ટેક બુક / ડિજિટલ કોલાબોરેશન

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Mar 10, 2019, 12:05 AM IST

આપણે ગુજરાતીઓને ટેક્નોલોજીના સૌથી લેટેસ્ટ બઝવર્ડ તરીકે ‘બ્લોકચેઇન’માં વધુ રસ પડે એ વાત સમજી શકાય એવી વાત છે. આખરે, બ્લોકચેઇન ‘કરન્સી’ સાથે સંબંધિત ટેક્નોલોજી છે! હકીકતમાં બ્લોકચેઇનનો ઉપયોગ ડિજિટલ કે ક્રિપ્ટો કરન્સી પૂરતો સીમિત નથી. ટેક્નોલોજીના સંદર્ભે બીજા એક બઝવર્ડ તરફ પણ આપણું ધ્યાન જવું જોઈએ, જે છે ‘ડિજિટલ કોલાબોરેશન’.

  • કરિયર શરૂ થાય એ પહેલાં, ડિજિટલ યુગમાં ટીમવર્કનો આધુનિકતમ કન્સેપ્ટ સમજી લો

આજના સમયમાં ટીમવર્કનો મહિમા કોઈ અવગણી શકે તેમ નથી. ટીમવર્કની સાદી વ્યાખ્યા તરીકે અગાઉ ‘ખભેખભા મિલાવીને કામ કરવું’ એમ કહી શકાતું હતું, પણ હવે એવું રહ્યું નથી. હવે તો ટીમ આખી દુનિયાના જુદા જુદા ખૂણે પથરાયેલી હોય છે અને કોઈના ખભા ક્યારેય એકબીજાને અડતા નથી! એ સૌ ફક્ત આંગળીના ટેરવે એકમેકના સીધા સંપર્કમાં રહે છે અને વાસ્તવિક સંપર્ક ન હોવા છતાં, ગજબના તાલમેલ સાથે કામ કરી શકે છે એના મૂળમાં ડિજિટલ કોલાબોરેશન જ છે.
જ્યારે એક જ પ્રોજેક્ટ પર કામ કરતી વ્યક્તિઓ દુનિયાના અલગ અલગ વિસ્તાર, સંસ્કૃતિ અને પૂર્વ ભૂમિકામાંથી આવતી હોય ત્યારે તેમની વચ્ચે કમ્યૂનિકેશન ગેપ કે મિસ કમ્યૂનિકેશન થવાની પૂરી શક્યતા રહેતી હોય છે. બીજા વિરોધાભાસોની વાત બાજુએ રાખીએ અને ફક્ત સમયના તફાવતની વાત કરીએ તો પણ, જ્યારે ટીમની એક વ્યક્તિ કામ કરતી હોય ત્યારે બીજી વ્યક્તિ ઊંઘતી હોય એ ટીમ સારી રીતે કામ કેવી રીતે કરે? ડિજિટલ કોલાબોરેશનનાં વિવિધ ટૂલ્સ એના ઉપાય આપે છે.
આજની ડિજિટલ દુનિયાના સિટીઝન તરીકે, ખાસ તો જો તમે થોડા સમયમાં કોલેજ પૂરી કરીને કારકિર્દી ઘડવા તરફ આગળ વધી રહ્યા હો તો તમારે ડિજિટલ કોલાબોરેશનનાં ટૂલ્સ અચૂકપણે સમજવાં જરૂરી છે. જુદી જુદી કંપની તેની સાઇઝ અને ટીમની સંખ્યા મુજબ જુદાં જુદાં ટૂલ્સનો ઉપયોગ કરે, પણ એ દરેક ટૂલનો કન્સેપ્ટ એક જ છે. કોઈ પણ બાબત સંબંધિત જુદી જુદી બાબતો એક જ જગ્યાએ એકઠી કરવી અને પછી તેનો સહિયારો ઉપયોગ કરવો. ડિજિટલ કોલાબોરેશનની રેન્જ એક ટીમ વચ્ચેના સાદા, શેર્ડ ટુ-ડુ લિસ્ટથી માંડીને કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ સુધીની હોઈ શકે.
તમે ઇચ્છો તો ગૂગલ ડ્રાઇવ (drive.google.com) કે ડ્રોપબોક્સની પેપર (dropbox.com/paper) જેવી સર્વિસને તમારા કોલાબોરેશન ટૂલમાં ઢાળી શકો અથવા પછી પેડલેટ (padlet.com) કે આસના (asana.com) જેવી ખાસ ડિજિટલ કોલાબોરેશન ટૂલ તરીકે જ ડિઝાઇન થયેલી સર્વિસ તપાસી શકો. આ બધી સર્વિસ અમુક અંશે ફ્રી અને પછી પેઇડ હોય છે.
મૂળ મુદ્દો એ છે કે તમે કોઈ એક્ટિવ ટીમના સભ્ય બનો અને આવા કોઈ ટૂલનો ઉપયોગ કરતા થાવ, એ પહેલાંથી વિવિધ ટૂલ્સ તપાસીને તેના કન્સેપ્ટ્સ સમજી લીધા હશે, તો તમારે માટે ઇન્ટરવ્યૂ ક્રેક કરવો સહેલો થઈ જશે!
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી