ટેક બુક / જિજ્ઞાસાભર્યું નવું વર્ષ

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Jan 06, 2019, 09:11 PM IST

એક વર્ષનો અંત આવે અને આપણે નવા વર્ષને આવકારીએ એ સાથે, થોડા સમય માટે કેલેન્ડરમાં આપણો રસ નવેસરથી જાગૃત થાય છે! નવા વર્ષે બીજું કંઈ બદલાતું હોય કે નહીં, કેલેન્ડર તો અચૂક બદલાતું હોય જ છે. માર્કેટમાં કેલેન્ડરની સિઝન શરૂ થતી હોય છે. જોકે, ડિજિટલ યુગમાં ડિજિટલ કેલેન્ડર પણ આવી ગયા છે અને છતાં મુદ્રિત કેલેન્ડરની જરૂરિયાત કે માગમાં કોઈ મોટો ઘટાડો થયો નથી, એ પણ હકીકત છે. કેલેન્ડરનો કમર્શિયલ (બ્રાન્ડિંગ વગેરે માટે) યુઝ પણ વધ્યો છે. ખેર, વર્ષના અંતે અને નવા વર્ષની શરૂઆતમાં, કેલેન્ડરમાં જાતભાતની બાબતો પર નજર નાખવામાં તમને પણ રસ પડતો હોય તો આ એક સાઇટ તમારે જોવા જેવી છે – www.timeanddate.com.

ટાઇમએન્ડડેટ.કોમ પર કેલેન્ડર ઉપરાંત વર્લ્ડ ક્લોક અને ટાઇમ ઝોન્સ સંબંધિત કેલ્ક્યુલેશન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે

આમ તો, શોધવા બેસીએ તો આ પ્રકારની ઘણી વેબસાઇટ્સ મળી આવે. કોઈ સાઇટ્સ પર નજર દોડાવવાને બદલે આપણા પોતાના પીસીમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના કેલેન્ડર અને કેલ્ક્યુલેટરમાં જરા વધુ ઊંડા ઊતરીએ તો તેમાં પણ અવનવી ખૂબીઓ નજરે ચઢે. જેમ કે પીસીના કેલ્ક્યુલેટરમાં વ્યૂ ટેબમાં, તમે જુદા જુદા ઘણા પ્રકારનાં કેલ્ક્યુલેટર પસંદ કરી શકો છો અને એમાંનું એક ડેટ કેલ્ક્યુલેશન સંબંધિત છે!


પીસીના કેલ્સીમાં કે આગળ કહી તે વેબસાઇટ પર, તમે તારીખ સંબંધિત ઘણી ગણતરીઓ સહેલાઈથી કરી શકો છો. જેમ કે, નવા વર્ષમાં તમારો જન્મદિવસ કેટલા દિવસ દૂર છે? 1869માં જન્મેલા ગાંધીજીનો, 2019ની બીજી ઓક્ટોબરે કેટલામો જન્મદિવસ હશે? બરાબર આજના દિવસે, તમે પોતે કેટલાં વર્ષ, મહિના અને દિવસના થયા? હજી જરા વધુ ઊંડા ઊતરવું હોય તો, ટાઇમ ડ્યુરેશન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે તમારી ઉંમર કલાક, મિનિટ્સ અને સેકન્ડ્સમાં પણ જાણી શકો છો!


વહેતા સમયને કેલેન્ડર અને ઘડિયાળની મદદથી કેટલી જુદી જુદી રીતે જોઈ શકાય છે એ આપણે પીસી કે વેબ પરની આવી કોઈ સર્વિસનો લાભ લઈએ ત્યારે જ સમજાય! ટાઇમએન્ડડેટ.કોમ વેબસાઇટ પર કેલેન્ડર ઉપરાંત વર્લ્ડ ક્લોક અને ટાઇમ ઝોન્સ સંબંધિત કેલ્ક્યુલેશન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સિડની અને શિકાગો આપણ સમયથી કેટલાં આગળ કે પાછળ એ નક્કી કરવામાં તમે ગોથાં ખાતા હો તો આ સાઇટ તમારી મૂંઝવણો કાયમ માટે દૂર કરી શકે છે.


એ સિવાય, અહીં સૂર્ય અને ચંદ્રને લગતાં કેલ્ક્યુલેટર, ચંદ્રના વિવિધ તબક્કા, વિવિધ ઋતુઓ, ગ્રહણો, રાત્રિ અને દિવસના આકાશના નકશા વગેરે સંબંધિત માહિતી પણ અહીં તમને આસાનીથી મળશે.


આપણે 2018ને વિદાય આપીને 2019ને આવકારીએ ત્યારે આવી કોઈ સાઇટ પર જઈને, આપણે માટે પ્રમાણમાં અજાણી વિગતોમાં થોડા ઊંડા ઊતરીશું તો નવા વર્ષમાં જરૂર અનેક નવી જિજ્ઞાસાની ભેટ મળશે – વિશ યુ હેપ્પી એન્ડ ક્યુરિયસ ન્યૂ યર!
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી