સાયબર સફર / લિંકની ‘ક્લિકયોગ્યતા’

article by himanshu kiiani

હિમાંશુ કીકાણી

Feb 20, 2019, 01:02 PM IST

ચૂંટણી માથે છે એટલે સોશિયલ મીડિયામાં ફેક મેસેજીસની ધમાધમ ચાલવાની છે એ નક્કી છે. ભારત સરકારના દબાણ પછી વોટ્સએપ પર બનાવટી મેસેજીસના પ્રસાર પર અંકુશ મૂકવાના પ્રયાસો થયા છે. વોટ્સએપે અખબારો અને ટીવીમાં જાહેરાતો આપીને લોકોને ‘ફેક ન્યૂઝ નહીં, ખુશિયાં બાંટો’ જેવી સૂફિયાણી સલાહ પણ આપી છે, પણ ચૂંટણીના માહોલમાં આવી તો કંઈક સલાહોને ઘોળીને પી જનારા લોકો આપણે ત્યાં પડ્યા છે. આપણા કામનો મુદ્દો એ છે કે આવા સમયે ફેસબુક, વોટ્સએપ વગેરેમાં આપણને આખા સમાચાર જાણવા લલચાવે એવા ટૂંકા મેસેજ સાથે એવી ઢગલાબંધ લિંક્સ ફરતી થવાની છે, જેના પર આપણે ક્લિક ન કરવું જોઈએ.
હવે સવાલ એ છે આવી લિંક પર ક્લિક કર્યા વિના જાણવું કઈ રીતે કે એ બનાવટી કે જોખમી છે? આપણે કેટલાક ઉપાય જોઈએ.
એ તો કોમન સેન્સ છે કે જે પહેલી નજરે ખોટી લાગે તેવી કોઈ પણ વાત સાથેની લિંક ક્લિક ન કરવી જોઈએ કે આગળ કોઈને ફોરવર્ડ પણ ન કરવી જોઈએ, પણ એ ઉપરાંત કેટલીક બાબતો છે, જેને તપાસીને આપણે નક્કી કરી શકીએ કે આ લિંક ક્લિક કરવા જેવી છે કે નહીં.
જેમ કે, પહેલાં તો એ જુઓ કે એ લિંક શોર્ટન્ડ એટલે કે ટૂંકાવેલી લિંક છે? બધી શોર્ટન્ડ લિંક જોખમી જ હોય એવું નથી, પણ શોર્ટન્ડ લિંક જોઈને એસીપી પ્રદ્યુમનની આંગળીમાં સળવળાટ જરૂર થવો જોઈએ. બિટ.લી જેવી સર્વિસ લાંબા યુઆરએલને ટૂંકા કરવાની સાથોસાથ ટૂંકાવેલા યુઆરએલને કસ્ટમાઇઝ કરવાની સગવડ પણ આપતી હોય છે. તમે જેનાથી પરિચિત હો અને જે આવી સુવિધાઓ વિશે જાણતી હોય એવી સર્વિસ શોર્ટન્ડ યુઆરએલમાં પણ પોતાની ઓળખ આપી શકે છે. એટલે બધી ટૂંકી લિંકને શંકાની નજરે ન જોવાય, પણ જોખમ જરૂર છે.
બીજો તપાસવા જેવો મુદ્દો એ છે કે એ લિંક તમને ધરાર આવી પડેલા મેઇલ કે મેસેજમાં આવી છે? ઈ-મેઇલમાં, સાદા લખાણને લિંકમાં ફેરવવાની સગવડ હોય છે. પીસીમાં આવી લિંક પર ક્લિક કરવાને બદલે માત્ર માઉસ લઈ જતાં બ્રાઉઝરમાં નીચેની તરફ આખી લિંક જોઈ શકાય છે. અહીં પણ ટૂંકાવેલી લિંક જોવા મળે, તો એને જોખમી જ માની લેવામાં કંઈ નુકસાન નથી.
તમે ઇચ્છો તો એ ટૂંકી લિંકને કોપી કરી, ચેકશોર્ટ યુઆરએલ (http://checkshorturl.com) જેવી સાઇટ પર જઈને ત્યાં પેસ્ટ કરી, તેની આખી લિંક જોઈ શકો છો. બ્રાઉઝરમાં આવાં એડ-ઓન પણ ઉમેરી શકાય છે.
ઘણી વાર તમે લાંબી લિંક પણ જોતા હશો, પણ એમાં જાતજાતનાં કેરેક્ટર દેખાય. આવી લિંક આખી હોવાથી જોખમી નથી એવું માની લેવાય નહીં, તેમ ચિત્રવિચિત્ર કેરેક્ટર્સ હોવાથી જોખમી જ છે એવું પણ માની શકાય નહીં. ઘણી વાર કોઈ વ્યક્તિ પોતાના બ્લોગ પરના ગુજરાતી(કે અન્ય ભારતીય ભાષા)ના લેખની લિંક કોપી કરીને વોટ્સએપમાં શેર કરે ત્યારે વોટ્સએપ જેવી સર્વિસ તેમાંના ગુજરાતી અક્ષરોને જાતજાતના કેરેક્ટર્સમાં ફેરવી નાખતી હોય છે! યુનિકોડ એનકોડિંગની બીજી એક બહુ ગંભીર તકલીફ એ પણ છે કે તેમાં પહેલી નજરે બિલકુલ સાચો અંગ્રેજી સ્પેલિંગ લાગે એવી લિંક, એનકોડિંગની કરામતથી મૂળ, વિશ્વસનીય સાઇટને બદલે બીજી જ સાઇટ પર લઈ જાય એવું બની શકે છે!
ટૂંકમાં, પીસી કે મોબાઇલમાં આવેલી કોઈ પણ લિંક સાચી અને ક્લિક યોગ્ય માનવાનો એકમાત્ર ઉપાય એ છે કે તે મોકલનાર કોણ છે એ જુઓ અને આખી લિંક તપાસતાં, અર્થસભર વાત લાગે તો જ ક્લિક કરવાનો વિચાર કરવો!

www.cybersafar.com

X
article by himanshu kiiani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી