ટેક બુક / રિમોટ એક્સેસ હવે અભિશાપ?

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Mar 17, 2019, 06:26 PM IST

તમારી ઓફિસમાં તમારા કમ્પ્યૂટરના મેઇન્ટેનન્સની જવાબદારી કંપનીની હેડઓફિસમાં બેઠેલી આઇટી ટીમ સંભાળતી હશે તો તમે રિમોટ એક્સેસ સોફ્ટવેર વિશે જાણતા હશો. તમે કોઈ એકાઉન્ટિંગ કે અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરતા હશો તો એ માટેના ઓનલાઇન સપોર્ટ માટે પણ તમે રિમોટ એક્સેસ સોફ્ટવેરથી પરિચિત હશો.

  • સ્માર્ટફોનમાં રિમોટ એક્સેસનું વરદાન હવે ધીમે ધીમે અભિશાપ રૂપ બની રહ્યું છે

રિમોટ એક્સેસ સોફ્ટવેરની મદદથી કમ્પ્યૂટરથી દૂર બેઠેલી વ્યક્તિ, આપણી મંજૂરી પછી કમ્પ્યૂટરની એક્સેસ મેળવીને તેમાં જે કંઈ ફેરફાર કરવાના હોય તે કરી શકે છે. ઝડપથી ટેક્નિકલ મદદ મેળવવાનો આ એક બહુ સરસ રસ્તો છે. વ્યસ્ત એક્ઝિક્યુટિવ્સ પોતાના અલગ અલગ પીસી, લેપટોપ વગેરે ગમે ત્યાંથી એક્સેસ કરવા માટે પણ રિમોટ એક્સેસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય છે. હવે સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે પણ રિમોટ એક્સેસ એપ્સ આવી ગઈ છે.
પરંતુ ગયા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચેતવણી આપતાં કહ્યું છે કે આ પ્રકારની એપ્સની મદદથી ઠગાઈ કરનારા લોકો આપણા સ્માર્ટફોનનો કંટ્રોલ મેળવીને આપણા બેન્કિંગ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકે છે! રિમોટ એક્સેસ ટેક્નોલોજી ખરાબ નથી, પણ છેતરપિંડી કરનારા લોકોએ તેનો દુરુપયોગ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

રિઝર્વ બેન્ક પહેલાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇએ) આ જ પ્રકારની ચેતવણી આપી હતી. ભારતમાં યુપીઆઈ આધારિત પેમેન્ટનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે આ વ્યવસ્થા સંભાળતા એનપીસીઆઇના ધ્યાનમાં આવ્યું કે જો કોઈ વ્યક્તિએ ‘એની ડેસ્ક’ જેવી રિમોટ એક્સેસ એપ પોતાના સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી હોય તો છેતરપિંડી કરનાર વ્યક્તિ આ એપની મદદથી યુપીઆઇ સંબંધિત એડ્રેસ, ઓટીપી વગેરે મેળવી શકે છે અને આપણા ખાતામાંથી રકમ સેરવી શકે છે કે આપણા ખર્ચે ઓનલાઇન શોપિંગ કરી શકે છે. આમાં ભૂલ આ એપનો ઉપયોગ કરનાર વ્યક્તિની હોય છે. જો એ બેધ્યાનપણે તેના સ્માર્ટફોનની એક્સેસ મંજૂર કરી દે તો પછી છેતરપિંડી કરનાર ફાવી જાય છે. જો તમારા સ્માર્ટફોનમાં કોઈ રિમોટ એક્સેસ ન હોય તો તમારે ખાસ ચિંતા કરવા જેવું નથી. તેમ છતાં આ મુદ્દો ઉછળ્યો છે તો એક બાબત અચૂકપણે તપાસી લેવી જોઈએ. ફોનના સેટિંગ્સમાં ‘એપ પરમિશન્સ’ના ઓપ્શન શોધી કાઢો અને તેમાં એ જુઓ કે તમે કઈ કઈ એપને તમારા એસએમએસ એક્સેસ કરવાની છૂટ આપી છે. ભીમ, પેટીએમ કે ગૂગલ પે જેવી નાણાકીય સર્વિસ કે ગૂગલ પ્લે સ્ટોર અને મેસેજીસ જેવી જાણીતી સર્વિસ કે તમારી પોતાની મોબાઇલ કંપનીની એપને એસએમએસ એક્સેસની મંજૂરી આપી હોય તો વાંધો નથી, પરંતુ એ સિવાય કોઈ પણ એપને એસએમએસ રીડ કરવાની મંજૂરી આપી હોય તો એ પાછી ખેંચી લો.

[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી