સાયબર સફર / પાસવર્ડથી પરેશાની

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Feb 13, 2019, 04:25 PM IST

તમને તમારા જીવનસાથીના સ્માર્ટફોન અને પીસી/લેપટોપના પાસવર્ડ ખબર છે? ખરેખર તો આની પહેલાંનો સવાલ એ હોઈ શકે કે તમારા જીવનસાથી તેમના સ્માર્ટ ડિવાઇસીઝ પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખે છે ખરા? જો ન રાખતા હોય, તો પહેલાં તો એ કામ કરાવો અને પછી એ પાસવર્ડ તમે પણ નોંધી રાખો!

  • કેનેડાની એક કંપનીના લાખો ડોલર લેપટોપમાં સલવાઈ ગયા!

હજી ગયા મહિને જ આપણે ‘સાયબર સફર’માં ડિજિટલ વીમો ઉતરાવવાની આ સાવ સાદી પદ્ધતિની વાત કરી હતી. પતિ-પત્નીએ એકબીજાના પાસવર્ડ જાણી રાખવા.
તમે એ લેખ વાંચ્યો હોય અને એના પર અમલ ન કર્યો હોય તો આગળ વાંચો. હમણાં કેનેડામાં, ‘ક્વોડ્રીગાસીએક્સ’ નામની એક ક્રિપ્ટોકરન્સી એક્સચેઇન્જ કંપનીના ડિરેક્ટરની પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કરી છે કે તેના પતિના એન્ક્રિપ્ટેડ (એટલે કે પાસવર્ડ પ્રોટેક્ટેડ) લેપટોપનો પાસવર્ડ તેને ખબર નથી અને તેને કારણે કંપનીના 137 મિલિયન ડોલર (અંદાજે 960 કરોડ રૂપિયા!) સલવાઈ ગયા છે!

આવું કેમ બન્યું એ પણ સમજવા જેવું છે. આ કંપની ‘ક્રિપ્ટોકરન્સી એક્સચેઇન્જ’ તરીકે કામ કરે છે. જેમ વિવિધ કંપની કે વ્યક્તિગત શેરદલાલ બીજા લોકોના રૂપિયાનું શેર્સમાં રોકાણ કરી આપે અને એનો વહીવટ પોતે કરે, એમ કેનેડાની આ કંપની નવા સમયની ડિજિટલ કરન્સી–ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની સવલત આપતી હતી. સંખ્યાબંધ લોકોએ આ કંપની મારફત આવી રીતે રોકાણ કર્યું હતું, પણ કંપનીનો ડિરેક્ટર ફક્ત એક જ હતો, એ પણ 30 વર્ષનો ગેરી કોટેન નામનો યુવાન.

જેમ આપણાં સાદાં-સરળ બેન્ક ખાતાંમાંથી કોઈ ને કોઈ રીતે રૂપિયા ઉપાડી જવાની ઘટનાઓ બનતી રહે છે એવું ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં પણ બહુ બને છે. એટલે જાણકાર લોકો પોતાની ક્રિપ્ટોકરન્સી ‘કોલ્ડ વોલેટ’માં સાચવતા હોય છે. કોલ્ટ વોલેટ એટલે એવું કમ્પ્યૂટર જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ન હોય, એટલે તે ‘હોટ વોલેટ’ (નેટ સાથે કનેક્ટેડ સિસ્ટમ્સ)ની જેમ હેક થવાની કોઈ ચિંતા જ નહીં.

મામલો મિલિયન્સ ડોલરનો હોય એટલે આવા કોલ્ડ વોલેટને પણ બરાબર સાચવવું પડે. એટલે ગેરી કોટેને પોતાના લેપટોપમાં બીજું કોઈ ઘૂસી જ ન શકે એવું જડબેસલાક એન્ક્રિપ્શનનું તાળું માર્યું હતું. હવે એનું અચાનક અવસાન થતાં લેપટોપનો પાસવર્ડ તેની સાથે જ ગયો! તેની પત્નીએ કોર્ટમાં એફિડેવિટમાં જણાવ્યું છે કે તેણે લેપટોપનો પાસવર્ડ ક્યાંય લખેલો મળી આવે તો શોધવા માટે પૂરતી કોશિશ કરી છે ને એક્સપર્ટ્સની મદદ લઈને લેપટોપમાં એન્ટ્રી મેળવવાના પ્રયાસ પણ ચાલુ છે, પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી. હવે આ કંપનીના લાખથી વધુ લેણદાર છે!
તમને યાદ હશે કે થોડા સમય પહેલાં અમેરિકામાં એક આરોપીના પાસવર્ડ પ્રોટેક્ટેડ આઇફોનમાં ઘૂસવામાં એફબીઆઈને પણ આંખે પાણી આવી ગયાં હતાં. ત્યારે એપલ કંપનીએ પોતાના યૂઝર્સની પ્રાઇવસીનો મુદ્દો આગળ ધરીને એ આઇફોન ક્રેક કરવામાં એફબીઆઇને સહયોગ આપ્યો નહોતો.

કેનેડામાં બનેલો કંઈક આવો જ મામલો લાખો ડોલર્સનો હોવાથી તેમાં બીજી કંઈ ગરબડ હોવાની પણ શક્યતા છે, પરંતુ આપણે સાદો બોધપાઠ એ લેવાનો છે કે આપણા પાસવર્ડ પ્રોટેક્ટેડ એકાઉન્ટ્સ કે ડિવાઇસીસમાં આપણી ગેરહાજરીમાં એક્સેસ મેળવવી આપણાં સ્વજનો માટે અત્યંત મુશ્કેલ બની શકે છે. આ તલવારની બીજી ધાર પણ જાણી લેવા જેવી છે. અત્યારે ડિજિટલ દુનિયામાં હેકિંગનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે આપણે તેનો સામનો કરવા માટે પ્રોટેક્શનની શક્ય એટલી બધી જ સુવિધાઓનો બરાબર સમજીને લાભ લેવો પણ અનિવાર્ય છે, સંતુલન સાધતા શીખવું જ રહ્યું.
www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી