સાયબર સફર / ફોનમાંની જોખમી બગ્સ

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Mar 05, 2019, 03:33 PM IST

હજી આ મહિનાની શરૂઆતમાં જ, આપણે વાત કરી હતી કે એપલની ફેસટાઇમ સર્વિસમાં એક એવી ગંભીર ખામી બહાર આવી છે, જેને કારણે કોઈ પણ વ્યક્તિ, બીજી વ્યક્તિને તેની મરજી વિના સાંભળી શકે છે! ગ્રૂપ ફેસટાઇમમાં ખામી એવી હતી કે તમારી પાસે આઇફોન કે આઇપેડ હોય તો કોઈ પણ વ્યક્તિ તમને કોલ જોડીને કંઈક એવું કરી શકે છે કે તમારા ફોનમાંનું સોફ્ટવેર ગૂંચવાઈ જાય અને તમે તે કોલ રિસીવ કરો તે પહેલાં જ તમારા ફોનમાંનું માઇક્રોફોન એક્ટિવેટ થઈ જાય.
ત્યારે લખ્યા મુજબ, એપલ કંપનીએ પહેલાં તો ગ્રૂપ ફેસટાઇમની સગવડ જ બંધ કરી અને પછી આ ખામી સુધારી લઈને, આઇઓએસ 12.1.4 અપગ્રેડ રિલીઝ કર્યું. મજા એ છે કે પેલી જૂની ખામી સુધારી લેવાઈ, પણ હવે એવું થયું છે કે બે વ્યક્તિ એકબીજા સાથે વન-ટુ-વન વાત કરતી હોય, તો અગાઉની જેમ તેમાં ત્રીજી વ્યક્તિને ઉમેરી શકાતી નથી! એપલે આ વિશે ખાસ કોઈ ચોખવટ કરી નથી.

  • એપલ હોય કે એન્ડ્રોઇડ, સલામતીનો ભાર આપણી જ ઉપર છે

મુદ્દો એ છે કે એપલ જેવી મહારથી કંપની પણ આવા લોચા કરી શકે છે. તો એપલની હરિફાઈ કરતું ગૂગલ લોચાની બાબતમાં પણ કેમ પાછળ રહે? એન્ડ્રોઇડની બાબતમાં પણ હમણાં એક લોચો બહાર આવ્યો છે, જેને ગૂગલે સુધાર્યો તો છે, પણ લાખો લોકો માટે જોખમ હજી ઊભું જ છે. થયું છે એવું કે ગૂગલે આ મહિને એન્ડ્રોઇડનું સિક્યોરિટી અપડેટ રિલીઝ કર્યું તેમાં કુલ 42 પ્રકારનાં જોખમોને સુધારી લેવામાં આવ્યાં. આમાંથી એક જોખમ એવું હતું, જેના કારણે કોઈ હેકર અમુક ચોક્કસ રીતે તૈયાર કરેલી પીએનજી ફોર્મેટની ફાઇલ આપણને મોકલીને આપણા ફોનમાં માલવેર ઘુસાડી શકે છે – જો આપણે એ ફાઇલ ઓપન કરીએ તો. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે ફોનની સલામતીની દૃષ્ટિએ આ બહુ ગંભીર જોખમ હતું, જે હવે સુધારી લેવામાં આવ્યું છે.
તેમ છતાં, આપણે રાહતનો શ્વાસ લઈ શકીએ તેમ નથી. કેમ? કેમ કે એન્ડ્રોઇડના આ લેટેસ્ટ સિક્યોરિટી પેચ આપણા ફોન સુધી પહોંચે તો આપણા માથે પેલું પીએનજી ફાઇલનું જોખમ ન રહે, પરંતુ ગૂગલે પોતે કહ્યા પ્રમાણે આ અપડેટ હજી માત્ર પિક્સેલ ફોન, ટેબ્લેટ અને ઇસેન્શિયલ ફોન માટે જ રિલીઝ થયું છે, જેનું પ્રમાણ અત્યંત ઓછું છે.
પીએનજી ઇમેજનું જોખમ એન્ડ્રોઇડ 7 કે ત્યાર પછીનાં એન્ડ્રોઇડ વર્ઝન ધરાવતા ફોનમાં છે. એવા લાખો-કરોડો ફોન છે, જેના સુધી લેટેસ્ટ સિક્યોરિટી પેચ પહોંચ્યા નથી.
આપણો ફોન એવા લાખો-કરોડો ફોનમાંનો એક હોય, તો શું કરવાનું? પહેલાં તો આપણો હેન્ડસેટ બનાવનારી કંપની સિક્યોરિટી પેચ આપે એવી પ્રાર્થના કરવાની! બીજું, ફોનના સેટિંગ્સમાં છેક નીચે ‘સિસ્ટમ’ વિભાગમાં, સિસ્ટમ અપડેટ્સ ચકાસી લેવી. તમે પ્રમાણમાં સારી કંપનીનો સારો ફોન લીધો હશે તો કંપની તમારા મોડેલ માટે થોડા થોડા સમયે સોફ્ટવેર અપડેટ્સ મોકલતી હશે. એ નિયમિત રીતે તપાસીને, ફોનના સોફ્ટવેરને અપડેટ કરી લેવું હિતાવહ છે.
જો તમારા હેન્ડસેટની કંપની તમને આવા અપડેટ્સ ન આપતી હોય તો અજાણ્યા લોકો તરફથી, ઈ-મેઇલ, વોટ્સએપ, ફેસબુક કે અન્ય કોઈ પણ રીતે તમને મળેલી પીએનજી ઇમેજ (જેના ફાઇલ ફોર્મેટમાં છેલ્લે પીએનજી લખેલું હોય) પર ક્લિક કરવાનું કે તેને ડાઉનલોડ કરવાનું ટાળશો.
એપલ અને એન્ડ્રોઇડ, બંનેનાં આ ઉદાહરણ બતાવે છે કે ફોનની સલામતીનો બધો ભાર આપણા ઉપર જ છે. એન્ડ્રોઇડના કિસ્સામાં આ જ કારણસર સ્ટોક એન્ડ્રોઇડવાળા ફોન ખરીદવા બહેતર છે, જેમાં એન્ડ્રોઇડનાં નવાં વર્ઝન્સ અને સિક્યોરિટી અપડેટ્સ મળવાની ખાતરી હોય છે.
www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી