સાયબર સફર / ડિજિટલ વેલબીઇંગમાં માનો છો?

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Dec 26, 2018, 05:53 PM IST

સમય કેટલો ઝડપથી બદલાય છે! ના, 2018ની વિદાય અને 2019ના આગમન સમયે આ જ્ઞાન અચાનક લાધ્યું નથી. ગયા મહિને અમદાવાદમાં યોજાઈ ગયેલા પુસ્તકમેળા દરમિયાન અને પછી ઇન્ટરનેટ પર હમણાં જોવા મળતા એક રસપ્રદ ટ્રેન્ડ પરથી લાગે છે કે સમય સાચે જ ઝડપથી બદલાય છે. પુસ્તકમેળામાં જાતે અનુભવ્યું કે હવે વડીલો બહુ સહેલાઈથી ઓનલાઇન રીડિંગ તરફ વળી રહ્યા છે અને બીજી તરફ સતત સ્ક્રીન સાથે કનેક્ટેડ રહેતી યંગ જનરેશન ફરી પ્રિન્ટ, કાગળ પરના વાંચન તરફ વળી રહી છે.


એવું જ કંઈક ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યું છે. આખી દુનિયાની માહિતી હાથવગી કરતી ગૂગલ જેવી કંપની હવે ‘ડિજિટલ વેલબીઇંગ’ની વાત કરવા લાગી છે. એક મિનિટ, આ ડિજિટલ વેલબીઇંગ એટલે શું એવો સવાલ થયો? સ્માર્ટફોનને જ જીવન માનવાને બદલે, એને ફક્ત સાધન ગણવાની સમજ કેળવીને સ્વસ્થ, સંતુલિત જીવન જીવવું એટલે ડિજિટલ વેલબીઇંગ! અડધી રાત્રે પણ જાગીને પોતાની ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પરની લાઇક્સ ચેક કરતા, ફેમિલી ટૂર પર ગયા હોય ત્યારે પણ ઓફિસના મેઇલ્સ ચેક કરતા કે એક્ઝામ માથે હોય ત્યારે પણ પબ્જીમાં પરોવાયેલા રહેતા લોકોનું જીવન સંતુલિત નથી.


આ અસંતુલનની શરૂઆત હવે બહુ નાની વયથી જ થઈ જાય છે. તમને પણ પરિવારનાં બાળકોના સતત વધતા સ્ક્રીન ટાઇમની ચિંતા રહેતી હોય તો તમે ગૂગલની ‘ફેમિલી લિંક’ એપનો ઉપયોગ કરીને તેમના સ્ક્રીન ટાઇમની લિમિટ્સ સેટ કરી શકો અને અમુક ચોક્કસ એપ્સ બ્લોક પણ કરી શકો. યુટ્યૂબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં આપણે કેટલો સમય પસાર કર્યો એ જાણવાની સગવડ પણ હવે ઉમેરાવા લાગી છે.


ગૂગલે આ બધા પ્રયાસો ‘ડિજિટલ વેલબીઇંગ’ના એક નેજા હેઠળ આવરી લેવાનો પ્રયાસ કર્યો છે, જેથી આપણા જીવનના કેન્દ્રમાં ટેક્નોલોજી નહીં, પરંતુ જીવન પોતે જ રહે. એ માટે એન્ડ્રોઇડમાં એક નવું ડેશબોર્ડ ઉમેરવામાં આવ્યું છે જે વિવિધ એપ્સ પર આપણે કેટલો સમય ગાળીએ છીએ એ અને આપણને કેટલાં નોટિફિકેશન્સ મળે છે એ પણ બતાવે છે. એપલનું સ્ક્રીન ટાઇમ ડેશબોર્ડ કંઈક આવી જ સુવિધા આપે છે.


યુટ્યૂબમાં રાત-દિવસ પરોવાયેલા રહેતા લોકોને યુટ્યૂબમાંથી બ્રેક લેવાની સલાહ પણ હવે એપ પોતે આપે છે. ‘વિન્ડ ડાઉન’ નામનું એક ફીચર રાત ઢળતાં આપણા પર આવતાં નોટિફિકેશન્સની સંખ્યા મર્યાદિત કરી દે છે અને સ્ક્રીનને ધીમે ધીમે ગ્રે સ્કેલ કરે છે જેથી આપણને ખ્યાલ આવે કે હવે ફોન બાજુએ મૂકવાનો સમય થઈ ગયો છે. જો તમારા ફોનમાં અલગ વર્ક પ્રોફાઇલની સુવિધા હોય અને ફોનમાં તમારી કંપનીની સંખ્યાબંધ એપ્સ પણ ઇન્સ્ટોલ્ડ હોય તો હોલિડેઝ દરમિયાન ફક્ત એક ટેપથી એ બધી એપ્સ ડિસેબલ કરવાની સગવડ ઉમેરાઈ છે. જેથી રજાઓ દરમિયાન આપણે ખરેખર પરિવાર સાથે રહી શકીએ.


આ બધી સગવડ એન્ડ્રોઇડના નવમા વર્ઝનમાં અને મોટા ભાગે ગૂગલના પીકસેલ ફોનમાં ઉપલબ્ધ છે. એ ઉપરાંત એન્ડ્રોઇડ વન સુવિધા ધરાવતા ઘણાં ફોનમાં ઉપલબ્ધ છે. શક્ય છે કે આપણા ફોન સુધી ડિજિટલ વેલબીઇંગના ફીચર્સ પહોંચતા વાર લાગે, પણ આપણે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી