હવે વર્ડમાં પણ એઆઇ

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Nov 21, 2018, 12:05 AM IST

થોડા સમય પહેલાં ઇન્ટરનેટ અને ઈ-મેઇલને કારણે બિઝનેસ કમ્યુનિકેશનની દુનિયા બિલકુલ બદલાઈ ગઈ હોવાની વાતો થતી હતી. એ પછી ઇન્સ્ટન્ટ મેસેજીંગ અને ક્લાઉડ કમ્પ્યૂટિંગનો સમય આવતાં બિઝનેસની દુનિયા હજી વધુ બદલાઈ અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરેને કારણે આપણા કામકાજની પદ્ધતિઓમાં હજી મોટા ફેરફારો આવી રહ્યા છે.

માઇક્રોસોફ્ટના વર્ડ પ્રોગ્રામમાં વધુ ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે

ગયા અઠવાડિયે માઇક્રોસોફ્ટના એક્સેલ પ્રોગ્રામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ સાથે ઉમેરાયેલાં નવાં ફીચર્સની વાત કરી હતી. હવે ધાર્યા મુજબ વર્ડ પ્રોગ્રામમાં પણ કેટલાક નવા અને રોમાંચક ફેરફારો આવી રહ્યા હોવાની જાહેરાત થઈ છે. અલબત્ત, આ ફેરફારો માઇક્રોસોફ્ટ વર્ડ ઓફિસના લેટેસ્ટ વર્ઝનમાં જ મળે એ સ્વાભાવિક છે.


અત્યાર સુધી તમે કદાચ વર્ડની સ્પેલિંગ અને ગ્રામર ચેકિંગ સર્વિસનો લાભ લીધો હશે. ઇંગ્લિશમાં કંઈ પણ લખવાનું થાય ત્યારે વર્ડમાં જ સામેલ આ સર્વિસ વરદાનરૂપ સાબિત થાય છે. જોકે, તેની કેટલીક મર્યાદાઓ છે. જેમ કે કોઈ શબ્દનો સ્પેલિંગ સાચો ન હોય, પરંતુ આખા વાક્યના સંદર્ભ માટે ખોટો હોય (જેમ કે by અને buy) તો વર્ડની જૂની સ્પેલિંગ અને ગ્રામર ચેકિંગ સર્વિસ તેમાં ભૂલ હોવાનું બતાવતી નહોતી. તેના વિકલ્પ રૂપે ગ્રામરલી (www.grammarly.com) જેવી કેટલીક સરસ સર્વિસ શરૂ થઈ છે, જે લખાણના સંદર્ભો સમજીને, સ્પેલિંગની રીતે સાચા તેમ છતાં આપણા વાક્ય માટે ખોટા હોય તેવા શબ્દો પણ તારવી બતાવે છે. જોકે, તેમાં આપણે વર્ડમાંથી લખાણને કોપી કરીને ગ્રામરલીની એપમાં પેસ્ટ કરવું પડે અને સુધારેલું લખાણ ફરી વર્ડમાં લાવવું પડે છે.


ગયા વર્ષથી વર્ડના ઓફિસ 365 સબસ્ક્રાઇબર્સ માટેના વર્ડના નવા વર્ઝનમાં સ્પેલિંગ અને ગ્રામર સર્વિસને સ્થાને ‘એડિટર’ નામે એક સુવિધા ઉમેરાઈ છે. આ એક ઓનલાઇન સ્માર્ટ પ્રૂફરીડર જેવી સગવડ આપે છે અને સંદર્ભો સમજીને ભૂલો સુધારે છે. આ ફીચર આજના સમય મુજબ મશીન લર્નિંગ અને નેચરલ – લેંગ્વેજ પ્રોસેસિંગ ટેક્નોલોજી આધારિત છે.


હવે આ જ એડિટર સર્વિસ આધારિત નવાં કેટલાંક ફીચર્સ પણ વર્ડમાં ઉમેરાઈ રહ્યાં છે. તમારો અનુભવ હશે કે ઘણી વાર આપણે વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરી રહ્યા હોઈએ ત્યારે કેટલીક માહિતી હાથવગી ન હોવાને કારણે એટલો ભાગ અધૂરો છોડીને ડોક્યુમેન્ટનાે બાકીનો ભાગ પૂરો કરવા આગળ વધી જતા હોઈએ છીએ. ક્યારેક એવું પણ બને કે કેટલીક માહિતી આપણે અન્ય સહયોગીઓ પાસેથી લેવી જરૂરી હોય.


આ બંને સ્થિતિમાં વર્ડની એઆઈ આધારિત નવી સુવિધા કામે લાગશે. વર્ડમાં કોઈ પણ અધૂરી માહિતી દર્શાવવા માટે આપણે ઇંગ્લિશમાં ‘ટુડુ’ કે લેફ્ટ અને રાઇટ ડબલ એરોની વચ્ચે કંઈ પણ લખાણ લખીશું તો વર્ડ સમજી જશે કે આપણે તેમાં માહિતી ઉમેરવાની બાકી છે અને એ મુદ્દાઓ વર્ડ આપોઆપ એક ટુડુ લિસ્ટ તરીકે સાચવી લેશે.


એ જ રીતે અલગ અલગ વ્યક્તિઓ આપણી સાથે એ શેર્ડ ડોક્યુમેન્ટ પર કામ કરી રહી હોય તો ‘એટ’ નિશાની સાથે એ વ્યક્તિનું નામ લખતાં એ વ્યક્તિને એ મુદ્દાની લિંક સાથે એક ઈ-મેઇલ પહોંચી જશે અને તેને ક્લિક કરીને એ વ્યક્તિ આપણા ડોક્યુમેન્ટમાં ખૂટતી માહિતી ઉમેરી શકશે.
માઇક્રોસોફ્ટ કહે છે કે આવનારા થોડા મહિનામાં, આપણે ડોક્યુમેન્ટમાં કોઈ માહિતી ઉમેરવાની નોંધ કરી હશે તો માઇક્રોસોફ્ટનું સર્ચ એન્જિન આપણાં પોતાનાં અન્ય ડોક્યુમેન્ટ્સમાંથી સંબંધિત માહિતી સૂચવશે.
નવા ઓફિસ એન્વાયર્નમેન્ટ માટે તમે તૈયાર છો ને?

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી