સાયબર સફર / ડ્રોન વોર

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Mar 06, 2019, 01:37 PM IST

ગયા અઠવાડિયે પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાની એરટ્રાઇક પહેલાં પહેલાંના દિવસોમાં ઇસરોએ સેટેલાઇટ્સના કેમેરા પાકિસ્તાનના ચોક્કસ વિસ્તારો પર ઝૂમ કર્યા હશે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગે(રૉએ) એજન્ટ્સને વધુ સચેત કર્યા હશે અને જૈશના ત્રાસવાદીઓ ક્યારે, ક્યાં મોટી સંખ્યામાં એકઠા થવાના છે એની પાક્કી ખાતરી કર્યા પછી, ફાઇટર જેટ્સ રવાના થયાં હશે.

  • આપણે જોયેલાં ડ્રોન કરતાં મિલિટરી ડ્રોન સાવ જુદાં હોય છે

ભારતે પાકિસ્તાનની પૂર્વ સરહદે જે રીતે એર સ્ટ્રાઇક કરી, એ જ રીતે પાકિસ્તાનની ઉત્તર-પશ્ચિમ સરહદે અમેરિકા વર્ષોથી હુમલા કરે છે. ફેર એટલો છે કે તેમાં કોઈ અમેરિકન સૈનિકનો જીવ સહેજ પણ જોખમમાં મુકાતો નથી અને પાકિસ્તાની સરકાર, લશ્કર અને આઇએસઆઇ અમેરિકાને તેના આ હુમલામાં મદદ પણ કરે છે! અમેરિકાની આ સર્જિકલ સ્ટ્રાઇક્સને દુનિયાએ નામ આપ્યું છે ‘ડ્રોન એટેક્સ’.
2001માં અમેરિકા પર અલકાયદાએ અસાધારણ હવાઈ હુમલો કર્યો એ પછી અમેરિકન સરકારે અલ-કાયદા, તાલિબાન અને તેનાં મળતિયાં સંગઠનો સામે યુદ્ધ આદર્યું છે, પણ આ યુદ્ધ પરંપરાગત પ્રકારનું નથી. તેમાં જવાનોના શૌર્ય કરતાં ટેક્નોલોજી વધુ મોટો ભાગ ભજવે છે.
વર્ષ 2004થી અમેરિકાએ અફઘાનિસ્તાન અને તેની સરહદે, પાકિસ્તાનમાંના વિસ્તારોમાંની ત્રાસવાદી છાવણીઓ પર અનમેન્ડ એરિયલ વ્હિકલ્સ(યુએવી, એટલે કે આપણી ભાષામાં ડ્રોન)થી હુમલા કરવાનું શરૂ કર્યું છે. આપણે જોયેલાં ડ્રોન કરતાં મિલિટરી ડ્રોન સાવ જુદાં છે. આ ડ્રોન ટાર્ગેટનું લોકેશન ટ્રેક કરવાનાં સાધનો, હવામાંથી જમીન પરની સ્થિતિની ઇમેજ/વિડિયો અને સાઉન્ડ કેપ્ચર કરી ટ્રાન્સમીટ કરતાં સાધનો અને એ બધાં ઉપરાંત હવામાંથી જમીન પર વાર કરી શકે એવી મિસાઇલ્સથી સજ્જ હોય છે.
આ ડ્રોનના નિશાન સમા ત્રાસવાદીનું પગેરું પકડવામાં તેના ફોનનું સિમ કાર્ડ સૌથી ઉપયોગી છે. ઉપરાંત સોશિયલ સાઇટ્સ કે મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરતા ત્રાસવાદીઓનાં એકાઉન્ટ હેક કરીને અથવા તેના ડિવાઇસમાં વાઇરસની જેમ ટ્રેકિંગ પ્રોગ્રામ ઘુસાડી આઇપી એડ્રેસથી તેનું લોકેશન જાણવાનો પ્રયાસ થાય છે. આ બધા કીમિયા જાણી ગયેલા ત્રાસવાદીઓ સતત સિમ કાર્ડ બદલતા રહે છે. લોકેશન ટ્રેક કરવા માટે તેમનાં સંગઠનોમાં ઘૂસેલા બાતમીદારો પોતાની પાસેનાં ટચૂકડાં સાધનોથી ડ્રોનને સંકેતસૂચક સિગ્નલ્સ મોકલી શકતા હોવાનું પણ કહેવાય છે.
આ રીતે હિટલિસ્ટમાંનો ત્રાસવાદી કોઈ ચોક્કસ સમયે ક્યાં હશે એ ખબર પડ્યા પછી, પાકિસ્તાનમાંના કોઈ એરબેઝ પરથી કે તેની નજીકના કોઈ સિક્રેટ બેઝ પરથી અમેરિકન ડ્રોન ઊડે છે. તેનું સંચાલન એ જ બેઝ પરથી કે છેક અમેરિકામાંના બેઝમાંથી સેટેલાઇટ દ્વારા થાય છે. ડ્રોન ટાર્ગેટની નજીક પહોંચ્યા પછી તેને જે કંઈ દેખાય, સંભળાય એ બધું બેઝ પર મોકલે છે. બાતમી અને ટાર્ગેટનો મેળ બેસે એટલે બેઝમાંથી અપાતા કમાન્ડથી, ડ્રોનમાંથી મિસાઇલ્સ ત્રાટકે છે.
હવે બીજી વાત, લંડનસ્થિત ‘ધ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નિલિઝમ’ સંસ્થાએ 2004થી 2015 દરમિયાન પાકિસ્તાન પરના દરેક ડ્રોન એટેકમાં કેટલાં બાળકો, કેટલા નાગરિકો, કેટલા હાઇ-પ્રોફાઇલ ટાર્ગેટ્સ (હિટ લિસ્ટ પરના ત્રાસવાદી) અને કેટલા ‘અન્યો (ત્રાસવાદીની અડખેપડખે રહેલા)’ માર્યા ગયા તેનો વિવિધ સ્રોતમાંથી ડેટા એકઠો કરીને તેનું એચટીએમએલ ફાઇવ અને જાવા સ્ક્રિપ્ટની મદદથી એક વિઝ્યુઅલાઇઝેશન (drones.pitchinteractive.com) તૈયાર કર્યું છે. ત્રાસવાદી સંગઠનોને પાળીપોષીને મોટા કરનાર પાકિસ્તાની સરકાર, લશ્કર અને આઇએસઆઇને કારણે પ્રજાની કેવી ખુવારી થાય છે એ આ વિઝ્યુઅલાઇઝેશન બતાવે છે. ડેટાની રજૂઆત આધુનિક ટેક્નોલોજીથી કેવી અસરકારક બની શકે છે એ દૃષ્ટિએ પણ આ વિઝ્યુઅલાઇઝેશન જોવાલાયક છે.

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી