સાયબર સફર / ડિજિટલ વીમો ઉતરાવ્યો છે?

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Jan 09, 2019, 05:36 PM IST

ક્યારેક તમારી સાથે એવું બન્યું હશે કે તમે ફેસબુકમાં લોગિન થવાનો પ્રયાસ કરો અને વારંવાર પાસવર્ડ ખોટો હોવાનો મેસેજ મળે. એવું જ ગૂગલમાં બની શકે.

ગૂગલમાં એક જ એકાઉન્ટના પાસવર્ડથી જી-મેઇલ અને તેના ઉપરાંત ગૂગલની બીજી કેટલીય સર્વિસમાં આપણે દાખલ થઈ શકીએ છીએ. આપણા નવા જીવનસાથી જેવા સ્માર્ટફોન અને તેમાંના ડેટાને તમે જીવની જેમ સાચવવા માગતા હો તો તેમાં પણ દાખલ થવા માટે તમે પાસવર્ડ રાખ્યો હશે (ન રાખ્યો હોય તો આ લેખ પડતો મૂકીને પહેલું કામ એ કરો!) એ સિવાય, બેન્કિંગ, મ્યુચ્યુઅલ ફંડ, જીવનવીમો અને બીજા વીમા, શેરબજારનું ડીમેટ એકાઉન્ટ.કેટકેટલી જગ્યાએ આપણે પાસવર્ડનો ચોકીપહેરો વટાવીને આગળ વધવું પડે છે!


હવે એ વિચારો કે આ બધામાં ક્યાંક આપણે પોતે પાસવર્ડ ભૂલી જઈએ કે લખવામાં ગફલત કરીએ તો આપણો જીવ અધ્ધર થઈ જાય છે, તો આપણી ગેરહાજરીમાં, આપણા સ્વજન માટે એ કામ કેટલું મુશ્કેલ બને? જેના વિશે લખવાનું કે વિચારવાનું ન ગમે એવો આ વિષય છે, પણ વાસ્તવિક દુનિયાની જેમ, ડિજિટલ દુનિયામાં પણ આપણી અણધારી વિદાય સ્વજન માટે બહુ મુશ્કેલ બની શકે છે.


એમની મુશ્કેલી થોડી હળવી કરવાનો સૌથી સહેલો રસ્તો આપણો ડિજિટલ વીમો ઉતરાવી રાખવાનો છે! એ માટે કોઈ પોલિસી લેવાની જરૂર નથી, ફક્ત આપણા સ્માર્ટફોનને અનલોક કરવાનો પાસવર્ડ અચૂકપણે, રિપીટ, અચૂકપણે તમારા જીવનસાથીને ખબર હોય એટલું સુનિશ્ચિત કરો. તમે જ્યારે પણ આ પાસવર્ડ બદલો ત્યારે, ફરી અચૂક, અચૂક જીવનસાથીને તેની જાણ કરો.


સ્વજનની અણદારી વિદાય પછી તેમના કોઈ પણ ડિજિટલ એકાઉન્ટમાં, જે તે એકાઉન્ટના પાસવર્ડ વિના દાખલ થવું બહુ મુશ્કેલ છે અને જે તે સર્વિસ સાથે લાંબી કવાયત પછી એ કામ કદાચ થાય તો થાય. તેને બદલે, ફક્ત મોબાઇલમાં દાખલ થવું શક્ય હશે તો બાકીનાં બધાં કામ ઘણાં સહેલાં થઈ જશે.


તમારી ડિજિટલ જિંદગી વિશે થોડો શાંતિથી વિચાર કરશો તો સ્પષ્ટ થશે કે આપણા તમામ ઓનલાઇન એકાઉન્ટ્સનાં મૂળ અંતે આપણા સ્માર્ટફોન સુધી પહોંચે છે. કોઈ પણ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હો તો તેને રિસેટ કરવા માટેની લિંક આપણા ઈ-મેઇલમાં આવે છે. કોઈ કારણસર એકાઉન્ટ લોક થઈ ગયું હોય તો તેને અનલોક કે રિએક્ટિવેટ કરવા માટેનો પાસકોડ કે વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આપણા જે તે ખાતામાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવે છે.


એટલે હવે જીવનસાથી ક્યારેક તમારો ફોન લઈને તેમાં કંઈ જુએ તો અકળાશો નહીં! ઉલટાનું એવું એ ન કરે તો અકળામણ અનુભવજો, કારણ કે એ વારંવાર ઉપયોગ કરશે તો જ તેને તમારા ફોનનો પાસવર્ડ યાદ રહેશે!


આ ડિજિટલ વીમાની વાત થઈ, ડિજિટલ વિલ પણ ઉતરાવી શકાય છે! જેમ કે ફેસબુકમાં તમે તમારા મિત્રો કે સ્વજનોને લેગસી કોન્ટેક્ટ તરીકે સેવ કરી શકો છો, જેથી તેઓ તમારી ગેરહાજરીમાં એકાઉન્ટ વિશે યોગ્ય નિર્ણય અને પગલાં લઈ શકે. એ સિવાય, જો તમારો ડિજિટલ પથારો બહુ મોટો હોય તો એ દરેકમાં તમારા પરિવાર માટે એક્સેસ શક્ય એટલી બનાવવા એક ડાયરીમાં દરેક સર્વિસ, યૂઝરનેમ અને પાસવર્ડ નોંધો સ્વજનને તેની જાણ હોય, એ સુનિશ્ચિત કરવા જેવું છે. તમારા ડિજિટલ વીમા અને વિલ બંને વિશે શાંતિથી જરૂર વિચાર કરજો.

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી