સાયબર સફર / એપલ કાર્ડ – ગેમ ચેન્જર?

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Apr 03, 2019, 05:22 PM IST

પેટીએમ, ફોનપે અને ગૂગલ પે વચ્ચે ગળાકાપ હરીફાઈ છે ત્યાં, ચાઇનીઝ મોબાઇલ કંપની ઝાયોમીએ પણ યુપીઆઇ આધારિત એમઆઇ પે લોન્ચ કરી છે. ટૂંક સમયમાં જિઓમની અને વોટ્સએપ પર પણ યુપીઆઇ પેમેન્ટ શરૂ થવાની શક્યતા છે અને ત્યાર પછી ચીનમાં જબરજસ્ત સફળ વીચેટ પણ ભારતમાં યુપીઆઇ પેમેન્ટ લઈને આવી રહી છે, પણ ખરી ખબર વિદેશથી છે – એપલે તેનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે! એપલ જેમાં પગ મૂકે છે એ ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તનો લાવી દે છે અને હવે તેણે કાર્ડને બિલકુલ નવું સ્વરૂપ આપ્યું છે.
આપણા દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો છે, પણ અમેરિકન્સ ક્રેડિટ કાર્ડ પર જ જીવે છે. આટલા ફેર સિવાય, ક્રેડિટ કાર્ડની બાબતે આપણે ત્યાં અને અમેરિકામાં બધું સરખું જ છે. ક્રેડિટ કાર્ડના ફ્રોડ, ચૂકવવામાં સહેજ મોડું થાય તો વ્યાજની અટપટી ગણતરીનું વ્યાજ, એથીય અટપટી તમને મળતા પોઇન્ટ્સની ગણતરી. આ બધું એપલ બદલી નાખશે.
જો તમે એપલ પેથી પરિચિત હશો તો તમે જાણતા હશો કે તમે તમારા આઇફોનમાંની એપલ પે એપ સાથે તમારું કોઈ પણ બેન્કનું ક્રેડિટ કાર્ડ કનેક્ટ કરીને તેનાથી ગમે ત્યાં પેમેન્ટ કરી શકો છો. જ્યાં એપલ પે એક્સેપ્ટેડ ન હોય, ત્યાં તમારું અસલી કાર્ડ યુઝ કરવાનું. એપલ કાર્ડ કંઈક એવું જ છે, છતાં ઘણું અલગ છે. તમે એપલ પે એપથી જ તમારું એપલ કાર્ડ મેળવી શકો છો લાંબી રાહ જોયા વિના, ફટાફટ. આ કાર્ડની વિગતો એપલ પેમાં સામેલ રહે છે, પણ ફિઝિકલ કાર્ડ સ્વરૂપે એપલ એવું કાર્ડ આપશે જેમાં તમારું નામ, લોગો અને એક ચીપ સિવાય કશું જ નથી! કાર્ડનો કોઈ નંબર નહીં ને પાછળની બાજુએ સીવીવી નંબર કે સહી કશું જ નહીં! મતલબ કે કાર્ડની સલામતી કે દુરુપયોગને લગતી બધી ચિંતા દૂર.
એ સિવાય, એપલ કહે છે કે તમે એપલ કાર્ડથી શું ખરીદો છો, ક્યાં ખરીદો છો, ક્યારે ખરીદો છો વગેરે કશું જ કોઈ જાણી શકતું નથી, એપલ પણ નહીં! અત્યારે ઇન્ટરનેટ પર બધા જ આપણી માહિતી પાછળ પડ્યા છે ત્યારે એપલે પ્રાઇવસીને મંત્ર બનાવી લીધો છે.
એપલ કાર્ડમાં કોઈ ફી પણ નથી. દેખીતું છે કે અમુક શરતો લાગુ છે, પણ કોઈ એન્યુઅલ ચાર્જ કે લેટ પેમેન્ટ ફી નથી, ઇન્ટરનેશનલ ચાર્જ નથી, લિમિટથી વધુ ખર્ચ પર પણ કોઈ ફી નહીં! ઉલટાનું, એપલ કહે છે કે આ પહેલું એવું ક્રેડિટ કાર્ડ હશે જે તમારે ઓછામાં ઓછું વ્યાજ ચૂકવવું પડે એ માટે તમને મદદ કરશે! અત્યારે ઓસ્ટ્રેલિયામાં લગભગ 99 ટકા આઉટલેટ્સ પર એપલ પે સ્વીકારાય છે, પણ અમેરિકામાં આ પ્રમાણ માત્ર 70 ટકા છે. એપલ આ સ્થિતિ બદલવા માગે છે. દરેક ક્રેડિટ કાર્ડ કંપની કસ્ટમર્સને વધુ ખર્ચ કરવા લલચાવવા રિવોર્ડ પોઇન્ટ્સની સ્કીમ ચલાવતી હોય છે, પણ એપલ આવા કોઈ પોઇન્ટ્સને બદલે સીધા જ કેશ આપશે એ પણ રોજેરોજ! એપલ હોય એટલે જબરજસ્ત સિમ્પ્લિસિટી પણ હોય જ. એપલ કાર્ડમાં તમે કેટલો ખર્ચ કરો છો, કેવી રીતે, કઈ કઈ બાબતો માટે ખર્ચ કરો છે એ બતાવતા ચાર્ટ્સ તમને આઇફોન પર મળશે, સાથે વીકલી અને મંથલી સમરી પણ મળશે. અલબત્ત, અત્યારે એપલ કાર્ડ માત્ર યુએસમાં લોન્ચ થયેલ છે.

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી