મેસેન્જરમાં મેસેજ ડિલીટ કરી શકાશે

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Nov 25, 2018, 12:05 AM IST

આમ તો, સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરતી વખતે મોટા ભાગના લોકો તેની સંભવિત અસર વિશે ખાસ વિચાર કરતા નથી. પોતે જાતે કંઈક લખીને, પોતાના નામે પોસ્ટ કરવાનું હોય તો હજી કંઈક વિચાર કરવામાં આવે, પણ જો બીજાના રેડીમેડ મેસેજીસ ફોરવર્ડ કરવાની વાત હોય તો ઘણા લોકોની આંગળી તે મેસેજ વાંચ્યા પહેલાં જ ફોરવર્ડના બટન પર પહોંચી જતી હોય છે! હમણાં ગુજરાતી અખબારોમાં ચમકેલા એક સર્વેક્ષણના તારણ મુજબ ગુજરાતમાં 10માંથી 7 લોકોની સવાર વોટ્સએપ પર કોપી-પેસ્ટ સાથે જ પડે છે. ગુડમોર્નિંગ કે ગુડનાઇટના સંદેશાઓને વાંચવાની કોઈ દરકાર લેતું નથી, ન મોકલનાર કે ન મેળવનાર, છતાં મેસેજ અચૂક ફોરવર્ડ કરતા રહે છે. ગુડમોર્નિંગ જેવા નિર્દોષ મેસેજમાં તો કોઈ વાંધો નથી આવતો, પરંતુ ઘણી વાર એવું પણ બને છે કે કોઈક મેસેજ મોકલ્યા પછી ખ્યાલ આવે કે મોકલવા જેવો નહોતો. એના ઉપાય તરીકે વોટ્સએપમાં આપણે મોકલેલા મેસેજને નિશ્ચિત સમય મર્યાદામાં પોતાને માટે અથવા બધાને માટે ડિલીટ કરવાની સગવડ થોડા સમય પહેલાં જ મળી ગઈ છે.

સોશિયલ સર્વિસીઝમાં
છોડેલું તીર પાછું વાળવાની
સગવડ ફેલાઈ રહી છે

હવે આવી જ સગવડ ફેસબુકની માલિકીની મેસેન્જર સર્વિસમાં પણ મળશે. તમને કદાચ ખ્યાલ હશે કે સાતેક મહિના પહેલાં ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે મોકલેલા મેસેજીસ ફેસબુકે ડિલીટ કર્યા હતા અને કોઈને તેની જાણ ન થાય એવી કોશિશ કરી હતી. પરંતુ વાત છાની રહી નહોતી અને મીડિયા સુધી પહોંચી ગઈ હતી.


હવે માર્ક ઝકરબર્ગ ઉપરાંત આપણે સૌ ખચકાયા વિના, મેસેન્જરમાં મોકલેલા મેસેજ ડિલીટ કરી શકીશું. એ માટેની સમય મર્યાદા 10 મિનિટ રહેશે. 10 મિનિટ પછી જો મેસેજ ડિલીટ કરવામાં આવે અને એ સામેની વ્યક્તિના ઇનબોક્સમાં પહોંચી ગયો હોય તો એ વ્યક્તિ જોઈ શકશે. વોટ્સએપની જેમ અહીં પણ મેસેજ ડિલીટ કરવામાં આવ્યો છે એવી નોંધ સૌ કોઈ જોઈ શકશે. ફેસબુકની કોશિશ એવી છે કે આ સુવિધાનો દુરુપયોગ ન થાય એ માટે ડિલીટ થયેલા મેસેજ ફેસબુકની સિસ્ટમ થોડા સમય માટે જાળવી રાખશે, જેથી એના વિશે કોઈ ફરિયાદ થાય તો તપાસમાં મદદરૂપ થઇ શકાય.


મેસેન્જરમાં મેસેજ ડિલીટ કરવાની સગવડ આ લખાઈ રહ્યું છે ત્યારે પોલેન્ડ, બોલિવિયા, કોલમ્બિયા અને લિથુઆનિયા જેવા દેશોમાં રોલ આઉટ થઇ છે પણ ઝડપથી અન્ય દેશોમાં પણ આ સગવડ મળી જાય એવી શક્યતા છે. આવનારા સમયમાં મેસેન્જરમાં નિશ્ચિત સમય મર્યાદા પછી અમુક ચોક્કસ મેસેજ કે આખા મેસેજિંગ થ્રેડ આપોઆપ ડિલીટ થાય તેવી સગવડ પણ કદાચ ઉમેરાશે, એવું જણાય છે.
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી