ડિજિટાઇઝેશન કે ડિજિટલાઇઝેશન?

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Dec 12, 2018, 03:33 PM IST

ગયા અઠવાડિયે આપણે અમેરિકાના ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે પોતાની પાસેના 50-70 લાખ ફોટોગ્રાફ્સની હાર્ડ કોપીનો ડિજિટલ આર્કાઇવ તૈયાર કરવાનું કામ આરંભ્યું છે એની વાત કરી, ત્યારે એક રસપ્રદ સવાલ ઊભો થયો – આ કામગીરીને ફોટોગ્રાફ્સનું ‘ડિજિટાઇઝેશન’ કહેવાય કે ‘ડિજિટલાઇઝેશન’?

પ્રક્રિયાઓ, સેવાઓ વગેરે માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો તે ડિજિટલાઇઝેશન!

અત્યાર સુધી આપણે આ પ્રકારની કામગીરી માટે છૂટથી આ બંને શબ્દોનો ઉપયોગ કરતા રહ્યા છીએ. શું બંને શબ્દ એક જ સરખો અર્થ દર્શાવે છે? વાત માત્ર સાચા શબ્દની છે, ટેક્નોલોજીની નથી, પણ અત્યારે આપણે સૌ જે ઝડપથી ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન’ની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છીએ, એ જોતાં થયું કે આ શબ્દોના ઉપયોગ અને તેમની વચ્ચે કોઈ તફાવત હોય તો તે તપાસવા માટે થોડી ખણખોદ તો બનતી હૈ!


સૌથી પહેલાં તો ગૂગલની ડિક્શનરીએ ‘ડિજિટાઇઝેશન’ શબ્દનો આવો અર્થ આપ્યો, ‘ટેક્સ્ટ, પિક્ચર્સ કે અવાજને એવા ડિજિટલ ફોર્મમાં ફેરવવા જેના પર કમ્પ્યૂટર પ્રોસેસ કરી શકે.’ (એટલે જ આપણા ગયા લેખના શીર્ષકમાં ‘ડિજિટાઇઝેશન’ શબ્દનો ઉપયોગ કર્યો હતો!). વિકિપીડિયા આવી જ વ્યાખ્યા આપે છે. ગૂગલને ‘ડિજિટલાઇઝેશન’ શબ્દ ડિફાઇન કરવા કહ્યું, તો આશ્ચર્ય વચ્ચે ગૂગલની ડિક્શનરીએ કહ્યું કે આ શબ્દની કોઈ વ્યાખ્યા મળી નથી – ટ્રાય સર્ચિંગ ધ વેબ. ખણખોદ આગળ વધાર્યા વિના છૂટકો નહોતો.


હવે સુકાન ફેરવીએ, ચાલીસેક વર્ષથી આઇટી અને અન્ય ક્ષેત્રમાં રિસર્ચ અને એડવાઇઝરી કંપની તરીકે વિશ્વસ્તરે વિખ્યાત ‘ગાર્ટનર’ કંપનીની આઇટી-ગ્લોસરી તરફ. તે ‘ડિજિટલાઇઝેશન’ શબ્દનો આવો અર્થ આપે છે, ‘ડિજિટલાઇઝેશન એટલે કોઈ બિઝનેસનું મોડેલ (કાર્યપદ્ધતિ) બદલવા માટે અને આવક અને નવી તકો સર્જવા માટે ડિજિટલ ટેક્નોલોજીસનો ઉપયોગ કરવો તે. એટલે કે પરંપરાગતમાંથી ડિજિટલ બિઝનેસ બનવા તરફ આગળ વધવાની પ્રક્રિયા એટલે ડિજિટલાઇઝેશન.’ ગાર્ટનર ‘ડિજિટાઇઝેશન’ શબ્દની સમજ ગૂગલ કરતાં જરા વધુ વિસ્તારે છે.

એ કહે છે, ‘ડિજિટાઇઝેશન એટલે એનેલોગમાંથી ડિજિટલ ફોર્મમાં પરિવર્તનની પ્રક્રિયા, જેને ડિજિટલ ઇનેબલમેન્ટ પણ કહે છે. બીજા શબ્દોમાં, ડિજિટાઇઝેશન એનેલોગ પ્રોસેસ હાથ પર લઈને તેને ડિજિટલ ફોર્મમાં ફેરવી નાખે છે, પણ મૂળ પ્રક્રિયામાં કોઈ પરિવર્તન થતું નથી.’ મતલબ કે, ગયા અઠવાડિયે આપણે જાણ્યું તેમ ફોટોઝને ડિજિટલ સ્વરૂપ આપવાની પ્રક્રિયાથી, મૂળ ફોટો તો યથાવત્ રહે છે, ફક્ત તેનું સ્વરૂપ બદલાય છે એટલે એ ‘ડિજિટાઇઝેશન’ થયું.

લગભગ સરખા લાગતા આ બે શબ્દોની ગૂંચવણ ફક્ત આપણને નહીં, આખી દુનિયાના બિઝનેસીઝને કમ્પ્યૂટર તરફ વાળનાર ‘સેપ’ કંપનીને પણ થઈ છે. આ કંપનીના બ્લોગ પર આ શબ્દોના તફાવત વિશે અંતે તો, આપણે ઉપર જે વાત કરી એ જ કરવામાં આવી છે. આપણા સંદર્ભમાં વાત કરીએ તો બેન્ક્સ પોતાના દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપમાં ફેરવે તો તે ‘ડિજિટાઇઝેશન’ થયું અને કોર બેન્કિંગ, નેટ બેન્કિંગ, બેન્કિંગ એપ્સ વગેરેનો આપણને લાભ આપે તો એ બેન્કિંગ સેવાઓનું ‘ડિજિટલાઇઝેશન’ થયું. નક્કર બાબતોને બિટ્સ અને બાઇટ્સ કે ડિજિટ્સમાં ફેરવવી તે ડિજિટાઇઝેશન અને પ્રક્રિયાઓ, સેવાઓ વગેરે માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો તે ડિજિટલાઇઝેશન! એટલે હવે આપણી બેન્ક્સ કે તમારો બિઝનેસ ‘ડિજિટાઇઝ’ થયો છે એમ નહીં પણ ‘ડિજિટલાઇઝ’ થયો છે એમ કહેજો.
www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી