જૂના એકાઉન્ટની સાફસૂફી

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Oct 24, 2018, 12:04 AM IST

હમણાં ઇન્ટરનેટની બે સૌથી મોટી કંપનીએ પોતાની સર્વિસીઝમાં યૂઝર્સનો ડેટા મોટા પાયે લીક થયો હોવાનું કબૂલ્યું છે. ફેસબુક માટે તો આ લગભગ કાયમી વાત બની ગઈ છે અને હમણાં ગૂગલે પણ સ્વીકાર્યું કે તેના અફલાતૂન છતાં, મરવા વાંકે જીવી રહેલા સોશિયલ પ્લેટફોર્મ ગૂગલ પ્લસના યૂઝર્સનો પણ ડેટા હેક થયો છે. ગૂગલે આ વાત લાંબો સમય છુપાવી હોવાનું કહેવાય છે, પણ છેવટે આ કારણ આગળ ધરીને ગૂગલે ગૂગલ પ્લસને જ કોમન યૂઝર્સ માટે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.


આમ તો આવા ડેટા હેક થવાના સમાચાર સાંભળીને આપણા પેટનું પાણી પણ હલતું નથી, એ સર્વિસીઝનો આપણે રાત-દિવસ ઉપયોગ કરતા હોઈએ છીએ. છતાં એ ધ્યાને લઈએ તો જે સર્વિસને હવે આપણે ભૂલી પણ ચૂક્યા હોઈએ એમાં પડેલા ડેટાની આપણે પરવા કરીએ એવી શક્યતા ઓછી છે. છતાં, આ દિવાળીએ જે સર્વિસીઝમાં આપણે ભૂતકાળમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય, પણ હવે તેનો આપણે ઉપયોગ બંધ કર્યો હોય એવી સર્વિસીઝને યાદ કરી કરીને તેમાંનાં એકાઉન્ટ ડિલીટ કરવા થોડો સમય ફાળવવા જેવો છે.


યાહૂ કે રીડીફમેઇલ જેવી જૂની મેઇલ સર્વિસ, હવે લગભગ ભૂલાઈ ગયેલી વિવિધ સોશિયલ સાઇટ્સ અથવા બીજી કોઈ વેબસાઇટ જેમાં માત્ર ખપ પૂરતું કામ પાર પાડવા (જેમ કે કશુંક ડાઉનલોડ કરવા) એકાઉન્ટ ખોલાવ્યું હોય તો તેને શોધીને ડિલીટ કરવું હિતાવહ છે.
એક સમયે ફેસબુકની હરીફ ગણાતી ‘માય સ્પેસ’ નામની સોશિયલ સાઇટ હવે લગભગ ભૂલાઈ ગઈ છે, પણ એક બે વર્ષ પહેલાં તેના બહુ મોટી સંખ્યામાંના યૂઝર્સનો ડેટા – પાસવર્ડ, યૂઝરનેમ, ઇમેઈલ એડ્રેસ વગેરે બધું જ હેક થઈને ઓનલાઇન વેચાવા મૂકાયું હતું. આવી રીતે આપણો જૂનો ડેટા પણ આપણને અત્યારે નુક્સાન કરી શકે છે.


એટલે શક્ય હોય ત્યાં સુધી હવે તમે જે એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા ન હો, તેની વિગતો શોધીને તેમાંનો ડેટા ડિલીટ કરી, એકાઉન્ટ પણ ડિલીટ કરવાનો પ્રયાસ કરો.
આ કામ મુશ્કેલ છે, કારણ કે જેનો હવે ઉપયોગ જ ન કરતા હોઈએ તેના યૂઝરનેમ-પાસવર્ડ વગેરે બધું હવે ભૂલાઈ ગયું હોય. જો તમે લાંબા સમયથી એક જ ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેમાં જૂની સર્વિસનાં નામ યાદ કરીને સર્ચ કરી જુઓ. શકય છે તમને તેની થોડી વિગતો મળી આવે, જેના આધારે તમે તમારા એકાઉન્ટ સુધી પહોંચી શકો.


જૂની તમામ સર્વિસ શોધીને, તેમાં ફરી એક્સેસ મેળવીને ડેટા અને એકાઉન્ટ ડિલીટ કરવાનું કદાચ શક્ય ન પણ બને. તો બહુ ચિંતા કરવાની જરૂર નથી, પણ બની શકે કે જૂની સર્વિસીઝમાં તમે અત્યારના ઈ-મેઇલ એડ્રેસ અને તેના જ પાસવર્ડનો ઉપયોગ કર્યો હોય. ઘણા લોકો એક જ પાસવર્ડનો જુદી જુદી સર્વિસમાં ઉપયોગ કરે છે અને લાંબા સમય સુધી એ પાસવર્ડ ન બદલવાની ભૂલ પણ કરે છે – તમે આવી ભૂલ, ભલે ભૂતકાળમાં, કરી હોય તો અત્યારે જ તેને સુધારી લો અને જેનો અત્યારે સૌથી વધુ ઉપયોગ કરો છો તે સર્વિસીઝનો પાસવર્ડ નિયમિત રીતે બદલવાની ટેવ પાડો. એટલું કરશો તો પણ, જૂની સર્વિસીઝમાંનો ડેટા ચોરાશે તોય હેકર્સ તમને નુક્સાન કરી શકશે નહીં.

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી