પેપર છતાં ડિજિટલ!

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Oct 17, 2018, 07:24 PM IST

આખી દુનિયામાં ઇન્ટરનેટનું ચલણ વધ્યું અને લોકોને પીસી અને મોબાઇલ બંને માટે અગાઉ કરતાં ઘણું વધુ વિસ્તૃત કવરેજ અને વધુ ઝડપી ઇન્ટરનેટ કનેક્શન મળવા લાગ્યું, એ સાથે આખી દુનિયા જે રીતે કામ કરે છે એમાં પણ મોટાં પરિવર્તનો આવવા લાગ્યાં. પહેલો ફેરફાર એ થયો કે લોકો પોતાના કામકાજની ફાઇલ્સ ક્લાઉડમાં સ્ટોર કરવા લાગ્યા, જેથી તેઓ જ્યારે ઇચ્છે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે સાધનમાં પોતાની ફાઇલ એક્સેસ કરીને તેમાં કામ કરી શકે. ગૂગલ ડ્રાઇવ, વનડ્રાઇવ, ડ્રોપબોક્સ વગેરે તેનાં સૌથી જાણીતાં ઉદાહરણો છે.


બીજો ફેરફાર એ થયો કે ક્લાઉડ કમ્પ્યૂટિંગને કારણે એક જ ફાઇલ પર, એકસાથે એકથી વધુ લોકો કામ કરી શકે એવું શક્ય બન્યું. ક્લાઉડ કમ્પ્યૂટિંગને કારણે ‘કોલાબોરેટિવ’ એટલે કે સહિયારી રીતે કામ કરવાનું શક્ય બન્યું. જો આપણી ફાઇલ ઉપર જણાવેલી કોઈ પણ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસમાં સેવ કરેલી હોય અને તેને મિત્રો કે કલીગ્સ સાથે શેર કરીએ, તો સૌ કોઈ પોતપોતાની રીતે એક જ સમયે એ એક જ ફાઇલ પર કામ કરી શકે છે. સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનો યૂઝરબેઝ બહુ મોટો હોવાથી સ્વાભાવિક છે કે લોકો ક્લાઉડ સ્ટોરેજ કે શેર્ડ વર્કિંગ માટે ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ડોક્સ કે સ્પ્રેડશીટ જેવી સર્વિસ પર પસંદગીનો કળશ ઢોળે. આ સર્વિસીઝ બહુ જ સારી છે, પરંતુ તેના બીજા ઘણા સારા વિકલ્પો પણ ઉપલબ્ધ છે.


જેમ કે ડ્રોપબોક્સમાં ઉપલબ્ધ ‘પેપર’ નામની સર્વિસ (https://paper.dropbox.com). ડ્રોપબોક્સનો મૂળ કન્સેપ્ટ સ્ટોરેજ સર્વિસ આપીને ફાઇલ્સનું શેરિંગ સહેલું બનાવવાનો છે. જો તમારો હેતુ એક ટીમના અલગ અલગ સભ્યો કોઈ એક પ્રોજેક્ટ પર બહુ સહેલી રીતે આઇડિયાઝની આપ-લે કરી શકે અને એ પ્રોજેક્ટ સંબંધિત તમામ પ્રકારની માહિતી એક જગ્યાએ એકઠી કરી શકે એવી ગોઠવણ કરવાનો હોય, તો ગૂગલ કે વન ડ્રાઇવ કરતાં ડ્રોપબોક્સની પેપર સર્વિસ તમારા માટે વધુ ઉપયોગી થઈ શકે છે.


ડ્રોપબોક્સના ફ્રી એકાઉન્ટ સાથે આ પેપર સર્વિસનો મફત લાભ લઈ શકાય છે. પેપરમાં આપણે વર્ડ કે ગૂગલ ડોક્સ જેવા એક ડોક્યુમેન્ટમાં કામ કરી શકીએ છીએ અને તેમાં ટેકસ્ટ ઉપરાંત વીડિયો, ઇમેજીસ, કોડ, સાઉન્ડ, ટ્વીટ, ટેબલ, ટુ-ડુ લિસ્ટ વગેરે લગભગ કંઈ પણ બહુ સહેલાઈથી એમ્બેડ કરી શકીએ છીએ. તમે ટીમમાં કામ ન કરી રહ્યા હો અને ફક્ત પોતાના માટે કોઈ પ્રોજેક્ટ માટે રિસર્ચ કરી રહ્યા હો તો તેને સંબંધિત વિવિધ પ્રકારની ઇન્ફર્મેશન એક સ્થળે એકઠી કરવા માટે પણ આ સર્વિસ તમને ઉપયોગી થઈ શકે છે.
એ સિવાય ગૂગલ ડોક્સમાં હવે ઘણાં ફિચર્સ ઉમેરાયાં હોવાથી તે પ્રમાણમાં હેવી બનવા લાગી છે. પેપર તેની સરખામણીમાં ઘણી લાઇટવેઇટ છે. ઇન્ટનેટનો અલગ પ્રકારે લાભ લેવો હોય તો આ પેપર પર હાથ અજમાવવા જેવો
છે!

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી