વૉટ્સએપનો ડેટા બેકઅપ હવે ક્યાં કરશો?

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Sep 23, 2018, 12:05 AM IST

દસેક વર્ષ પહેલાં, તમને કોઈએ મહત્ત્વનો ઈ-મેઇલ જીમેઇલ દ્વારા મોકલ્યો હોય અને તમે તેને ફરી જોવા માગતા હો તો એ શક્ય છે. પણ વાત વોટ્સએપની હોય ત્યારે એ એટલી સહેલી નથી. વોટ્સએપમાં, કંપની પોતે સ્પષ્ટ રીતે કહે છે કે તે કોઈ જ પ્રકારનો ડેટા સાચવતી નથી. એક વ્યક્તિએ મેસેજ મોકલ્યો અને બીજી વ્યક્તિના વોટ્સએપમાં તે ડિલિવર થયો એટલે કંપનીના સર્વર પરથી તે ડીલીટ થાય. જો મેસેજ 30 દિવસ સુધી બીજા છેડે ન પહોંચે (એટલા દિવસ સુધી સામેની વ્યક્તિ ઓનલાઇન ન થાય) તોપણ એ અનડિલિવર્ડ મેસેજ 30 દિવસ પછી ડીલીટ થાય. આપણી વોટ્સએપ ચેટ માત્ર આપણા ફોનમાં જ સચવાય છે.

તમે જાણો છો?ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ સંબંધિત
મોટા ફેરફાર આવી રહ્યા છે

આથી, વોટ્સએપમાં આપણા ડેટાને સાચવવાની જવાબદારી આપણા માથે છે. અલબત્ત, આપણા વોટ્સએપ ડેટાનો આપોઆપ, રોજેરોજ બેકઅપ લેવાતો હોય છે, જે આપણા ફોનની મેમરીમાં સચવાતો હોય છે. એ ઉપરાંત, તમે ઇચ્છો તો તમારા ગૂગલ ડ્રાઇવ એકાઉન્ટની મદદથી, ગૂગલ ડ્રાઇવમાં તમે ઇચ્છો તેવી નિયમિતતાથી તેનો બેકઅપ લઈ શકો છો (આઇફોનધારકો આઇક્લાઉડમાં અને વિન્ડોઝફોનધારકો વનડ્રાઇવમાં બેકઅપ લઈ શકે છે). આ રીતે ક્લાઉડ સર્વિસમાં બેકઅપ હોય તો ફોન બદલતી વખતે આપણે નવા ફોનમાં તેને રીસ્ટોર કરી શકીએ છીએ.


હવે આ ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ સબંધિત એક મોટો ફેરફાર આવી રહ્યો છે. નવેમ્બર 12, 2018થી ગૂગલ ડ્રાઇવમાંનો આપણો વોટ્સએપનો બેકઅપ ડેટા, ગૂગલની 15 જીબીની સ્ટોરેજ લિમિટમાં ગણતરીમાં લેવાશે નહીં. તમે વોટ્સએપમાં કશું ડીલીટ કરતા ન હો અને વિડિયો સહિત બધું ગૂગલ ડ્રાઇવમાં ચઢાવતા હો તો એ અત્યારે ડ્રાઇવ માટે મોટો ભાર બની શકે છે, પરંતુ વોટ્સએપ અને ગૂગલની સમજૂતીને કારણે હવે એવું થશે નહીં.


એ સાથે બીજી એક મહત્ત્વની વાત. જો તમે એકાદ વર્ષ પહેલાં ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લીધો હશે, પણ પછી તેને ક્યારેય અપડેટ કર્યો નહીં હોય તો તે એક વર્ષ પછી ડીલીટ થઈ જશે. આથી નવેમ્બર 12, 2018 પહેલાં ફરી ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લઈ લેવો જરૂરી છે. વોટ્સએપના સેટિંગ્સમાં, ચેટ્સમાં, ચેટ બેકઅપમાં આ સગવડ મળશે.
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી