ટેક બુક / આપણી હિસ્ટ્રીની સફાઈ

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Apr 07, 2019, 05:15 PM IST

‘તમારા વેબ બ્રાઉઝરમાં, તમારી બધી જ કૂકીઝ અને હિસ્ટ્રી ક્લિયર કરવાનો એક સાવ સહેલો ઉપાય તમારી પાસે હોય છે. તેની પાછળનો આઇડિયા એ છે કે ઘણી ખરી સાઇટને યોગ્ય રીતે કામ કરવા માટે કૂકીઝની જરૂર હોય છે એ વાત ખરી, પણ તેમ છતાં, તમે ઇચ્છો ત્યારે તમારી હિસ્ટ્રી કોરીકટ કરી શકવાની સગવડ તમને હોવી જોઈએ. અમે (સર્વિસનું નામ) પણ આવું જ એક વર્ઝન તૈયાર કરી રહ્યા છીએ. (સર્વિસનું નામ) પરની તમારી હિસ્ટ્રી – તમે શાના પર ક્લિક કર્યું, તમે કઈ વેબસાઇટ જોઈ વગેરે બધા જ પ્રકારની તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી ક્લિયર કરવાનું તમારા કંટ્રોલમાં રહેશે – સાવ સહેલાઈથી. એ માટે અમે, જેની ઘણા બધા લોકો હમણાં હમણાંથી માગ કરી રહ્યા છે તેનાથી શરૂઆત કરી રહ્યા છીએ. (સર્વિસનું નામ)ની એડ્સ અને એનાલિટિક્સ ટૂલ્સનો ઉપયોગ કરતી વેબસાઇટ્સ અને એપ્સના તમારા ઉપયોગ વિશે અમે જે કંઈ જાણીએ છીએ, એ બધું તમે ભૂંસી શકશો...’
હવે આ ઇન્વર્ટેડ કોમામાં મૂકેલા શબ્દોમાં, કૌંસમાં લખેલું સર્વિસનું નામ કઈ સર્વિસનું હશે અને આવું કહેનાર કોણ હશે એની કલ્પના કરી જુઓ. હિસ્ટ્રી, એડ્સ વગેરે શબ્દોને કારણે તમારા મનમાં ‘ફેસબુક હશે!’ એવો ઝબકારો થયો હોય તો જુદી વાત છે, બાકી ફેસબુક ખરેખર આપણને આવું કોઈ ટૂલ આપે એ વાત સહેલાઈથી કોઈના માનવામાં આવે એવી નથી!

  • ફેસબુકમાં હિસ્ટ્રી ડીલીટ કરવાનુંં ટૂલ આપવાનું વચન આપણને મળ્યું છે, ટૂલ મળે ત્યારે ખરું!

થયું છે પણ એવું જ. આ શબ્દો ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે ગયા વર્ષે ફેસબુક પર લખ્યા હતા. એ સમયે ફેસબુકના પ્લેટફોર્મનો ઉપયોગ કરતા ડેવલપર્સની કોન્ફરન્સ થવાની હતી, બરાબર તેની પહેલાં ઝકરબર્ગે આ પ્રોમિસ આપ્યું હતું. ત્યારે ફેસબુકની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઊઠતા હતા એટલે આવું પ્રોમિસ આપવામાં આવ્યું હતું.
ફેસબુક પરની આપણી હિસ્ટ્રી (એટલે કે આપણે શું લખ્યું કે અપલોડ કર્યું એ નહીં, પણ ફેસબુક પર અને ફેસબુકની બહાર પણ ફેસબુક સાથે કનેક્ટેડ સર્વિસ, એપ્સ પર શું કર્યું, શું સર્ચ કર્યું, શું જોયું વગેરે બધું) એક ક્લિકમાં ડિલીટ કરવાની આ સગવડ એ વર્ષે એટલે કે 2018માં જ મળી જવાની વાત હતી, પણ હવે જાહેર થયું છે કે એવું ટૂલ મળતાં હજી મહિનાઓ લાગશે.
તેનું કારણ એ છે કે આમ કરવા જતાં ફેસબુકના પોતાના એડ બિઝનેસને મોટો ફટકો પડે તેમ છે. હમણાં યોજાયેલી એક કોન્ફરન્સમાં ફેસુબકના એક ઉચ્ચ અધિકારીએ આ વાત કબૂલી. ફેસબુક આપણને આ ટૂલ જ્યારે આપે ત્યારે ખરું, પણ આપણે એ સમજવું જરૂરી છે કે આપણે ફેસબુકનો ભરપૂર ઉપયોગ કરતા હોઈએ ત્યારે મોટા ભાગે આપણને જાણ પણ હોતી નથી કે સામે પક્ષે ફેસબુક પણ આપણો ભરપૂર ઉપયોગ કરી લે છે! તમે ઇચ્છો તો ફેસબુકનાં સેટિંગ્સમાં જઈને, ફેસબુક તમારા વિશે કેટલું જાણે છે એ તમે જોઈ શકો છો.
ફેસબુક ઉપરાંત તમારા બ્રાઉઝરમાં પણ નિયમિત રીતે તમે હિસ્ટ્રી ક્લિયર કરતા રહો તો સારું.

[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી