સાયબર સફર / મેસેજિંગમાં નવો યુગ?

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Apr 17, 2019, 08:08 PM IST

ભારતમાં વોટ્સએપનો સૂરજ બરાબર મધ્યાહ્્ને તપી રહ્યો છે અને તે અસ્ત થવા તરફ ગતિ કરી રહ્યો હોય એવા કોઈ જ અણસાર અત્યારે દેખાઈ રહ્યા નથી, પરંતુ જ્યારે વોટ્સએપનો આ સૂરજ હજી ઊગ્યો જ નહોતો ત્યારે આપણા સૌની આંગળીઓ પર એસએમએસનું રાજ હતું! પછી વોટ્સએપ આવતાં એક બટન દબાવીને વોઇસ મેસેજ રેકોર્ડ કરી, તેની આપ-લે કરવાનું ફીચર મળી ગયું. વોટ્સએપ અને તેના જેવી બીજી સંખ્યાબંધ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝમાં એવાં કેટલાંય નવાં ફીચર્સ મળ્યાં, જે એસએમએસમાં દૂર સુધી દેખાતાં નહોતાં. પરિણામે એસએમએસનો ઉપયોગ ફક્ત બેન્ક કે શોપિંગના નોટિફિકેશન કે ઓટીપી મેળવવા પૂરતો સીમિત રહી ગયો.
અત્યારે તમને ખબર પણ નહીં હોય કે એસએમએસ હવે ખાસ્સા સ્માર્ટ થઈ ગયા છે. એસએમએસની વર્ષો જૂની ટેક્નોલોજીમાં રિચ કમ્યુનિકેશન સર્વિસીસ (આરસીએસ) નામે નવો પ્રાણ ફૂંકાઈ રહ્યો છે. ગૂગલે નવી કોઈ એપ ડેવલપ કરવાને બદલે મોબાઇલ અને ટેલિકોમ કંપનીઝનો સાથ લઈને આરસીએસને આગળ ધપાવવાનો વ્યૂહ અપનાવ્યો છે.
જો તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલની ‘મેસેજીસ’ નામની એપ ઇન્સ્ટોલ કરશો અને ફોનમાંની ડિફોલ્ટ મેસેજિંગ એપને બદલે આ નવી એપનો ઉપયોગ કરશો તો જોશો કે તેમાં ઘણાં નવાં ફીચર ઉમેરાઈ ગયાં છે.
એસએમએસમાં હવે કોઈ વેબપેજની લિંક મોકલે તો તેનો પ્રીવ્યૂ જોઈ શકાય છે. કોઈને ઈ-મેઇલ એડ્રેસને આધારે મેસેજ મોકલી શકાય છે. મેસેજીસમાં જાતજાતના ઇમોજીસ અને જીફ કે સ્ટિકર ઉમેરાઈ ગયાં છે. વોટ્સએપની જેમ વોઇસ મેસેજ રેકોર્ડ કરીને મોકલવાની સગવડ પણ આવી છે અને લોકેશન પણ શેર કરી શકાય છે. એસએમએસમાં જ ફોટોગ્રાફ શેર કરવાની સુવિધા પણ આવી ગઈ છે. તમે આ નવી મેસેજીસ એપનો ઉપયોગ કરતા હો, પણ સામેની વ્યક્તિ તેનો ઉપયોગ ન કરતી હોય તો તેને તમારો ફીચર રિચ મેસેજ મળશે નહીં, પરંતુ મેસેજમાં કંઈ ટેક્સ્ટ લખી હશે તો એ તેને જરૂર મળશે.
એટલે કે તમે કોઈ વેબ પેજની લિન્ક મેસેજીસ એપ દ્વારા કોઈને મોકલો તો તમને પોતાની એપમાં એ વેબ પેજનો પ્રીવ્યૂ જોવા મળશે. જો સામેની વ્યક્તિ આ નવી મેસેજીસ એપનો ઉપયોગ કરતી હશે તો તેને પણ પ્રીવ્યૂ જોવા મળશે, પરંતુ જો સામેની વ્યક્તિ બીજી કોઈ સાદી એસએમએસ એપનો ઉપયોગ કરતી હશે તો તેને મેસેજમાંની લિન્ક ટેક્સ્ટ સ્વરૂપે દેખાશે. આ એપનું વેબ વર્ઝન પણ છે એટલે કે પીસી પરથી પણ આપણે મેસેજીસની આપ-લે કરી શકીએ છીએ. થોડા સમયમાં ગૂગલ આસિસ્ટન્ટ પણ મેસેજીસમાં હાજર થઈ જશે. તેમાં અત્યારથી જીમેઇલની જેમ સ્માર્ટ રિપ્લાયની સુવિધા આવી ગઈ છે. તમે ગૂગલની આ મેસેજિંગ એપ ઇન્સ્ટોલ કરીને તેનો લાભ લેવાનું શરૂ કરી શકો છો.
www.cybersafar.com
X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી