સાયબર સફર / ફેસટાઇમમાં મોટી ચૂક

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Feb 06, 2019, 01:01 PM IST

ફેસબુક મેસેન્જર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એક થઈ જાય અને આપણી બચીકૂચી પ્રાઇવસી રફેદફે થઈ જાય એ વાતને તો હજી એકાદ વર્ષની વાર છે, પણ અત્યારે પ્રાઇવસીમાં સૌથી વધુ ‘સજ્જડ’ મનાતી એપલ કંપનીની ફેસટાઇમ એપમાં એક મોટી ચૂકે મોટો વિવાદ ઊભો કર્યો છે. તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં એપલે કદાચ તેનો ઉકેલ લાવી દીધો હશે, પણ એપલમાં પણ આવું થાય એ નાનીસૂની વાત નથી.

આખો વિવાદ ફેસટાઇમની ગ્રૂપ કોલિંગ સર્વિસને સંબંધિત છે. ફેસટાઇમ એપલનો વિડિયો અને કોલિંગ સર્વિસ છે. આઇફોન વાપરનારા લોકો લાંબા સમયથી મિત્રો-સ્વજનો સાથે ફેસટાઇમ પર વિડિયોચેટની મજા લેતા રહ્યા છે. તેમાં ગ્રૂપ કોલિંગનું ફીચર પણ છે, જેની મદદથી એકથી વધુ લોકો એકમેક સાથે વિડિયો ચેટિંગ કરી શકે.

  • પ્રાઇવસી બાબતે સૌથી સજાગ ગણાતી એપલની સર્વિસમાં પણ ખામી!

હવે બહાર આવેલી વિગતો મુજબ, ફેસટાઇમ સર્વિસની મદદથી કોઈ પણ વ્યક્તિ, બીજી વ્યક્તિને તેની મરજી વિના સાંભળી શકે છે. ગ્રૂપ ફેસટાઇમમાં ખામી એવી છે કે તમારી પાસે આઇફોન કે આઇપેડ હોય તો કોઈ પણ વ્યક્તિ તમને કોલ જોડીને કંઈક એવું કરી શકે છે કે તમારા ફોનમાંનું સોફ્ટવેર ગૂંચવાઈ જાય અને તમે તે કોલ રિસીવ કરો તે પહેલાં જ તમારા ફોનમાંનો માઇક્રોફોન એક્ટિવેટ થઈ જાય.

પરિણામે તમે કોલ રિસીવ કર્યા પહેલાં, તમે કંઈ બોલી રહ્યા હો તે પેલી વ્યક્તિ સાંભળી શકે છે. સામાન્ય ફોનમાં પણ ઘણા લોકોને સામે રિંગ જતી હોય ત્યારે કે કોલ પૂરો થયા પછી તરત જ એ કોલ વિશે કંઈક ટીકા-ટિપ્પણી કરવાની ટેવ હોય છે. જો કોલ ધાર્યા કરતાં વહેલો કનેક્ટ થઈ જાય કે થોડો મોડો ડિસ્કનેક્ટ થાય તો સામેની વ્યક્તિ આ ટીકા સાંભળી જાય!

એવું જ કંઈક ગ્રૂપ ફેસટાઇમમાં બને છે, પણ એ કોલ જોડાયા પહેલાં થાય છે અને કોઈ વ્યક્તિ ઇચ્છે તો જાણી જોઈને આમ કરી શકે છે. અત્યારે મળતી માહિતી મુજબ, જો આ રીતે ગ્રૂપ કોલિંગમાં સામેલ બંને પાર્ટીના ડિવાઇસમાં આઇઓએસનું 12.1 વર્ઝન હોય તો આવું બને છે.

એક અહેવાલ મુજબ છેક જાન્યુઆરી 20થી એક અમેરિકન મહિલા વકીલ અને તેના 20 વર્ષના દીકરાએ આ ખામી તરફ એપલનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનું કોઈએ સાંભળ્યું નહીં.

હવે એપલે ગ્રૂપ ફેસટાઇમ સર્વિસ કામચલાઉ બંધ કરી દીધી છે અને અઠવાડિયામાં તેનો ઉકેલ લાવવાનું કહ્યું છે, પણ નિષ્ણાતો કહે છે કે યૂઝર્સે થોડો સમય ફેસટાઇમ એપ જ ડિસેબલ કરવી હિતાવહ છે.

માઇક્રોફોન અને કેમેરાથી સજ્જ સ્માર્ટફોનને આપણે ભલે જીવનસાથી બનાવી દીધા હોય, પણ એ આપણા સૌથી મોટા જાસૂસ બની શકે છે. આ પહેલાં, ગૂગલ કે ફેસબુકની એપ્સ પણ, ફોનમાંના માઇક્રોફોનની મદદથી સતત આપણો વોઇસ રેકોર્ડ કરતી હોવાની શંકાઓ જાગી છે. આપણો વોઇસ ચોવીસે કલાક રેકોર્ડ કરીને જે તે કંપનીના સર્વર પર મોકલવામાં આવે તો એની અસર આપણા ડેટા બિલમાં દેખાયા વગર રહે નહીં, પરંતુ આ કંપનીઝ હવે ડેટા કમ્પ્રેશન ટેક્નોલોજીમાં એટલી આગળ વધી ગઈ છે કે ડેટા જાસૂસીના મામલે ‘આવું તો ન જ થઈ શકે!’ એવું કહી શકાય એવું રહ્યું નથી.

આપણા હાથમાં ફક્ત એટલી જ વાત છે કે આપણે સ્માર્ટફોનમાંની જુદી જુદી સર્વિસથી, કાં તો જાણી જોઈને, ઇરાદાપૂર્વક અથવા બધી ખરેખર કોઈ ટેક્નિકલ ચૂકને કારણે શું શું થઈ શકે છે એ બરાબર સમજવું અને તેનાથી બચવાના રસ્તાઓ જાણવા!

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી