ટેક બુક / ડેટાના લોભ માટે દોંગાઈ

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Mar 04, 2019, 04:40 PM IST

મહિને વીસ ડોલર (1400-1500 રૂપિયા) મળતા હોય, તો તમે તમારી પ્રાઇવસી વેચવા તૈયાર છો? આખી દુનિયાના કેટલાય લોકો આવી તક મળતી હોય તો સ્માર્ટફોનનો પોતાનો ઉપયોગ ખુલ્લો મૂકી દેવા તૈયાર છે એ હમણાં, એક પક્ષે એપલ અને બીજી તરફ ફેસબુક-ગૂગલ વચ્ચેની લડાઈથી બહાર આવ્યું. થયું એવું કે ગયા મહિને, વિશ્વની જાણીતી ટેક વેબસાઇટ ટેકક્રન્ચ પર એક રિપોર્ટ પબ્લિશ થયો કે ફેસબુક કંપની છેક 2016થી, 13થી 35 વર્ષની વયજૂથના યૂઝર્સને પોતાના સ્માર્ટફોન (એન્ડ્રોઇડ કે એપલ)માં એક ખાસ પ્રકારની ‘ફેસબુક રિસર્ચ’ એપ ઇન્સ્ટોલ કરવા કહેતી હતી અને તેના બદલામાં તેમને મહિને વીસ ડોલર ચૂકવતી હતી. આ એપમાં ફેસબુકની સંડોવણી છુપાવવા એપ જુદાં જુદાં નામે મોકલવામાં આવતી હતી. એપ ઇન્સ્ટોલ કરવા એન્ડ્રોઇડના પ્લે સ્ટોર કે એપલના એપ સ્ટોરને બાયપાસ કરવામાં આવતા હતા.
જો તમે સ્માર્ટફોનના થોડા જાણકાર હો, તો તમને તરત સવાલ થાય કે એન્ડ્રોઇડમાં તો પ્લે સ્ટોરને બાયપાસ કરીને કોઈ એપ ઇન્સ્ટોલ કરી શકાય, પણ એપલમાં તો એ શક્ય જ નથી! એના ઉપાય તરીકે, ફેસબુકે એપલ તરફથી મળતી ‘એન્ટરપ્રાઇઝ સર્ટિફિકેટ’ નામની એક વ્યવસ્થાનો લાભ લીધો. આ વ્યવસ્થાથી વિવિધ કંપની પોતાના ઇન્ટર્નલ યૂઝ માટે એપ્સ બનાવીને એપલ ડિવાઇસ પર સીધું ઇન્સ્ટોલ કરાવી શકે છે.

  • આ ત્રણ કંપની અંદરોઅંદર લડે તેમાં ગુમાવવાનું આપણે જ છે

વીસ ડોલરના બદલામાં ફેસબુક યૂઝર્સનો કયો ડેટા મેળવતી હતી? સોશિયલ મીડિયા એપ્સમાં તેમણે મોકલેલા પ્રાઇવેટ મેસેજીસ, ચેટ્સ, બીજાને મોકલેલા ફોટોઝ/વિડિયોઝ, ઈ-મેઇલ્સ, વેબમાં જે કંઈ સર્ચ કર્યું હોય એ બધું જ, વેબમાં જે કંઈ બ્રાઉઝ કર્યું હોય એ બધું જ, ફોનમાં જે કોઈ એપ્સને તમે લોકેશન ટ્રેકિંગની પરમિશન આપી હોય તેના ફીડ્સ. ટૂંકમાં, ફેસબુક મહિને વીસ ડોલરમાં ફોનમાંની તમામ પ્રવૃત્તિનો ડેટા મેળવતી હતી. નિષ્ણાતો કહે છે કે ફેસબુકને ફોનના સરેરાશ યૂઝર્સ ફેસબુક સિવાયની એપ્સ કે સર્વિસીઝમાં શું શું કરે છે એ જાણવામાં ઊંડો રસ છે અને એ માટે એ ગમે તે હદે જવા તૈયાર છે.
રસપ્રદ ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે બહાર આવ્યું એપલના પ્લેટફોર્મ પર ગૂગલે પણ કંઈક આવ્યું જ કર્યું હતું! ફેસબુક અને ગૂગલે પોતાની પોલિસીનો ભંગ કર્યો છે એવું ધ્યાનમાં આવતાં જ એપલે પોતાના પ્લેટફોર્મ પર બંને કંપનીનાં એન્ટરપ્રાઇઝ સર્ટિફિકેશન સસ્પેન્ડ કરી દીધાં. આપણા જેવા યૂઝર્સને તો તેની કોઈ અસર નહોતી, પણ ફેસબુક-ગૂગલની એપલ પરની બધી ઇન્ટર્નલ એપ્સ તેને કારણે બંધ થઈ ગઈ. એક તબક્કે એપલ પોતાના પ્લેટફોર્મ પરથી ફેસબુકની એપ (જેનો આપણે સૌ ઉપયોગ કરીએ છીએ તે) દૂર કરી દેશે એવી પણ શક્યતા ચર્ચાઈ. બધું બહાર આવી જતાં, ફેસબુક-ગૂગલે પોતાના જાસૂસી પ્રોજેક્ટ સમેટી લીધા. એપલ પોતે કંઈ પણ કરી શકે છે એનો પરચો બતાવીને બંને કંપનીનાં સર્ટિફિકેટ્સ ફરી ચાલુ કરી આપ્યાં.
એટલું સ્પષ્ટ છે કે આ ત્રણેય કંપની એકમેકની કટ્ટર હરીફ છે, પણ અંતે એકબીજા પર નિર્ભર છે અને ત્રણેય આપણા વિશ્વાસ સાથે રમત રમી શકે છે.

[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી