ઈ-કૃષ્ણા : કૃષ્ણને શોધવા સહેલા છે, પામવા નહીં!

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Sep 02, 2018, 12:05 AM IST

કવિ-સાહિત્યકાર હરિન્દ્ર દવેના પુસ્તક ‘માધવ ક્યાંય નથી’માં, કૃષ્ણની શોધમાં આખું ભારતવર્ષ ભમ્યા પછી નારદને અંતે કૃષ્ણ મળે છે, પણ પ્રભાસમાં કૃષ્ણ દેહોત્સર્ગની પવિત્ર ભૂમિ પર. ત્યારે ઉદ્ધવ નારદને કહે છે કે ‘નારદ, યુગો યુગો પછી કૃષ્ણની મૂર્તિ પાસે જઈ કોઈ ભક્ત કહેશે, નારદે કૃષ્ણનાં દર્શન માટે જે તલસાટ અનુભવ્યો એ તલસાટ અમને આપો.’ આવા તલસાટ સાથે આજે કૃષ્ણનાં મુખ્ય મંદિરોની આ વેબસાઇટ્સ જોવા જેવી છે.


શરૂઆત કૃષ્ણજન્મસ્થાનથી કરીએ તો શ્રીકૃષ્ણજન્મસ્થાન સેવા સંસ્થાન દ્વારા સંચાલિત shrikrishnajanmasthan.net મથુરાના મંદિર સંબંધિત માહિતી હિન્દીમાં આપે છે, અલબત્ત, વેબસાઇટ જૂની ટેક્નોલોજી આધારિત છે.

કૃષ્ણને પામવા નાદર જેવો તસલાટ જોઈશે. ખરા કૃષ્ણ સહેલાઈથી હાથ આવતા નથી, નેટ પર પણ નહીં

દ્વારકા પહોંચીએ તો dwarkadhish.org અને pndwarka.com આ બંને વેબસાઇટ, ધર્મસ્થાનને કોર્પોરેટ કંપનીનો સાથ મળે તો કેવું સુંદર પરિણામ મળે એ સમજવા માટે પણ જોવા જેવી છે. શ્રદ્ધાળુ અને યાત્રાળુ બંનેને દ્વારકાધામ વિશે અહીં ઘણી માહિતી - વિવિધ સ્વરૂપે મળી શકે છે. અલબત્ત, બંને સાઇટ માત્ર અંગ્રેજીમાં છે.


ડાકોર તરફ વળીએ તો ranchhodraiji.org પર તમે મંદિરનાં લાઇવ દર્શનનો પણ લાભ લઈ શકો છો. અહીં ડાકોરના ઇતિહાસની વિગતો આપતું પુસ્તક અંગ્રેજી અને ગુજરાતીમાં પીડીએફ તરીકે ડાઉનલોડ કરવાની સગવડ છે.


આપણી ઇ-કૃષ્ણયાત્રાને શ્રીનાથજી તરફ વાળીએ તો અહીં સુખદ આશ્ચર્ય એ મળે કે સાઇટનો ઘણો હિસ્સો ગુજરાતી અને હિન્દીમાં પણ છે! દર્શનીય સ્થળ વિભાગમાં તસવીરોથી ગિરિરાજની પરિક્રમાનો આનંદ લઈ શકાય છે.


જેમ કૃષ્ણ મૂર્તિ ઉપરાંત કણ કણમાં વસ્યા છે એમ ઇન્ટરનેટ પર જાણીતાં કૃષ્ણમંદિરો ઉપરાંત અનેક સાઇટ્સ, એપ પર કૃષ્ણ ધબકે છે. કૃષ્ણ ભજનો, ભક્તિ ગીતો (લિખિત કાવ્યો ઉપરાંત, સ્વર અને સંગીતબદ્ધ ગીતો પણ ખરાં), ગીતાના તમામ અધ્યાયો અને તેના અનુવાદો, કૃષ્ણ વિશેના વિવિધ લેખો, પ્રવચનો, કૃષ્ણમિમાંસા... તમે ફક્ત અંગ્રેજી, હિન્દી કે ગુજરાતીમાં કૃષ્ણ, શ્રીકૃષ્ણ જેવું કંઈ પણ સર્ચ કરો અને કૃષ્ણ અનેક સ્વરૂપે પ્રકટ થઈ જશે!


બસ, કૃષ્ણને પામવા માટે નાદર જેવો તસલાટ જોઈશે, કેમ કે ખરા કૃષ્ણ સહેલાઈથી હાથ આવતા નથી, ઇન્ટરનેટ પર પણ નહીં.
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી