જૂના ફોટા, નવા સ્વરૂપે

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Sep 05, 2018, 12:05 AM IST

દીકરી આજે ભલે કોલેજમાં પહોંચી ગઈ હોય, પણ મમ્મી-પપ્પાના મનમાં હજી પણ એનો પેલો જ ફોટો વસેલો હોય - દીકરીને પરી જેવો મજાનો ડ્રેસ પહેરાવીને સ્ટુડિયોમાં પડાવેલો ફોટોગ્રાફ.
આટલું વાંચીને તમને પણ તમારા મનમાં વસી ગયેલા જૂના ફોટોગ્રાફ્સ જોવાની કસક જાગી? તો શું કરશો? જૂની યાદો ભલે મનમાં અકબંધ હોય, એને સાચવતાં આલબમ ક્યાં હશે એ શોધવા જવું પડશે. બીજી તરફ, સ્માર્ટફોનને કારણે ફોટોગ્રાફી અને ફોટોઝનું મેનેજમેન્ટ બંને હવે એકદમ સહેલાં થઈ ગયાં છે. સહેલું એટલે કેવું? તમે એક, બે કે ત્રણ-ચાર વર્ષ પહેલાં કોઈ સ્થળે ટૂર પર ગયા હો કે કોઈનો બર્થડે ઊજવ્યો હોય, તો ફોનમાંની ગૂગલ ફોટોઝ એપ કે ફેસબુકનું નોસ્ટાલ્જિયા ફીચર બરાબર એ જ દિવસે એ દિવસોની યાદ અપાવતા ફોટોઝ આપણી સમક્ષ લાવી મૂકે. શરત એટલી કે એ ફોટો ડિજિટલ હોય અને જે તે એપમાં સ્ટોર કર્યો હોય.

ફોટોસ્કેન નામની એપથી જૂના ફોટા ડિજિટાઈઝ કરી શકાય છે, જોકે...

આજની કોલેજિયન દીકરી, ઢીંગલી જેવી હતી ત્યારનો ફોટો ડિજિટલ ન હોય. અલબત્ત, એના પણ હવે ઉપાય આવી ગયા છે. ત્રણ વર્ષ પહેલાં 2015માં ગૂગલે ‘ફોટોઝ’ નામની એપ લોન્ચ કરી (જે આજે તો ઘણા ફોનની ડિફોલ્ટ ગેલેરી એપ બની ગઈ છે અને છતાં, તેની અનેક ખૂબીઓ તમારી નજરમાં ક્લિક ન થઈ હોય એવું પણ બને!) અને તેના એક વર્ષ પછી, ફોટોસ્કેન નામની એક અલગ એપ પણ લોન્ચ કરી, જે આપણા જૂના હાર્ડ કોપીમાંના ફોટોગ્રાફ્સને સરસ રીતે ડિજિટાઇઝ કરી આપે છે.


આમ તો, આપણે ફ્લેટ સરફેસ પર જૂનો ફોટો મૂકીને ફોનના કેમેરાથી તેનો નવો ડિજિટલ ફોટો લઈ લઈએ તો ચાલે, પણ જો તમે એવું પ્રયાસ કર્યો હશે તો તમારો અનુભવ હશે કે નવા ડિજિટલ ફોટામાં ક્યાંક ને ક્યાંથી વધુ પડતી ગ્લેર આવી જાય છે.


ફોટોસ્કેન એપમાં તેનો એક જડબેસલાક ઉપાય શોધવામાં આવ્યો છે. તમે ફોટોઝ એપ ઓપન કરીને તેના સેટિંગમાં જઈને કે ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં જઈને ફોટોસ્કેન એપ ઇન્સ્ટોલ કરીને તેને પહેલી વાર ઓપન કરશો ત્યારે આ કરામત સમજાવવામાં આવશે. એ મુજબ આપણે જૂના ફોટાના સ્ક્રીન પર મધ્યમાં આપેલું એક વર્તુળ, ચાર ખૂણામાંનાં બીજાં ચાર વર્તુળ સાથે મેચ થાય એ રીતે ચાર ફોટોગ્રાફ લેવાના હોય છે. હવે એવું નક્કી બનવાનું કે આપણે લીધેલા આ ચારેય ફોટોઝમાં, દરેકમાં અલગ અલગ ખૂણે ગ્લેર આવવાની, પણ બાકીનો ભાગ બરાબર હશે. ગૂગલ ચારેય ફોટોઝમાંથી ગ્લેરવાળા ભાગ દૂર કરી, ઠીકઠાક ભાગ યથાવત્ જાળવી, ચારેય ફોટોને સુપરઇમ્પોઝ કરીને એક નવો ફોટો બનાવી આપે છે, જેમાં ગ્લેર કાં તો નહીં હોય અથવા નહીંવત્ હશે (બરાબર આ જ કરામત ગૂગલ ફોટોઝમાં જુદી જુદી ઘણી રીતે કામે લગાડવામાં આવે છે, એ જાતે શોધી જુઓ.)


અલબત્ત, જે નવો ફોટો મળે છે તેની ક્વોલિટી, એપને બે વર્ષ થયાં પછી પણ સુધરી નથી. ગૂગલે થોડા સમય પહેલાં, ચાર વર્તુળ કરવાની કસરત વિના ફોટો લઈ શકાય એવું ફીચર ઉમેર્યું છે, પણ ફોટાની ગુણવત્તા સુધારી નથી. ત્યાં સુધી તમારે ફોનની મૂળ કેમેરા એપથી લીધેલો, પણ ગ્લેરવાળો ફોટો ચલાવી લેવો કે પછી ફોટોસ્કેનથી પ્રમાણમાં નહીંવત્ ગ્લેરવાળો, પણ ઊતરતી ક્લેરિટીવાળો ફોટો સાચવવો એ નક્કી કરવું પડશે. અને હા, ગૂગલ ફોટોઝ એપમાં થોડા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેટલાંક ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે, જેને કારણે જૂના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝ પળવારમાં કલર્ડ થઈ જશે અને હમણાં લીધેલા કોઈ ક્લોઝઅપમાં વ્યક્તિનો ચહેરો, તેનાં કપડાં વગેરે કલર્ડ રહે, પણ બાકીનું બધું બ્લેક એન્ડ વ્હાઇટ રહે એવું પણ જોવા મળશે.

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી