂઆતમાં મોમ મને મળવા આવતી, પણ મને તેની સાથે ગમતું નહિ. પછી તો એ પણ ધીમે ધીમે બંધ થઈ ગયું અને મને તેની પરવા ય ન હતી.’


‘તારા બાપને? એને તો પરવા હશે ને?’ જેમ્સ વળી આડા પાટે ચડી ગયો હતો અને શી વાતે ય છાલ છોડતો ન હતો.


‘માય ડૅડ વોઝ સેક્સ એડિક્ટ... કંઈક છોકરીઓને તે ઘરમાં લાવીને રાખતા. એમાં જ એ બરબાદ થઈ ગયા. એમાં જ આજે મારી આ હાલત છે. આજે જ નહિ, સમજણો થયો ત્યારથી આ હાલત છે... વોટ એલ્સ યુ વાન્ના નો? હજુ વિગતે કહું, છોકરીઓના નામ અને વાઈટલ સ્ટેટ્સ સાથે? જો તમે મને મારો શૅઅર આપવાના હોવ તો બધું જ કહું...’


સહેજ ઉગ્રતાથી બોલી ગયેલાં વિલીના અવાજમાં આક્રોશ હતો, વિવશતા હતી કે કરગરાટ હતો... એકધારી નજરે તેને તાકી રહેલો જેમ્સ કળી શકતો ન હતો.


‘તારો બાપ જવાન વયથી જ ખુવાર થવા લાગ્યો અને એવી જ બદહાલીમાં મર્યો...’ તીરછી ગરદને હવામાં તાકી રહેલા જેમ્સના ચહેરા પર અવઢવ હતી, ‘તારા વિશે, તારા બાપ વિશે તો મેં આજે જ જાણ્યું, પણ તારા દાદા હેન્રીને તો હું ઓળખું જ છું. એની ય વાત આવી જ હતી. ગ્લાસગોમાં તેણે એક શૂટિંગ ક્લબ ખોલી હતી. ચિક્કાર આવક હતી અને એટલી જ ચિક્કાર આદતો પણ... એ ય ખુવાર થયો અને ઘરના દાદર પરથી પડીને મર્યો. મેં એ ઈન્વેસ્ટિગેશનનો રિપોર્ટ જોયો હતો. કોઈ માનવા તૈયાર ન હતું કે બાર-પંદર પગથિયાના દાદરમાં એ મર્યો કઈ રીતે? બટ ઈટ વોઝ ફેક્ટ...’


‘યાહ...’ વિલીએ હકારમાં ડોકું ધૂણાવ્યું, ‘બહુ વિગતે તો નહિ, પણ આ બધી થોડીઘણી મને ખબર છે...’

‘તારા વિશે, તારા બાપ વિશે તો મેં આજે જ જાણ્યું, પણ તારા દાદા હેન્રીને તો હું ઓળખું જ છું. એની ય વાત આવી જ હતી.’

‘હવે તને ન ખબર હોય એવી એક વાત કહું...’ અવાજની ઉત્તેજના જેમ્સના ચહેરા પર લાલી બનીને ઊભરી આવતી હતી, ‘હેન્રીનો બાપ ફ્રેડરિક સ્કોટલેન્ડ યાર્ડમાં કેળવાયેલો ઘોડેસવાર હતો અને લંડનના સોલ્ટ ટાવરની શાહી ઘોડારમાં તેની ડ્યુટી હતી. પ્રિન્સ એડવર્ડને ઘોડેસવારી શીખવતો. ગજબનો તેજમિજાજી ગણાતો. અ રિઅલ સ્કોટિશ બ્લડ. પણ એ ય ચરસનો હરેડ બંધાણી. તેની પત્ની ય છોડીને જતી રહી. એ પણ એક દિવસ ઘોડારમાં જ મરેલી હાલતમાં મળી આવ્યો હતો. છાતી પર, ચહેરા પર જાણે ઘોડાએ હમચી લીધી હોય એવા નિશાન હતા, પણ તેમ છતાં એ છાપ ઘોડાના ડાબલાં જેવી તો લાગતી ન હતી. શી ખબર...’


વિલીના ચહેરા પર કેવી પ્રતિક્રિયા છે એની પરવા કર્યા વગર જેમ્સ હવે જાણે સ્વગત જ બોલી રહ્યો હોય તેમ હવામાં તાકીને બબડતો હતો, ‘ફ્રેડરિકનો બાપ... કદાચ હેરલ્ડ, ના... ફિલિપ કદાચ... તું...’ સહસા જ તે ખુરશીમાં અધૂકડો થઈ ગયો. તેની આંખોમાં અજીબ વિસ્ફાર તરી આવ્યો, ‘તારું ફેમિલી ટ્રી તને ખબર છે?’


‘ઓહ કમ ઓન...’ વિલી હવે રીતસર તાડુકીને ઊભો થઈ ગયો, ‘મારી મુશ્કેલીનો કંઈક રસ્તો હોય તો કહો. એને બદલે આ ફેમિલી ટ્રી અને વંશાવળી અને બાપદાદાની વાર્તા ક્યાં માંડો છો?’


‘કારણ કે હું ય એ વાર્તા બચપણથી સાંભળતો આવ્યો છું, અને મેં સાંભળેલી વાર્તા જો સાચી હોય તો...’ જેમ્સની આંખોમાં, ચહેરા પર અને અવાજમાં જાણે કશુંક ચળીતર જોઈ લીધું હોય એવો અજાયબ ભાવ હતો. તેણે વિલીની આંખોમાં રીતસર ત્રાટક કરીને જોયું, ‘તું એ વાર્તાના બહુ ખતરનાક વળાંક પર ઊભો છે...!!’


(ક્રમશઃ)

dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP