Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

એમિલિયા છોકરી જ એવી જાલીમ હતી, તેનાંથી બચવું હોય તો ભારે સભાન રહેવું પડે

  • પ્રકાશન તારીખ30 Jul 2018
  •  

પ્રકરણ – 17

કાળાશ પડતાં અણઘડ પથ્થરો જડેલી કમ્પાઉન્ડ વોલ, ટેકરીનો ઢોળાવ કાપીને સમથળ કરેલી જમીન પર આડેધડ ઊગી નીકળેલાં જંગલી વેલા, ગોળાકારમાં હારબંધ ફેલાયેલા પીપળા, બદામડી, રાયણ અને શેતુરના ઝાડ, વચ્ચે પગદંડીની આસપાસ સફાઈપૂર્વક કોરેલા માટીના ક્યારામાં પારિજાત, ડોલર, રાતરાણી, મોગરાના છોડ. કાળી માટીમાં પથ્થર જડીને બનાવેલી સહેજ ઢાળ ચડતી ખાસ્સી પહોળી પગદંડી અને પગદંડીની સમાંતરે એટલી જ પહોળી માટીની કાચી સડક...


પહેલી વાર ઈરમા મૅક્લિન એસ્ટેટ પર આવી ત્યારે સહ્યાદ્રીના નિતાંત સુંદર આહ્લદથી બેહદ ચકિત થઈ ગઈ હતી. આર્થરે બહુ જ રોચક જગાએ આ એસ્ટેટ વસાવી હતી.
અનુચરો બગીઓમાં લાદેલો સામાન મકાનમાં ગોઠવી રહ્યા હતા ત્યારે ઈરમા નાનકડાં દીકરાને તેડીને આખા ય કમ્પાઉન્ડમાં ફરી વળી. ઉબડખાબડ ઢેફાળી જમીન પર સમતુલા જાળવવા તેણે સેન્ડલ પણ કાઢી નાંખ્યા. ખાસ્સી મોટી પહોળાઈમાં પથરાયેલી એસ્ટેટના છેવાડે આર્થરે બે મજલાનું મકાન બંધાવ્યું હતું.


બિલકુલ સ્કોટિશ હાઈલેન્ડ શૈલીમાં ચાર વિશાળ થાંભલા પર ઉપરના મજલે મોટો ઝરુખો, નીચેના મજલે ગોળાકાર પગથિયા ચડીને આવકારો દેતી લાંબી પરસાળ. પરસાળમાંથી ડ્રોઈંગ રૂમમાં જવાતું. ડ્રોઈંગરૂમમાં દરવાજાની બરાબર સામે જ ફાયરપ્લેસ. અહીંનું રાચરચીલું સ્કોટિશને બદલે નવાબી શૈલીનું હતું. દિવાલને અઢેલીને જમીનથી જરાક ઊંચી નરમ ગાદલા પાથરેલી બેઠક, રંગીન કિનખાબના ગલેફ પર આભલાં મઢેલાં તકિયા, ત્રણ દિશાએ ખૂલતી સિસમની આલિશાન બારીઓમાંથી ઓરડાને ઝળહળ કરતો ઉજાસ. લાકડાના પીઢિયા અને પાટિયા જડેલી ઊંચી છત માથે લટકતાં ત્રણ સેરના ઝુમ્મર-હાંડી.

રવેશની બરાબર સીધમાં જ આડશ તરીકે ઊંગાડેલા કાંટાળા થોરની પાછળ ખીણ શરૂ થઈ જતી હતી. અલ્લડ, બેપરવા છોકરી જાણે લીલીછમ ચુંદડી પહેરીને કિલકારી કરતી ઢાળ ઉતરી રહી

દિવાનખંડને અડીને બે મોટા ઓરડા, બહાર પરસાળમાંથી ઉપરના મજલે જતો પથ્થરનો દાદર. કોતરેલા સાગના નકશીદાર કઠેડા ફરતા લોખંડના સળિયા ગૂંથેલો ઝરૂખો. અંદરની તરફ બે વિશાળ ઓરડા. એક ઓરડામાં આર્થરની ફોજના શસ્ત્રો, ગણવેશ, ઘોડાઓનો સામાન રખાતો અને બીજો ઓરડો આર્થર બરોબરીના મહેમાનોને ઉતારા માટે આપતો. ઈરમા સપાટાભેર આખીય એસ્ટેટમાં ઘૂમી વળી. બંગલામાં ય એક એક ખૂણે તેણે ફરી લીધું. સૌથી વધુ તેને ગમ્યો ઉપરના મજલાનો પાછળનો રવેશ. તેણે બારી ખોલી એ સાથે તેનાં મોંમાંથી આહ્લાદભર્યો ચિત્કાર સરી પડ્યો.


રવેશની બરાબર સીધમાં જ આડશ તરીકે ઊંગાડેલા કાંટાળા થોરની પાછળ ખીણ શરૂ થઈ જતી હતી. અલ્લડ, બેપરવા છોકરી જાણે લીલીછમ ચુંદડી પહેરીને કિલકારી કરતી ઢાળ ઉતરી રહી હોય એવી નયનરમ્ય ખીણમાં વહેતી નદી, નદીના ઉન્માદક ધ્વનિથી દોડી આવ્યા હોય એવા તોરીલા પહાડો, નદીને પામવાની પહાડોની અભિપ્સા તાણીને નદીમાં જ ઠાલવતા નાના-મોટાં સેંકડો ઝરણા અને ચોમેર નજર પહોંચે ત્યાં સુધી પથરાયેલો મૂગો, લીલોછમ કલશોર....
ઈરમા આભી બનીને જોઈ જ રહી. ખીણની દિશામાં મોં ફેરવીને તેણે હળવો સાદ દીધો, હેલ્લો....


જાણે પહાડોને પ્રાણ ફૂટ્યો હોય તેમ વળતો અવાજ પડઘાયો, હેલ્લો... હેલ્લો.... હેલ્લો...
જવાન તરુણીની જેમ ઈરમા ખીલી ઊઠી. તેણે ફરીથી સાદ દીધો, આર્થર.....
પહાડોની કાળમીંઢ ભીષણતા સાથે અથડાઈને ખીણની અડાબીડ ઊંડાઈએ પછડાયેલો અવાજ ફરી પડઘાયો... આર્થર... આર્થર... આર્થર...!
રોમાંચિત થઈ ઊઠેલી ઈરમાને લાગ્યું કે ખરેખર જો સ્વર્ગ ક્યાંય હોય તો બસ, અહીં જ છે!


*** *** ***
એડિનબર્ગથી લંડન સુધી આખાય રસ્તે ઈયાન ડગ્લાસ વિશે, તેના અન્ય ખાસ દોસ્તો વિશે અને ખાસ તો તેણે બિઝનેસમાં કરેલી મસમોટી ભૂલો વિશે કહેતો રહ્યો.
‘હી વોઝ જિનિયસ ઈન્ડીડ બટ સોરી ટુ સે...’ તેણે સહેજ ખચકાઈને ઉમેર્યું, ‘છોકરીઓના મામલે એ સાચે જ બેવકૂફ બનતો હતો’
‘યુ નીડ નોટ ટુ બી હેઝિટેટેડ...’ વિલીને ય લાગતું હતું કે ઈયાન સ્પષ્ટપણે જે કંઈ હોય એ ખૂલીને બોલવો જોઈએ. હવે ડગ્લાસે કરેલી ખણખોદનું પગેરું દબાવવું અનિવાર્ય હતું, અને એ માટે ડગ્લાસની માનસિકતા, તેની આસપાસના લોકો વગેરેને સમજવા બહુ જ જરૂરી હતા.
જેમ્સ પણ પાછલી સીટમાં ત્રાંસો બેસીને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો.


‘મેં કેટલીય વાર તેને વાર્યો હતો. છોકરીઓ તેના ખર્ચે તાગડધિન્ના કરીને જતી રહેતી હતી. ઈટ વોઝ ઓકે... મોજમજાની ય એક જગા હોય છે જિંદગીમાં, મેં પણ ઓછી મજા નથી કરી, પણ તેનું એક સ્તર હોય છે અને એક બાઉન્ડ્રી ય હોય છે, જે આપણે જ આંકવી પડે. ડગ્લાસને એવી કોઈ જ હદ ગમતી નહિ, રાધર એ કદી હદ વિશે વિચારતો જ નહિ’
‘એમાં એમિલિયા આપણને શી રીતે મદદરૂપ થઈ શકે?’ ડગ્લાસની કહાનીમાંથી ઉપસતાં જતાં એક-એક પાત્રોને મનોમન ક્યાસ કાઢતા જતા જેમ્સે પૂછ્યું.
‘એઝ આઈ ટોલ્ડ યુ, એક સમયે એમિલિયા ડગ્લાસની ખાસમખાસ હતી. કહો કે, અમારા બિઝનેસની બેહદ ઝડપી પ્રગતિનું પહેલું કારણ ડગ્લાસની સ્ટ્રેટેજી અને મારી મહેનત હોય તો બીજું કારણ એમિલિયા હતી.’


‘એ કેવી રીતે?’ વિલીએ પૂછ્યું, ‘વોઝ શી ધેટ મચ એફિશિયન્ટ?’
‘એફિશિયન્ટ તો નહિ...’ ઈયાને સૂચક સ્મિત વેર્યું, ‘ઓર લેટ મી સે, શી વોઝ હાઈલી એફિશિયન્ટ એટ હર સ્કિલ...’
તેની આંખોમાં ગરમાવો ધસી આવ્યો અને સ્ટિયરિંગ ફરતા વિંટળાયેલા હાથમાં ખણ ઉપડી ગઈ. એમિલિયા છોકરી જ એવી જાલીમ હતી, તેનાંથી બચવું હોય તો ભારે સભાન રહેવું પડે.
એમિલિયાનો ય એક જમાનો હતો.


બાવીશ જ વર્ષની એ ફૂટડી છોકરી વોર્વિકશાયરથી જ્યારે લંડન આવી ત્યારે તેની પાસે આમ તો કશું જ ન હતું, પણ એ સિવાય ઘણું બધું હતું, અને તેના જોર પર જ એ મુસ્તાક હતી.
જેટલી કામણગારી હતી એટલી જ ઉસ્તાદ હતી. શરીરના એક એક વળાંક અને આંખના એક એક ઉલાળાનું મૂલ્ય એ બરાબર જાણતી હતી. વોર્વિકશાયરથી એ લંડન આવી ત્યારે જ તેનો એજન્ડા સ્પષ્ટ હતો. જિંદગી માણવા માટે છે,

સંબંધોમાં બંધાઈને વેતરાઈ જવા માટે નહિ. દરેક સંબંધને એ ઉપયોગિતાના ત્રાજવે તોળવા ટેવાયેલી હતી. ફાયદો ન થતો હોય તો એ એક સ્મિત સુદ્ધાં ફોકટમાં વેરવા તૈયાર ન હતી, અને તગડો લાભ મળતો હોય તો તેને કશાંનો છોછ પણ ન હતો. પ્રગતિની સીડી સડસડાટ ચઢી જવા માટે લંડનની હાઈપ્રોફાઈલ સોસાયટી તેને બહુ જ અનુકૂળ લાગી. શરૂઆતમાં જ તે એક પાર્ટીમાં ડગ્લાસના સંપર્કમાં આવી. ડગ્લાસ એ સમયે તાજો જ પત્નીથી છૂટો થઈને વધુ ઉચ્છૃંખલ, બે-લગામ બની રહ્યો હતો. ડગ્લાસે એમિલિયાને જોઈ... અને બસ, જોતો જ રહી ગયો.
*** *** ***


‘જો તને આ સ્વર્ગ લાગતું હોય તો ખરું સ્વર્ગ તેં હજુ જોયું નથી...’ એ સાંજે મૅક્લિન એસ્ટેટના વરંડામાં તાપણું જલાવીને મિજલસ જામી હતી. ઈરમાની સંગતમાં આર્થર બદલાયો હતો અને આર્થરના કારણે મૅક્લિન એસ્ટેટનો માહોલ પણ બદલાઈ ચૂક્યો હતો. દિવસોથી આર્થર અહીં આવીને આસપાસના વિસ્તારોમાં દડમજલ કરી રહ્યો હતો. કોંકણની દખ્ખણ ઘાટીમાં મરાઠાઓએ બ્રિટિશ ચોકી ઉખેડી નાંખી હતી અને બ્રિટિશ ફોજ માટે પ્રવેશબંધી ફરમાવી દીધી હતી. આર્થરે પેશ્વાને મૌખિક રાવ કરી પણ લુચ્ચો પેશ્વા રાઘોબા શી ખબર, આ વખતે દાદ આપતો ન હતો. નાછૂટકે આર્થર ખુદ અહીં સવારી લઈ આવ્યો હતો.


તાત્કાલિક જવું પડે એમ હતું એટલે ત્યારે તો ઈરમા સાથે ન જોડાઈ, પણ આર્થર પહોંચ્યો તેના બેએક અઠવાડિયે આખરે તેણે ય કાફલો તૈયાર કર્યો અને સવા વર્ષના માસુમ દીકરાને લઈને અહીં આવી ચડી. ચોમાસુ હજુ સાવ ઓસર્યું ન હતું અને શિયાળો હજુ ઠાર જમાવીને બરાબર બેઠો ન હતો. ઋતુઓના એવા સંધિકાળે સહ્યાદ્રીની વનરાજી ફાટાફાટ થતી હતી.
એ સાંજે ઈરમાને ખુશ કરવા આર્થરે ખાસ ગામડાંઓમાંથી લાવણી નૃત્યવૃંદને તેડાવ્યા હતા. ઢોલની થાપ પર ઘેરાતી રાતે મૅક્લિન એસ્ટેટના ચોગાનમાં પરંપરાગત મરાઠી નૃત્યની છોળ ઊડતી રહી. હિન્દુસ્તાની માટીની અસલી મહેંકથી અભિભૂત થયેલી ઈરમા વૃંદની છોકરીઓ સાથે તાલ મિલાવતી નાચતી રહી.


મોડે સુધી ચાલેલો એ જલસો સમેટાયા પછી એસ્ટેટની પછીતે ખુલ્લા આકાશ નીચે પાથરેલા સીસમના વિશાળ ઢોલિયા પર આર્થર અને ઈરમાનો અનંગ છેડાયો.
‘કેમ, મને ખરું સ્વર્ગ બતાવવાની એટલી બધી ઉતાવળ છે?’ ઠંડા ઓશિકાને બાથમાં દબાવતાં ઈરમાએ બનાવટી છણકો કર્યો.
‘એક વાર જોયા પછી મને કહેજે... શિકાર માટે એ મારી ફેવરિટ જગ્યા છે. એટલી સરસ જગ્યા તેં ઈંગ્લેન્ડમાં પણ ક્યાંય જોઈ નહિ હોય’
‘આઈ સી...’ અહીં આવીને ઈરમા બેહદ ખુશખુશાલ હતી. આર્થરનો સંગાથ, અહીંની નૈસર્ગિક નજાકત અને ઈંગ્લેન્ડની રાણી ય કદી ન વિચારી શકે એવી સ્વપ્નશીલ દુનિયામાં સદેહે રાચવનો આનંદ... એ સાતમા આસમાને વિહરી રહી હતી.


‘કાલે સવારે આપણે નીકળીએ. અવકળી અને જાવળીની પહાડીઓ પર એ અદભૂત જગા આવેલી છે. ત્યાં સુધી પહોંચતા અડધા દિવસ જેટલો સમય લાગશે. જઈશું ને?’
‘છેક કાલે સવારે?’ ઈરમા આંખો ઉલાળીને તેની તરફ જોઈ રહી, ‘અત્યારે કેમ નહિ?’
‘કારણ કે...’ આર્થરે બાવડું ઝાલીને તેને બાથમાં ખેંચી, ‘અત્યારે તો મારી સોનપરીના કેફમાં તરબોળ થવાનો સમય છે અને મારું સ્વર્ગ તો એમાં જ છે...’
તેણે ઈરમાના હોઠ પર આહ્લાદભર્યું ચૂંબન કર્યું. ક્યાંય સુધી બંને આલિંગનમાં એમ જ સાયુજ્યથી ગુંથાયેલા રહ્યાં. ધીમે ધીમે ઈરમાના નિરાવૃત તંગ વળાંકોની ધાર પરથી લપસતા આર્થરના હાથની ભીંસ વધવા લાગી અને તારલે મઢ્યું આકાશ ઈરમાની બંધ આંખોની ભીતર છવાઈ ગયું.


ક્યાંય સુધી સહ્યાદ્રીની ગોદમાં અફાટ આકાશની નીચે ધસમસતી નદીની સાખે બેયનો પ્રણય કલશોર કરતો રહ્યો અને તેના માદક ઉંહકારા ખીણનો ઢાળ ઉતરતા પડઘાઈ રહ્યા.
રૂંવેરૂંવે તરબોળ થયા પછી બેય છૂટા પડ્યા.
આર્થરે ઢોલિયા પરથી ઉતરીને આરામખુરશીમાં બેઠક જમાવી. વ્હિસ્કીનો એક મોટો ઘૂંટ ગળા નીચે ઉતારીને હિન્દુસ્તાની ગડાકુ ઠાંસેલી ચિલમ પેટાવી.
ઈરમાએ વસ્ત્રો સંકોર્યા. તેનાં ચહેરા પર ગજબ ચમક હતી. ઐહિક તૃપ્તિ અને એથી ય વિશેષ તો ગમતીલા માહોલમાં મનગમતાં પુરુષના સહવાસની એ સંતૃપ્તિ હતી. કવિતાઘેલી ઈરમાને સ્વર્ગનો અહેસાસ કરાવતી એ મધૂર ક્ષણોએ પણ મિલ્ટનની કાવ્યપંક્તિઓ જ સૂઝી. એ ધીમા અવાજે ગણગણી રહી હતી અને આર્થર મંદ સ્મિતભેર હવામાં ધૂમાડો ઊડાડતો તેને જોઈ રહ્યો હતો.


A mind not to be changed by place or time
The mind is its own place, and in itself
Can make a heaven of hell, a hell of heaven
(મનને ક્યાં નડે છે કોઈ સ્થળ કે કાળના બંધન? એ તો પોતાની અંદર જ શ્વસે છે અને પોતે જ સ્વર્ગને નર્ક કે પછી નર્કને સ્વર્ગ બનાવી શકે છે)
ઈરમાના મધુરા કંઠે ગવાતી એ પંક્તિ અંધારી રાતે સાંભળીને સહ્યાદ્રીની ધાર જાણે ચોધાર બનીને ખીણમાં પછડાઈ રહી હતી.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP