ટેક બુક / ઈ-મેઇલમાં રાઇટ ક્લિક

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Feb 24, 2019, 05:49 PM IST

ઘણી વાર, ઘણી બાબતમાં એવું થતું હોય છે કે એ બાબતનો આપણને ભરપૂર લાભ મળી શકે તેમ હોય, છતાં આપણે પોતે લેતા ન હોઈએ! કમ્પ્યૂટર, સ્માર્ટફોન કે આખા ઇન્ટરનેટમાં આવી પાર વગરની બાબત છે. એ જ રીતે, ઘણી બાબત એવી પણ હોય છે કે તે મળ્યા પછી આપણને લાગે કે આના વગર આટલા વખત સુધી આપણું કામ ચાલ્યું કઈ રીતે?
એક સાદું ઉદાહરણ આપીને વાત કરીએ તો, તમે કહો, તમે માઉસના રાઇટ ક્લિકનો કેટલોક ઉપયોગ કરો છો? ધ્યાન આપજો, રાઇટ ક્લિક, લેફ્ટ નહીં! લેફ્ટ ક્લિક તો આપણે હાલતાં-ચાલતાં કરતા રહેતા હોઈએ છીએ, પણ રાઇટ-ક્લિકનો પ્રમાણમાં ખૂબ જ ઓછો ઉપયોગ કરતા હોઈએ છીએ.
કમ્પ્યૂટર પર કોઈ પણ બાબત પર રાઇટ ક્લિક કરતાં, સામાન્ય રીતે એ બાબતને સંબંધિત વિવિધ વિકલ્પો મળતા હોય છે. યૂઝર ઇન્ટરફેસની ભાષામાં તેને ‘ઓપ્શન્સ મેનૂ’ અથવા ‘કોન્ટેક્સ્ટ મેનૂ’ કહે છે.
હમણાં જી-મેઇલમાં આવા કોન્ટેક્સ્ટ મેનૂને હમણાં ઘણું વધુ પાવરફુલ બનાવવામાં આવ્યું છે. આ મેનૂ પહેલાં પણ હતું તો ખરું, પણ હવે તેમાં ઘણી બાબતો ઉમેરાઈ છે. આ સુવિધા પણ એવી છે કે આપણને લાગે કે આટલી સુવિધા ઉમેરતાં ગૂગલને આટલાં વર્ષ કેમ લાગ્યાં?
એનું કારણ જે હોય તે, જો તમે જી-મેઇલનો ભરપૂર ઉપયોગ કરતા હો અને રોજ તમારે સંખ્યાબંધ ઈ-મેઇલ્સ સાથે પનારો હોય તો આ સુવિધા તમને ચોક્કસ ઉપયોગી લાગશે.
તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં જૂના જી-મેઇલમાં જબરા ફેરફાર થયા પછી, તેમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉમેરાઈ હતી. જુદા જુદા મેઇલ્સ પર આપણે જે એક્શન્સ લઈ શકીએ તેને સંબંધિત ફેરફારોથી જી-મેઇલમાં મેઇલ્સનું મેનેજમેન્ટ સહેલું બન્યું હતું. જેમ કે પીસીમાં, ઇનબોક્સમાં કોઈ પણ ઈ-મેઇલ પર માઉસ લઈ જતાં, મેઇલના શીર્ષકની જમણી બાજુએ વિવિધ વિકલ્પો મળે છે.
હવે માઉસને ફક્ત હોવર કરવાને બદલે, જો જે તે મેઇલને રાઇટ ક્લિક કરીએ તો એક ઠીક ઠીક લાંબું કોન્ટેક્સ્ટ મેનૂ ખૂલે છે. અગાઉ આ મેનૂમાં ફક્ત ચારેક વિકલ્પ મળતા હતા (બની શકે કે તમે ક્યારેય આ રીતે ઈ-મેઇલ પર રાઇટ ક્લિક કર્યું જ નહીં હોય!) પણ હવે તેમાં ત્રણેક ગણા વિકલ્પ મળે છે અને એમાંય પાછા પેટા વિકલ્પો છે.
ઈ-મેઇલનો રિપ્લાય કરવો, ફોરવર્ડ કરવો, આર્કાઇવ કરવો, ડિલીટ કરવો, સ્નૂઝ કરવો, કોઈ ફોલ્ડરમાં મૂવ કરવો કે કોઈ લેબલ લગાવવું, મ્યૂટ કરવો કે એ મેઇલના સેન્ડરના અન્ય મેઇલ્સ સર્ચ કરવા વગેરે તમામ એક્શન આ એક રાઇટ ક્લિકથી લઈ શકાય છે.
બની શકે કે આ વાંચ્યા પછી તમને મેઇલને રાઇટ ક્લિક કરીને એક્શન લેવાની ટેવ પડશે તો તેમાંનાં ઘણાં ફીચર્સ, જેનો તમે અત્યાર સુધી લાભ નહોતા લેતા, એ પણ લેવા લાગશો!
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી