બેન્કિંગમાં ઓટીપીનો દબદબો

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Nov 28, 2018, 12:05 AM IST

તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કોઈ ખાતું ધરાવો છો? જો તમે તમારા બેન્ક એકાઉન્ટ સાથે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર નહીં કરાવ્યો હોય તો 1 ડિસેમ્બર, 2018થી બેન્ક તમારી નેટબેન્કિંગ સુવિધા બ્લોક કરી દેશે. તમે એસબીઆઇમાં ખાતું ન ધરાવતા હો તો પણ બેન્કની સાઇટ પર મુકાયેલી આ નોટિસમાં તમને રસ પડવો જોઈએ, કારણ કે આપણા બેન્કિંગને સલામત બનાવવા માટે આવનારા દિવસોમાં આપણી રોજિંદી લેવડદેવડમાં કેવાં પરિવર્તનો આવશે તેનો આ નોટિસથી કંઈક અંદાજ આવે છે.

કોઈ પણ પ્રકારની લેવડદેવડ માટે ઓટીપી ફરજિયાત બને એ દિવસો બહુ દૂર નથી

હવે વાત આધાર કાર્ડની નથી, પણ આપણા મોબાઇલ નંબરની છે અને મુદ્દો આપણી પ્રાઇવસીનો નહીં, પણ આપણાં પોતાનાં નાણાંની સલામતીનો છે!


હવે મોટા ભાગની બેન્કની સાઇટ પર આપણે નેટ બેન્કિંગ માટે લોગિન થઈએ ત્યારે આપણે યૂઝર નેમ અને પાસવર્ડ ઉપરાંત વધારાના કેટલાક સેફ્ટી ચેક્સ વટાવવા પડે છે. મોટા ભાગની બેન્ક યૂઝર નેમ, પાસવર્ડ ઉપરાંત આપણા મોબાઇલ પર ઓટીપી મોકલે છે અને તે આપ્યા પછી જ લોગિન થઈ શકાય છે. ઘણી બેન્ક ઓટીપી ઉપરાંત કોઈ તસવીર ઓળખવાનું પણ કહે છે. જો તમારી બેન્ક આવી વધારાની વ્યવસ્થા વિના માત્ર યૂઝર નેમ પાસવર્ડને આધારે તમને નેટબેન્કિંગ માટે લોગિન થવા દેતી હોય અને ટ્રાન્ઝેક્શન પણ કરવા દેતી હોય તો એ તમારા માટે ચિંતાનો વિષય છે.


ઓનલાઇન શોપિંગ વખતે પણ નેટબેન્કિંગથી પેમેન્ટ કરતી વખતે આપણા મોબાઇલ નંબર પર ઓટીપી નંબર મોકલવામાં આવે છે. અત્યારે રૂ. 2000 કે તેથી ઓછી રકમના ઓનલાઇન પેમેન્ટ વખતે ઓટીપી મરજિયાત છે, પરંતુ એ સુવિધા પણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા થોડા સમયમાં પાછી ખેંચે તો નવાઈ નહીં.


જેમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઓટીપી માટે બેન્ક એકાઉન્ટ સાથે મોબાઇલ નંબર આપવાનું ફરજિયાત કર્યું છે એ જ બાબત આગળ જતાં એટીએમના ઉપયોગને પણ લાગુ થાય એવું શક્ય છે.


જો એવું થશે તો આપણે એટીએમમાં રૂપિયા ઉપાડવા જઈશું, ત્યારે અત્યારની સ્થિતિ મુજબ આપણો પીન નંબર આપ્યા પછી આપણા મોબાઇલમાં ઓટીપી આવશે અને તે આપ્યા પછી જ આપણે એટીએમમાંથી રકમ મેળવી શકીશું.


થોડા સમય પહેલાં બેંગલુરુનાં એક મહિલાએ પોતે બીમાર હોવાને કારણે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે પતિને પોતાનું કાર્ડ આપ્યું હતું (ઘણા પરિવારમાં આ રોજિંદી બાબત છે). બનવાકાળ એ ટ્રાન્ઝેક્શન સફળ ન રહ્યું. ભાઈને રકમ મળી નહીં, પણ તેમના ખાતામાંથી રકમ ઉપડી ગઈ. એ મહિલાએ ગ્રાહક અદાલતનો આશરો લીધો ત્યારે બેન્કે દલીલ કરી કે એ મહિલાએ પોતાનું કાર્ડ અન્ય વ્યક્તિને આપ્યું હોવાથી તેના ઉપયોગ માટે બેન્ક જવાબદાર નથી. બેન્કની આ દલીલ ગ્રાહક અદાલતે માન્ય રાખી હતી. જો એટીએમમાંથી રકમ ઉપાડતી વખતે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવતો ઓટીપી આપવો ફરજિયાત થશે તો ત્યાર પછી આવું થવાની શક્યતા ઘટશે (જોકે, આમાં પણ દલીલને અવકાશ રહે છે!) જ્યારે મોબાઇલમાંના વોલેટની મદદથી પેમેન્ટ કરવાની વાત આવે ત્યારે એ જ મોબાઇલમાં ઓટીપી મેળવવાનો અર્થ રહેતો નથી, પરંતુ આવા કિસ્સામાં જે તે વ્યક્તિના જીવનસાથી કે અન્ય નિકટના સ્વજનના મોબાઇલ પર ઓટીપી આવે એવું પણ ભવિષ્યમાં થઈ શકે છે.


એક વાત નક્કી છે કે બેન્કિંગ વ્યવસ્થામાં આવનારા સમયમાં રકમની લેવડદેવડની જુદી જુદી બધી જ ચેનલમાં આપણે ઓટીપીના અવરોધનો સામનો કરવો પડશે, જે અંતે આપણા જ લાભની વાત છે.

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી