ટેક બુક / બેન્કિંગ ટેક્નોલોજીમાં મોટા ફેરફાર

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Dec 23, 2018, 12:05 AM IST

છેલ્લાં થોડાં વર્ષોથી ટેક્નોલોજીની દૃષ્ટિએ આપણી બેન્કિંગ વ્યવસ્થામાં બહુ મોટાં પરિવર્તનો આવ્યાં છે. આરટીજીએસ, આઇએમપીએસ વગેરે લાંબા સમયથી બેન્કિંગ વ્યવસ્થાનો ભાગ હોવા છતાં તેનો ઉપયોગ છેલ્લાં થોડાં વર્ષોમાં જ ઘણો વધ્યો છે. એ જ રીતે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)નો ઉપયોગ પણ બેન્ક્સ તથા અન્ય કંપનીની એપ્સને કારણે વધી રહ્યો છે. મોબાઇલમાં ઇન્ટરનેટ સુલભ થયા પછી નેટબેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ વધુ લોકપ્રિય બનતાં, જૂના અને જાણીતા ચેક અને ક્રેડિટ/ડેબિટ કાર્ડ સુધ્ધાં હાંસિયામાં ધકેલાતાં જાય છે, પરંતુ તેને સંબંધિત ટેક્નોલોજીમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યા છે.

આ વર્ષના અંત સાથે નોન-સીટીએસ ચેક અને મેગ્નેટિક સ્ટ્રિપ કાર્ડનો પણ અંત આવશે. જોકે, નવી ટેક્નોલોજી અપનાવવી આપણા જ લાભમાં રહેશે

પહેલા ચેકની વાત કરીએ તો, 2008થી ભારતની બેન્કિંગ વ્યવસ્થામાં સીટીએસ એટલે કે ચેક ટ્રન્કેશન સિસ્ટમ વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. કોઈ પણ લાંબી પ્રક્રિયાને ટૂંકી કરવાને અંગ્રેજીમાં ટ્રન્કેશન કહે છે. ચેક ક્લિયરિંગની સામાન્ય વ્યવસ્થામાં આપણે કોઈ પાર્ટી તરફથી આવેલો ચેક આપણી બેન્કમાં રજૂ કરીએ, એ પછી એ ચેક ક્લિયરિંગમાં જાય અને તે ચેક જે બેન્કનો હોય તેના સુધી તે પહોંચે. ચેકને ફિઝિકલ સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ છે. તેને ટૂંકી કરવા માટે સીટીએસ પદ્ધતિ અપનાવવામાં આવી, જેમાં માઇકર કોડ અને આઇએફએસસી સહિતની વિગતો ધરાવતા ચેકની ઇમેજ ડિજિટલ સ્વરૂપમાં ક્લિયરિંગ માટે મોકલવામાં આવે છે.


હમણાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ બેન્કને આદેશ આપ્યો છે કે તેમણે વર્ષ 2019ની શરૂઆતથી નોન-સીટીએસ ચેકનો ઉપયોગ સદંતર બંધ કરવો.


એ જ રીતે, રિઝર્વ બેન્કના આદેશથી મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડનો ઉપયોગ પણ નવા વર્ષથી બંધ થઈ રહ્યો છે. છેક 1960ના દાયકાથી ચલણમાં આવેલ, કાર્ડમાંની મેગ્નેટિક સ્ટ્રિપ એક સમયે ટેક્નોલોજીની હરણફાળ ગણાતી હતી, પરંતુ મેગ્નેટિક સ્ટ્રિપમાંની આપણા ખાતા સંબંધિત માહિતી ચોરવી અને એવી ડુપ્લિકેટ સ્ટ્રિપવાળું કાર્ડ બનાવવું બહુ સહેલું બની જતાં, ચિપવાળાં કાર્ડની બોલબાલા વધી. માઇક્રોચિપવાળાં કાર્ડ મેગ્નેટિક સ્ટ્રિપ કરતાં ઘણાં વધુ સલામત મનાય છે અને વિશ્વ આખું તેના તરફ વળી રહ્યું છે. અમુક સર્વે મુજબ, મેગ્નેટિક સ્ટ્રિપની સરખામણીમાં ચિપવાળાં કાર્ડમાં ફ્રોડનું પ્રમાણ 75 ટકા જેટલું ઘટ્યું છે!


બેન્ક તરફથી મળેલા તમારા નવા પ્રકારના કાર્ડને એક્ટિવેટ કરવું કદાચ થોડું કડાકૂટભર્યું લાગશે, પણ નવી ટેક્નોલોજી અપનાવવી આપણા જ લાભમાં છે!
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી