સાયબર સફર / મ્યુઝિક એપ્સમાં ઘોંઘાટ

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Mar 20, 2019, 02:40 PM IST

ભારતમાં મ્યુઝિક એપ્સના ફિલ્ડમાં ઘોંઘાટ વધી રહ્યો છે! હજી હમણાં સુધી ગાના, વિંક, જિઓસાવન કે હંગામા મ્યુઝિક જેવી મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્સનો દબદબો હતો, પણ હવે તેમને સ્પોટિફાય અને યુટ્યૂબ મ્યુઝિક જેવી ગ્લોબલ જાયન્ટ મ્યુઝિક સર્વિસીઝ તરફથી જબરી હરીફાઈ મળી રહી છે.
ભારતીય એપ્સ ઉપરાંત ગૂગલ પ્લે મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ મ્યુઝિક અને આઇટ્યૂન્સ/એપલ મ્યુઝિક સર્વિસ પહેલેથી ભારતમાં એક્ટિવ હતી. હવે આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્પોટિફાય ભારતમાં લોન્ચ થઈ અને ગયા અઠવાડિયે, માર્ચમાં યુટ્યૂબ મ્યુઝિક પણ લોન્ચ થઈ ગઈ.
સંગીત રસિયાઓ માટે આટલી એપ્સ ઓછી હોય તેમ યુટ્યૂબ એપ પોતે મ્યુઝિકનો બહુ મોટો સ્રોત છે જ. ભારતીયોનો સંગીતપ્રેમ વર્ષો જૂનો છે અને બદલાતા સમય સાથે ફક્ત સંગીત બદલાઈ રહ્યું છે, સંગીતપ્રેમ નહીં. બિઝનેસની દૃષ્ટિએ વાત કરીએ તો પાયરસીને કારણે પાછલાં થોડાં વર્ષો ભારતના સંગીત ઉદ્યોગ માટે નબળાં રહ્યાં, પણ હવે સ્માર્ટફોનમાં મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસીઝના આગમન સાથે આ ઉદ્યોગના સૂર ફરી બદલાયા છે.

આમ તો ઇન્ટરનેટ આધારિત લગભગ દરેક સર્વિસની જેમ મ્યુઝિક એપ્સ પણ પ્રીમિયમ મોડેલ અપનાવી રહી છે. તમે ફક્ત ઓનલાઇન મ્યુઝિક સાંભળવા માગતા હો, વચ્ચે એડ્સનો અવરોધ ચલાવી લેવા માગતા હો, તો આ એપ્સનો ઉપયોગ મફત કરી શકો છો. જો એડ્સ ફ્રી મ્યુઝિક જોઈતું હોય અને ડાઉનલોડ કરીને ઓફલાઇન પણ સાંભળવું હોય તો તમારે પ્રીમિયમ સર્વિસ માટે મહિને 99 રૂપિયા જેટલી ફી ચૂકવવી પડે.
જોકે, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સે આ કામ પણ સહેલું બનાવી દીધું. એરટેલના યૂઝર્સ વિંક મ્યુઝિક સર્વિસના પ્રીમિયમ વર્ઝનનો લાભ લઈ શકે છે. એ જ રીતે જિઓ મ્યુઝિક અને સાવન મ્યુઝિક એક થઈ ગયા પછી તેનું પ્રીમિયમ વર્ઝન પણ જિયો યૂઝર્સ માટે ફ્રી છે. આવી પ્રીમિયમ પણ ફ્રી સર્વિસમાં અમુક મર્યાદાઓ ખરી.

ગીતોની પસંદગીની વાત કરીએ તો આ બધી એપ્સ લગભગ બરાબરીની છે. સ્પોટિફાય અને યુટ્યૂટબ મ્યુઝિકની લાઇબ્રેરી સૌથી મોટી ખરી. યુટ્યૂબ મ્યુઝિકને યુટ્યૂબના અપાર વિડિયો કલેક્શનનો પણ લાભ છે, એટલે આ એપમાં તમે ગીતોના વિડિયો પણ જોઈ શકો છો. જોકે, આ ‘લાભ’ ધરાર લેવો પડે છે. તમે ફક્ત ગીત સાંભળવા માગતા હો, તો યુટ્યૂબ મ્યુઝિકમાં એ શક્ય તો છે, પણ પ્રીમિયમ સર્વિસમાં!

યુટ્યૂબ મ્યુઝિકની બીજી એક મોટી ઊણપ એ છે કે તેમાં એપ કે ફોન બંધ કર્યા પછી મ્યુઝિક ચાલુ રહેતું નથી. અન્ય મ્યુઝિક એપમાં તમે ગમતું પ્લેલિસ્ટ ઓન કરી, ફોન બંધ કરીને અન્ય કામ કરી શકો છો!
બાકી સર્વિસ ગૂગલની છે એટલે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો હોવાની જ. તમને ગમતાં ગીતો, એપ થોડા સમયમાં સામેથી સૂચવવા લાગે. એવું બધું તો છે, પણ ભારતીય સંગીતપ્રેમીઓને સંગીત સાંભળવું હોય છે, જોવું નહીં, એટલે ફ્રી વર્ઝનમાં એ સુવિધા નહીં હોય તો યુટ્યૂબ મ્યુઝિકને મુશ્કેલી તો પડવાની! www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી