આઇફોનનાં 11 વર્ષ

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Oct 21, 2018, 01:03 PM IST

અગિયાર વર્ષ પહેલાં, સ્ટીવ જોબ્સ અને તેની એપલ કંપનીએ દુનિયાને આઇફોનની ભેટ
આપી હતી. ત્યારથી આજ સુધીમાં આઇફોન અને તેની ઓપરેટિંગ સિસ્ટમ્સમાં નોંધપાત્ર ફેરફારો આવ્યા છે અને આ સમય દરમિયાન આઇફોને સ્માર્ટફોન ટેક્નોલોજીમાં કેટલાય એવા નવા માઇલસ્ટોન રચ્યા, જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી, પણ હવે એ આપણા જીવનનો કાયમી હિસ્સો બની ચૂક્યા છે!

આ 11 વર્ષમાં એપલે આપણને એનિમેટેડ ઇમોજી સહિતની અનેક મજાની ભેટ આપી છે

જેમ કે અત્યારે આપણે કોઈ પણ ઇમેજને અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી સહેલાઇથી ઝૂમ-ઇન કે ઝૂમ-આઉટ રી શકીએ છીએ, એ સુવિધા છેક 2007માં પહેલી વાર આઇફોનમાં જોવા મળી હતી! એ જ રીતે અત્યારે સ્માર્ટફોનની જેના વિના કલ્પના પણ થઈ શકતી નથી, એ એપ્સની શરૂઆત જુલાઈ 2008માં આઇફોન માટેના એપ્સ સ્ટોરથી થઈ. એપ્સ તો એ પહેલાં પણ હતી પણ યૂઝર્સ સહેલાઇથી એપ્સ પસંદ કરીને ડાઉનલોડ કરી શકે એવી વ્યવસ્થા આ એપ્સ સ્ટોરથી શરૂ થઈ.


આઇફોનની બીજી એક જબરદસ્ત વિશેષતા છે તેનો ડિસ્પ્લે. એપલે તેને ‘રેટિના ડિસ્પ્લે’ નામ આપ્યું. આઇફોન 4એસમાં રેટિના ડિસ્પ્લેની રજૂઆત થઈ ત્યારે એ સમયના અન્ય ડિસ્પ્લે કરતાં તેમાં લગભગ ચાર ગણી પિકસેલ ડેન્સિટી હતી. હવે તો આઇફોન એક્સઆર સાથે એપલે ‘લિક્વિડ રેટિના ડિસ્પ્લે’ રજૂ કર્યા છે.


સ્માર્ટફોન આવ્યા પછી આપણું રોજબરોજનું કામ ઘણું સહેલું બન્યું છે પરંતુ તેની બહુ મોટી કિંમત આપણે ચૂકવી રહ્યા છીએ. સ્માર્ટફોન આપણને વધુમાં વધુ અનુકૂળ કે ઉપયોગી માહિતી કે સર્વિસ આપી શકે છે, તેના મૂળમાં એ જ વાત છે કે તે આપણો વધુમાં વધુ ડેટા મેળવે છે. સ્માર્ટફોનમાં વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આવ્યા પછી આપણો ડેટા મેળવવાનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે. એની શરૂઆત પણ આઇફોન 4થી એપલે કરી અને દુનિયાને સિરીની ભેટ આપી.


હવે તદ્દન સામાન્ય બજેટ સ્માર્ટફોનમાં પણ ફિંગરપ્રિન્ટ સ્કેનરની સગવડ મળી ગઈ છે. તેની શરૂઆત એપલે આઇફોન ૫એસમાં ‘ટચઆઇડી’ સાથે કરી હતી. એ જ રીતે, આપણો ચહેરો પારખીને સ્માર્ટફોન અનલોક થઈ જાય તેવી ‘ફેસઆઇડી’ની સુવિધા પણ એપલે આપી.
આ સિવાય ડીએસએલઆર કેમેરા જેવી બ્લર્ડ બેકગ્રાઉન્ડ ઇફેક્ટ આપતા ફોટોગ્રાફ, ઘણાને ગમતો અને ઘણાને બિલકુલ ન ગમતો સ્ક્રીન પરનો ‘નોચ’, એનિમેટેડ ઇમોજી વગેરે જુદી જુદી ઘણી વિશેષતા પણ એપલની જ દેન છે!


સ્ટીવ જોબ્સ દ્વારા સ્થાપિત અને તેમના નેતૃત્વ હેઠળ સંચાલિત એપલ કંપની સતત ઇનોવેશનમાં માને છે. આઈફોને લગભગ દર વર્ષે કંઈક ને કંઈક નવું લોન્ચ કર્યું છે. ગ્રાહકોને તેનું આ નાવિન્ય ખૂબ જ આકર્ષતું હોય છે. આઈફોન ખૂબ જ સફળ રહ્યા છતાં તેના એક પછી એક મોડલ માર્કેટમાં આવતા રહ્યા છે અને નવા નવા ટ્રેન્ડ સર્જાતા રહ્યા છે.
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી