ટેક બુક / ફોટોપ્રેમી આનંદો!

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Apr 01, 2019, 03:54 PM IST

‘દરેક તસવીરમાં કંઈક મજાની સ્ટોરી છુપાયેલી હોય છે.’ આ વાત રોજેરોજ વોટ્સએપ, ફેસબુક કે ટ્વિટરમાં ઢગલાબંધ આવતી તસવીરો જોવાથી ન સમજાય. એ તો માત્ર પોતાના પરિવાર કે મિત્રો સાથેની તસવીરો ફંફોસીએ ત્યારે સમજાય!
આજે એવી સ્થિતિ છે કે આપણે રોજેરોજ, સંખ્યાબંધ તસવીરો લઈએ છીએ, પણ એ શા માટે લઈએ છીએ એ ભૂલી જઈએ છીએ. તસવીરો વહેતી ક્ષણને યાદગીરી રૂપે સાચવી લેવા માટે હોય છે, પણ એ તસવીરોને ફરી જોવાનું યાદ જ ન આવે તો એ તસવીર લીધાનો અર્થ શો?
અથવા યાદ આવે, તો એ તસવીરો ક્યાં હશે - મોબાઇલમાં, કમ્પ્યૂટરમાં, પેનડ્રાઇવમાં કે પછી જૂની સીડીમાં. ક્યાં હશે એ ખબર ન હોય તો પણ તસવીર લીધાનો શો અર્થ?
તમે આવી તકલીફનો સામનો કરતા હો તો તમને કદાચ ખબર હશે, વર્ષ 2015માં ગૂગલે ફોટોઝ નામની બહુ મજાની સર્વિસ લોન્ચ કરી હતી. તે તમારા ફોટોઝનું એક જ કાયમી સરનામું બની શકે છે. હવે ઘણા ફોનમાં ડિફોલ્ટ ગેલેરી એપ તરીકે આ ફોટોઝ એપ જ હોય છે, પણ મોટા ભાગના લોકો તેની ખૂબીઓનો પૂરો લાભ લેતા હોય એવું લાગતું નથી.

  • ફોટોઝ એપને લીધે હવે નબળા નેટ કનેક્શનમાં પણ ઝડપથી બેકઅપ લઈ શકાશે

પહેલી વાત એ કે આ સર્વિસમાં આપણે અનલિમિટેડ ફોટોઝ અને વિડિયોઝ સ્ટોર કરી શકીએ છીએ. બીજી વાત એ છે કે મોબાઇલમાં વાઇફાઇ કે મોબાઇલ ડેટાની મદદથી, આપણે ઇચ્છીએ તે ફોલ્ડરમાંના ફોટોઝ આપોઆપ ક્લાઉડમાં સેવ થાય એવું સેટિંગ થઈ શકે છે. ત્રીજી વાત, તમે કોઈની પણ સાથે તમારું આખું ફોટો કલેક્શન કે જુદાં જુદાં આલ્બમ શેર કરી શકો છો. ચોથી વાત, આ એપના સેટિંગ્સમાં એક ક્લિકે ક્લાઉડમાં સેવ થયેલા ફોટોઝ મોબાઇલમાંથી ડિલીટ કરી, મોબાઇલમાં જગ્યા કરી શકાય છે!
આ બધી તો જૂની વાત છે, પણ તમારા માટે અજાણી હોય તો આ એપ ફંફોસી જુઓ.
મૂળ મુદ્દાની અને નવી વાત એ છે કે હવે આ એપમાં ‘એક્સપ્રેસ બેકઅપ’ની સુવિધા ઉમેરાઈ છે, જે ધીમે ધીમે બધા યૂઝર્સ માટે રોલઆઉટ થઈ રહી છે. અત્યારે તમે એપના સેટિંગ્સમાં બેકઅપના વિકલ્પો જોશો, તો તેમાં ‘હાઇ ક્વોલિટી’ અને ‘ઓરિજિનલ ક્વોલિટી’ એમ બે વિકલ્પો દેખાશે. પહેલા વિકલ્પમાં અનલિમિટેડ ફોટોઝ હાઇ-રેઝોલ્યુશનમાં સ્ટોર કરી શકાય છે, જ્યારે બીજા વિકલ્પમાં ફૂલ રિઝોલ્યુશનમાં સ્ટોર કરી શકાય, પણ તેમાં મર્યાદિત પ્રમાણમાં ફોટો સેવ થાય. એક્સપ્રેસ બેકઅપમાં હાઇ ક્વોલિટી કરતાં થોડા ઓછા રિઝોલ્યુશને, પણ નબળા વાઇફાઇ કે ડેટા કનેક્શનમાં પણ ફટાફટ બેકઅપ લઈ શકાશે. તમે ઇચ્છો તો દિવસમાં ફોટોઝ બેકઅપ માટે અમુક નિશ્ચિત લિમિટથી વધુ ડેટા ન વપરાય એવી સુવિધા પણ મળશે.
આ એપમાં તમે ફોટોઝ સ્ટોર કરશો તો બે-ચાર વર્ષ જૂના ફોટોઝ, બરાબર એ જ દિવસે ફરી નજર સામે લાવીને, તમને જૂની યાદોથી તરબતર પણ કરશે, ટ્રાય કરી જુઓ.
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી