Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

ઈરમાએ એક જ વરસમાં આર્થરને તમામ ઐયાશી ભૂલવાડી દીધી હતી

  • પ્રકાશન તારીખ28 Jul 2018
  •  

પ્રકરણ – 15
મોડી સાંજથી જ હંમેશ મુજબ વિલીના પેટમાં ભયના ગૂંચળાં વળવા લાગ્યાં હતાં, પણ આજે જેમ્સ સાથે હતો એટલે તેને થોડીક રાહત લાગતી હતી. એમાં વળી, બાપ ડગ્લાસના પટારામાંથી આર્થર મૅક્લિનની મહાગાથા નીકળી. એ વાંચવામાં જ વિલી એટલો તલ્લીન થઈ ગયો હતો કે રોજ રાત પડ્યે મનમાં ઘેરાતા સપનાના, અજાણ્યા ભયના ઓથારને વિસારે પાડી શક્યો હતો.

પણ મળસ્કે થાકીને જેમ્સ ઊંઘી ગયો એ સાથે વિલીનું હૈયું રાબેતા મુજબ ફફડવા માંડ્યું. તેના પેટમાં ફાળ પડવા માંડી હતી. કપાળ અને નાક પર પસીનો, છાતી પર ગરમાવો, મોં-માથે ઓઢ્યા પછી પણ રજાઈની અંદર ચકળવકળ થતા ડોળા અને શરીરમાં હળવી ધ્રૂજારી... ફફડાટનું તેનું આ કાયમી લક્ષણ હતું.

જેમ્સ ઊંઘી ગયો એ સાથે વિલીનું હૈયું રાબેતા મુજબ ફફડવા માંડ્યું. તેના પેટમાં ફાળ પડવા માંડી હતી. કપાળ અને નાક પર પસીનો, છાતી પર ગરમાવો, મોં-માથે ઓઢ્યા પછી પણ રજાઈની અંદર ચકળવકળ થતા ડોળા અને શરીરમાં હળવી ધ્રૂજારી... ફફડાટનું તેનું આ કાયમી લક્ષણ હતું.

આજે ભડભાંખળું થવા આવ્યું ત્યારે ય એ આવી જ હાલતમાં ફફડતો સોફામાં ઢબુરાઈ રહ્યો હતો. દિવસભરના શ્રમ અને તીવ્ર વિચારોથી થાકેલા શરીર અને મનને ઊંઘની જરૂર હતી, પણ આંખ મિંચવાની તેની હિંમત ચાલતી ન હતી. હમણાં સવાર પડશે અને ભયની તીવ્રતા ઘટશે એવી આશાએ સોફા પર એ તરફડી રહ્યો હતો.

અચાનક પ્રગાઢ શાંતિને ધણધણાવતો કશોક અવાજ આવ્યો. અર્ધજાગૃત અવસ્થામાં ફફડી રહેલો વિલી વધુ ધ્રૂજ્યો. શેનો અવાજ હોઈ શકે? કોઈએ બારણું ભભડાવ્યું કે શું? પણ અહીં તો કોણ આવે, અને એ ય આવા વખતે?

એ જ વખતે ફરીથી અવાજ આવ્યો. ચોક્કસ કોઈક દરવાજા પર જ ધબ્બા મારી રહ્યું હતું. તેણે ધીમેથી રજાઈ હેઠળથી માથું સહેજ ઊંચક્યું. એ જ સમયે જેમ્સ પણ અવાજથી ચોંકીને ઊંઘરેટી આંખે અધબેઠો થઈ ગયો હતો. તેને જાગેલો જોઈને વિલીને હિંમત થઈ.

'પરહેપ્સ સમવન ઈઝ નોકિંગ...' તેણે રજાઈ હટાવતાં કહ્યું અને દરવાજા તરફ આગળ વધ્યો.

તેણે દરવાજો ખોલ્યો એ સાથે પહેલાં તો બહારનો આકરો ઠાર અંદર ઓરડામાં ધસી આવ્યો, અને એ પછી અંદર ધસી આવ્યો એક માણસ...

માથા પર હૂડી, ઢીંચણ સુધી લંબાતો ઓવરકોટ, પગમાં ગમશૂઝ.

એ ઈયાન સ્ટુઅર્ટ હતો.

*** *** ***

વિલીનો ફોન કટ થયો એ સાથે જ ઈયાનનું મગજ ચગડોળે ચડી ગયું હતું.

ફોસ્ટર હોમમાં વિલીનો સત્તાવાર વાલી એ જ હતો, એમ છતાં વિલી ત્યારે પણ ભાગ્યે જ ઈયાનને ફોન કરતો. ખાસ પ્રસંગોએ કે અમસ્તો ઈયાન મળવા જાય ત્યારે પણ વિલી તેની સાથે ખપ પૂરતી જ વાત કરતો. શરૂઆતમાં તેને વિલીનું વર્તન અજૂગતું લાગતું. પરંતુ મોટા થયા પછી પણ વિલીનું અતડાપણું એવું જ રહ્યું હતું. ડગ્લાસને મળેલા વળતરનું તેણે વ્યવસ્થિત રોકાણ કરી આપ્યું હતું, એટલે તેમાંથી વિલીનું ગાડું ભણી લે ત્યાં સુધી તો ગબડી શકે તેમ હતું. તેને નોકરી મળી ત્યાં સુધી ઈયાન પોતાની રીતે સંપર્ક રાખ્યા કરતો. એ પછી વિલીએ તો કદી સામેથી સંપર્ક કર્યો ન હતો અને ઈયાને પણ પોતાની જવાબદારી પૂરી થઈ ગયેલી માની લીધી હતી.

હવે એ જ વિલી ઓચિંતો ફોન કરે અને ઉટપટાંગ સવાલો કરે. ડગ્લાસના મોત વિશે આટલી ઝીણી ખણખોદ કરે... ઈયાનને ભારે અચંબો થયો હતો.

તો શું વિલી પોતે કંઈ મુશ્કેલીમાં હશે? મૅક્લિન એસ્ટેટના ચર્ચની મુલાકાત દરમિયાન તેણે એન્સેસ્ટ્રી રજીસ્ટર જોયું અને તેમાં ડગ્લાસના મોતની નોંધ પોતે કરાવી હોવાનું જાણ્યું પછી તેણે ઈયાનને ફોન કર્યો હતો. હવે આટલાં વરસે તેને ડગ્લાસની એન્ટ્રી જોવા જવાની કેમ જરૂર પડી?

ડગ્લાસના મોત વખતે થયેલો વસવસો તેને તાજો થઈ આવ્યો. બ્લેઝર ઉતારીને તે ત્યાં જ સોફા ચેર પર બેસી પડ્યો.

મૃત્યુના થોડાક દિવસો અગાઉ ડગ્લાસ મળવા આવ્યો ત્યારે તેણે તેને ગંભીરતાથી લીધો ન હતો. બેશક, તેને એ ભારે હાલાકીમાં હોવાનું લાગ્યું હતું. સપનાની વાત કહેતી વખતે તેનો ચહેરા પરનો ખૌફ ઈયાને પારખ્યો હતો, પણ તેને એ તીવ્ર ડિપ્રેશનની નિશાની લાગી હતી. પોતાને ડરામણું સપનું આવે છે અને તેને લીધે પોતાનું મોત નજીક છે એવું કોઈ કહે તો એમ દેખીતા કારણ વગર તો કોણ માની શકે? ઈયાને પણ માન્યું ન હતું.

પરંતુ સાચે જ એક અઠવાડિયામાં ડગ્લાસ જેવો કુશળ તરવૈયો નદીમાં ડૂબી મર્યો ત્યારે ઈયાનને ભારોભાર અપરાધભાવ થયો હતો. આ કોઈ યોગાનુયોગ તો ન જ હોઈ શકે એવું ત્યારે પણ તેને અનુભવાયું હતું અને હવે વિલીના સવાલોથી ફરીથી એ અપરાધભાવ જાગ્યો હતો.

તેણે માથું ઝકઝોરીને ફરીથી વિચારવા માંડ્યું.

ડગ્લાસને સપનું આવતું હતું. ડગ્લાસ કહેતો હતો કે તેનાં બાપને ય મૃત્યુ પહેલાં આવાં જ સપનાંઓ પજવતાં હતાં. હવે વિલી ય સપના વિશે પૂછી રહ્યો છે. તો શું વિલીને પણ...
એ સડાક કરતો ઊભો થઈ ગયો. તેના ચહેરા પર તંગદીલી તરી આવી.

નો... નો... નોટ અગેઈન... હવે જે કંઈ હોય એ, આ વખતે કોઈપણ ભોગે એ ઈન્વોલ્વ થશે જ. ડગ્લાસ વખતે થયેલી ચૂક હવે ન જ થવી જોઈએ.

સાંજના સાડા છ થયા હતા. તેણે મોબાઈલમાં વેધર રિપોર્ટ ચેક કર્યો. પોતાના કામ સંબંધિત વ્યવસ્થા ગોઠવવા કેટલાંક ફોન કર્યા. પોતાની વાઈફને ફોન કરીને કામસર એડિનબર્ગ જવું પડશે એમ કહી દીધું અને બેડરૂમમાં જઈને બેગ પેક કરવા માંડી.

બરાબર એક કલાક પછી સાઉથ-વેસ્ટ લંડનના વેસ્ટ બ્રોમ્પ્ટન વિસ્તારમાંથી નીકળેલી બ્રાઉન કલરની જગુઆર એફ-સ્પેસ પૂરપાટ વેગે આઉટર રોડ પરથી લિસેસ્ટર, નોટિંગહામ હાઈ-વે તરફ દોડી રહી હતી.

*** *** ***

મહિનાઓ લાંબી મેરેજ લિવ પરથી ભારત આવીને આર્થરે ઈરમાને કલકત્તા મોકલી દીધી હતી. મુંબઈના અત્યંત રોગિષ્ઠ હવામાનમાં ઈરમા રહે એ ઇચ્છનીય ન હતું. આમ પણ, અહીં શરૂઆતમાં તેણે સખત મહેનત કરવાની હતી. દુર્ગમ વિસ્તારોમાં સતત પ્રવાસો પણ કરવા પડે તેમ હતા. ઈરમાની ગેરહાજરી, નવી અને વધુ મોટી જવાબદારીનો તોર અને ખાસ તો કોઈ ઉપરી નહિ અને પોતે જ સર્વેસર્વા... એમાં આર્થર પૂરેપૂરો નિરંકુશ બન્યો.

સહ્યાદ્રીની રમ્ય ઘાટીઓ વચ્ચે વતનની યાદમાં તેણે વસાવેલી મૅક્લિન એસ્ટેટ હવે તેનું રજવાડું જ હતું. એ વિસ્તાર પેશ્વાનો હતો, પણ ત્યાં ન તો કોઈ ખાસ ઉપજ હતી કે ન તો એવી ગીચ વસ્તી હતી. અડાબીડ જંગલો, કાળના ખપ્પરની જેમ ડાચું ફાડીને ઊભેલા પહાડો અને ઊંડી ખીણમાં વહેતી તોફાની નદીઓ... આવા વિસ્તારની મહેસુલ ઉઘરાવ્યા વગર જ કોઈ આપી દેતું હોય તો પેશ્વાને તો અહીં ફરકવાનો સમય જ ન હતો. એટલે આર્થરને બરાબર માફક આવી ગયું હતું.

પણ અતિની ગતિ ક્યાંક તો અટકે જ એ ન્યાયે એક એવી ઘટના બની ગઈ કે આર્થરની લીલાનો રેલો છેક કલકત્તા બેઠેલા કંપની સરકારના ગવર્નર જનરલ સુધી પહોંચ્યો. કુમળી વયની એક છોકરી સાથે જબરજસ્તી કરવા જતાં આદિવાસીઓનો એક મોટો સમૂહ ભયંકર ઉશ્કેરાયો અને તેમણે આર્થરના સૈનિકોની હત્યા કરી નાંખી. આટલેથી બોધપાઠ લઈ અટકી જવાને બદલે આર્થર વધુ ગિન્નાયો અને તેણે આખા કસબા પર હુમલો કરી દીધો.

આ ઘટનાના પડઘા ઊંચે સુધી પહોંચ્યા અને કલકત્તા બોલાવીને તેને આકરો ઠપકો આપવામાં આવ્યો. ઈસ્ટ ઈન્ડિયા કંપની માંહ્યલા આર્થરના હરીફોએ પણ તેની બદનામી કરવામાં કોઈ કસર છોડી નહિ. અહીં સુધી આર્થરને ખાસ ફિકર ન હતી. એ દરેકને ભરી પીવે એટલો માથાભારે હતો જ, પણ ઈરમાથી એ ડરતો હતો.

ભારત પર રાજ કરવાનો ઈરાદો સ્પષ્ટ નહોતો થયો ત્યાં સુધી વેપારનો જ મુખ્ય હેતુ હતો. ત્યાં સુધી અંગ્રેજો ભારતમાં ખાસ્સા સંયમિત અને શિસ્તબદ્ધ રહ્યા હતા. પરંતુ ગવર્નર જનરલ તરીકે રોબર્ટ ક્લાઈવે પોતે જ નવાબી ઠાઠમાઠથી ઐયાશી અને લંપટલીલા આદરી એ પછી શિસ્તનું પ્રમાણ ઢીલું પડવા લાગ્યું હતું.

આર્થર જેવા અનેક અધિકારીઓ રાજ કરવું હોય તો ધાક બેસાડવી જરૂરી છે એવી ક્લાઈવની ફિલસૂફી હેઠળ પલોટાયા હતા. મોટાભાગના અધિકારીઓ પરિવારને કેન્ટોન્મેન્ટની સુરક્ષિત કિલ્લેબંધીમાં જ રાખતા અને પોતે કામ મુજબ દડમજલ કરતા રહે. એટલે ઐયાશી માટે પૂરતી મોકળાશ પણ મળી રહેતી. ઘણાખરા અધિકારીઓની પત્નીઓ પણ ફરજ પર ગયેલા પતિની 'આફ્ટર અવર્સ'થી માહિતગાર હોવા છતાં આંખ આડા કાન કરી લેતી.

પરંતુ ઈરમા નોખી માટીની હતી. કલકત્તાથી મુંબઈ પરત જવા આર્થર તૈયાર થયો ત્યારે તેણે પણ પોતાનો સામાન જોડે મુકાવી દીધો અને રોષભરી આંખે આર્થરની સામે જોઈ રહી. એક અક્ષર પણ તેણે આર્થરને કહ્યો ન હતો. એકેય સવાલ તેણે આર્થરને પૂછ્યો ન હતો. તેમ છતાં આંખોમાં, ચહેરા પર વ્યક્ત થતી નારાજગીનો તાપ જ એટલો તીવ્ર હતો કે આર્થરે કશી જ દલીલ કર્યા વગર તેનો સામાન પણ મુકાવી દીધો.


મુંબઈ આવ્યા પછી ઈરમા રોજ સાંજે આર્થરની ઓફિસે પહોંચી જતી. એ કામમાં હોય તો તેનું ટેબલ વ્યવસ્થિત કરી આપે. આર્થરને બહુ ગમતાં પોયણીના ફૂલ ટેબલ પર પાથરે, એ અગત્યની મીટિંગમાં વ્યસ્ત હોય તો કોફીના મગની સાથે કવિ એડમન્ડ સ્પેન્સરની કવિતાની પંક્તિ ચબરખી પર લખી મોકલે... And all for love, and nothing for reward...

- અને કામના તણાવ વચ્ચે ય આર્થરના ચહેરા પર સ્મિત તરી આવે.

ઢળતી સાંજે આર્થર આરામ ખુરશીમાં લંબાવીને શરાબ પીતો હોય અને ઈરમા શેક્સપિયરનાં નાટકો પૈકી કોઈ એક દૃશ્યનું પઠન કરતી હોય. એમાં વળી ક્યારેક બેય વચ્ચે ચર્ચા ય જામે.

'મને આ ઓથેલો ય તારા જેવો જ લાગે છે...' ઈરમા મોઢું ચડાવવાનો ડોળ કરીને કહી દે.

'કેમ, હું શંકાશીલ છું?'

'ના બિલકુલ નહિ, પણ એ ય તારા જેવો લાગણીશૂન્ય જ છે...'

'એ ય ફૌજી જ હતો ને... ફૌજમાં કામ કરવાથી ભાવશૂન્યતા આપોઆપ આવે. દયા, કરુણા, મૂલ્યો, સમાનતા જેવી વાતો કવિતામાં શોભે. ફ્રન્ટ ઉપર જ્યારે તમારી સામે તલવાર ખણખણતી હોય અને તમારી છાતીનું નિશાન લઈને બંદૂકમાંથી ગોળીઓ છૂટતી હોય ત્યારે જે ભાવ જન્મે એ માણસની નૈસર્ગિક અને સહજ પ્રતિક્રિયા હોય. એ સિવાયનો દરેક ભાવ કૃત્રિમ છે, તમે તમારી જાત પર, તમારા સ્વભાવ પર ઠોકી બેસાડેલો છે.'

આર્થર પણ દલીલબાજીમાં ગાંજ્યો જાય એવો ન હતો.

'નોટ એગ્રી માય ડિઅર ગવર્નર સર...' ઈરમા પણ એમ આસાનીથી નમતું ન મૂકે, 'તમે એવી વૃત્તિઓને ઉત્તેજન આપો છો, અમર્યાદ મહત્વાકાંક્ષાઓને પોષો છો માટે તમારે યુદ્ધની જરૂરિયાત પડે છે.'

'આજે આખું બ્રિટન ઈન્ડિયા જેવી આ કોલોનીઓથી નભે છે એ તું જાણે છે? શેક્સપિયરનાં નાટકો કે મિલ્ટન, સ્પેન્સર અને માર્લોની કવિતા જ પઢ્યા કરીએ તો પાયમાલ થઈ જઈએ. તું જેને સાહિત્ય કહે છે, કળા કે સંસ્કાર કહે છે એ ખરેખર તો તરક્કીનો ઓડકાર છે. સંપન્ન થયા પછીનો દેખાડો છે. પરંતુ તરક્કી કરવા માટે તો માથા જ પટકવા પડે. આઈધર યુ ઓર મી. પુરુષાર્થ વગર તરક્કી નથી અને પુરુષાર્થ માટે ભાવશૂન્ય થવું જરૂરી છે...' પછી ઉશ્કેરાયેલી ઈરમાના રતૂમડા ગાલ પર આંગળી ફેરવીને બિલકુલ તેની સ્ટાઈલમાં ઉમેરે, 'તું મને કાયમ કહે છે એમ... રફ-ટફ એન્ડ રૂથલેસ...'

'તો તે દિવસે કેમ કવિતાઓની બૌછાર કરતો હતો?'

'તને ઈમ્પ્રેસ કરવા...'

'તો જા હવે હું તારાથી ઈમ્પ્રેસ નથી'

ઈરમા છંછેડાઈને દૂર હટી જાય અને પછી આર્થર બુક હાથમાં લઈને ઓથેલો વાંચવાનું શરૂ કરે. એમ જ રાત ઘેરાય અને બંને વચ્ચે અનંગરાગ છેડાતો જાય.


ઈરમા રોજ સાંજે આર્થરની ઓફિસે પહોંચી જતી. એ કામમાં હોય તો તેનું ટેબલ વ્યવસ્થિત કરી આપે. આર્થરને બહુ ગમતાં પોયણીના ફૂલ ટેબલ પર પાથરે, એ અગત્યની મીટિંગમાં વ્યસ્ત હોય તો કોફીના મગની સાથે કવિ એડમન્ડ સ્પેન્સરની કવિતાની પંક્તિ ચબરખી પર લખી મોકલે...

અનુચરોએ ઢળતી સાંજથી લીમડાની ધુમાડી દીધેલો વિશાળ ઓરડો, ઊંચી છત સાથે બાંધેલો વીંઝણો, મચ્છરદાની બાંધેલા આલિશાન પલંગનું શુભ્રધવલ ગાદલું, બારીની બહાર પછડાટ મારતા સમુદ્રના ઘૂઘવાટા, સમુદ્રની છાતી માથે પથરાઈને બારી વાટે ઓરડા સુધી ધસી આવતી ચાંદની અને અહીં નિરાવૃત્ત ઈરમાના વળાંકો પર બેબાક તલ્લીનતાથી ઘૂમી રહેલા આર્થરના ફફડતા હોઠ...
ઠપકાનો એક પણ અક્ષર કહ્યા વગર ઈરમાએ એક જ વરસમાં આર્થરને તમામ ઐયાશી ભુલવાડી દીધી હતી. દીકરાના જન્મ પછી તો આર્થર વધુને વધુ ઈરમામય થતો ગયો હતો.

*** *** ***

દિવસભર ચાલેલી મંત્રણાઓ પછી આખરે ઈયાન સ્ટુઅર્ટ બહાર આવ્યો હતો. ખાસ્સી દૂર પાર્ક કરેલી જગુઆરને છેક ઝાંપા સુધી લઈ આવ્યો. એટલે વિલીએ તેમાં ડગ્લાસના પટારા સહિત બધો સામાન ગોઠવવા માંડ્યો. ઘરે ગયેલો જેમ્સ પણ બે મોટા થેલા લઈને આવી રહ્યો હતો. ઓલિવ ગ્રીન રંગની બ્રિચિસ, માથા પર હેટ, ગળા ફરતું ટાર્ટન, હાથમાં ઓવરકોટ, ફરના જાડા શૂઝ, કમરપટ્ટા પર અને છાતી પર એમ બે ગન અને મોંમાં પાઈપ... ઈયાન તેને હેરતથી જોઈ રહ્યો હતો. આ માણસ લંડન જતો હતો કે શેક્સપિયરના જમાનાનું કોઈ નાટક ભજવવા રંગમંચ પર જતો હતો?

બંને ગાડીમાં ગોઠવાયા એટલે સ્ટુઅર્ટે જગુઆરનું એન્જિન સ્ટાર્ટ કર્યું. તરત જ રેવાલ ચાલે પોચા હિમના થર પર ટાયરના લિસોટા પાડતી જગુઆર સડકના વળાંક પર પહોંચી ગઈ.

એ વખતે રોવનની ઊંચી ડાળીએ ટિંગાઈને તેમને જતાં જોઈ રહી હતી મૅક્લિન એસ્ટેટ.

(ક્રમશઃ)
dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP