Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

એ ઓરતનો ચહેરો મને ઊઘાડી આંખે પણ છળાવી દે છે

  • પ્રકાશન તારીખ29 Jul 2018
  •  

પ્રકરણ – 16

ઈયાનના ઓચિંતા આગમનથી વિલી ચોંકી ગયો હતો. ઓરડામાં પ્રવેશીને ઈયાને જૂનવાણી ડાઈનિંગ ટેબલની એક ખોડંગાતી ખુરશી ખેંચીને બેઠક જમાવી દીધી હતી. જેમ્સે બિલકુલ શાલીન રીતે તેની સાથે હાથ મિલાવ્યા હતા. એ બંને નાસ્તાની તૈયારીમાં લાગ્યા એટલી વાર ઈયાને ઓરડાનું નિરીક્ષણ કરવા માંડ્યું હતું.


ડાઈનિંગ ટેબલ પર પડેલી પ્લાસ્ટિકની મોટી કોથળીમાં વધેલી રાતના ડિનરની વાનગીઓ, સોફાના પાયા પાસે ભોંય પર આડો પડેલો કાચનો ગ્લાસ, ટેબલ પર દૂર પડેલી ક્લાન મૅક્ગ્રેગર વ્હિસ્કીની અડધી ભરેલી બોટલ, કિચન તરફના સર્વિંગ ટેબલ પર જેમતેમ મૂકાયેલા કપડાં અને બે સોફાની વચ્ચે લેધરનું કૂશન મઢેલી બે મોટી બેગ, જૂની ઘસાઈ ગયેલી ફાઈલો...


બેગ અને ફાઈલોના ઢગલાને એ તરત ઓળખી ગયો. આ બધો તેણે અહીં મૂકાવેલો ડગ્લાસનો સામાન હતો. જેમ્સ અને વિલી એ બેયનો હુલિયો અને ખાસ તો ઓરડાની દશા જોઈને એ પણ સમજાતું હતું કે બંનેએ રાતભર ડગ્લાસના કાગળિયા ફેંદ્યા હતા.
બેક્ડ બિન્સ, હેમ બર્ગર અને જ્યુસનો બ્રેકફાસ્ટ ડિસ્ટીલરી કેન્ટિનમાંથી આવ્યો એટલે ત્રણેયે પહેલાં નાસ્તો પતાવ્યો. હિમવર્ષાને લીધે ઠારનું પ્રમાણ હજુ ય ઘટ્યું ન હતું અને હિટર વગરના આ જૂનવાણી ઘરમાં દિવસે ય ફાયરપ્લેસ જલતું રાખ્યા વગર આરો ન હતો.


છેવટે ઈયાને જ શરૂઆત કરી.
'એઝ યુ કેન ગેસ, આવા હેવી સ્નોફોલમાં હું ફક્ત બ્રેકફાસ્ટ કરવા માટે તો લંડનથી સવા ચારસો કિલોમીટર ઓવરનાઈટ ડ્રાઈવ કરીને અહીં ન જ આવ્યો હોઉં...'
જવાબ વિલીએ જ આપવાનો હતો. વિલીએ ઘડીક અસમંજસમાં જેમ્સની સામે જોયું પણ એ તો ચૂપચાપ જ્યુસ પીતો રહ્યો. નાછૂટકે વિલીએ ગળુ ખોંખાર્યું.

એ જલદી કોઈના પર ભરોસો મૂકી શકતો ન હતો અને બાળપણથી જ એકાકી જિંદગી જીવ્યો હોવાથી કોઈને એ પોતીકા પણ ગણી શકતો નહિ

'યાહ મિ. સ્ટુઅર્ટ, હું તમને કોલ કરવાનો જ હતો...' વિલીની એ સ્વભાવગત નબળાઈ હતી. એ જલદી કોઈના પર ભરોસો મૂકી શકતો ન હતો અને બાળપણથી જ એકાકી જિંદગી જીવ્યો હોવાથી કોઈને એ પોતીકા પણ ગણી શકતો નહિ. કોઈ લાગણી દર્શાવે તો પણ સૌથી પહેલાં તો વિલીના મનમાં શંકા જ પેદા થાય.
પણ હવે તો બોલવું જ રહ્યું. આમ પણ ડગ્લાસના પટારમાં જે નથી મળ્યું એ સઘળું મેળવવા માટે તેણે હવે ચાંપતું પગેરું દબાવવું પડશે અને એમાં જેમ્સ ઉપરાંત ઈયાનની મદદ અનિવાર્ય બનશે એ હવે વિલીને ય સમજાઈ રહ્યું હતું.


'જો વિલી...' તેનો સંકોચ ઘટાડવા ઈયાને સધિયારો આપવા માંડ્યો. ફાયનાન્સ પ્લાનર તરીકે લોકોને પલાળવામાં તે એક્કો હતો, 'ડગ્લાસ વિશે જે કંઈ ખબર હતી એ મેં તને કહી દીધી. હવે ખરેખર જો તું પણ એ સ્થિતિમાં હોય તો તેની ગંભીરતા તને સમજાય છે ને?'


વિલી એકીટશે તેની તરફ જોઈ રહ્યો. તેની આંખોમાં અકથ્ય ભાવ હતા, પણ એ જોઈને પોતાનું તીર ધારી દિશામાં જઈ રહ્યું હોવાની ઈયાનને ખાતરી થઈ ગઈ.
'ડગ્લાસ સપનાથી પરેશાન હતો. તેના ફાધરને પણ એ જ ત્રાસ નડ્યો હતો. હવે જો તને પણ એવું થતું હોય તો...' પબ્લિક કમ્યુનિકેશનમાં માહેર ઈયાને જાણી જોઈને વાક્ય અધૂરું છોડી દીધું અને બંનેના હાવભાવ તિક્ષ્ણ નજરે નિહાળવા માંડ્યો.


જેમ્સની આંખોમાં, ચહેરા પર તેને સ્પષ્ટ સંમતિ દેખાતી હતી અને નીચે ઝૂકી ગયેલી વિલીની નજરો, પગના અંગૂઠાથી જમીન ખોતરવાની ચેષ્ટામાં આડકતરો સ્વિકાર અને કંઈક અંશે સ્વીકારવાનો ડર વર્તાતા હતા.
આખરે જેમ્સે વચ્ચે ઝુકાવ્યું, 'વેલ મિ. સ્ટુઅર્ટ, મેં તો હજુ હાલમાં જ તમારા વિશે જાણ્યું અને વિલીને ય હું પહેલી જ વાર મળી રહ્યો છું, બટ લેટ મી સે સમથિંગ...'


'અફકોર્સ યસ મિ. જેમ્સ...' ઈયાન પણ ઈચ્છતો જ હતો કે જેમ્સ વાતમાં ઝુકાવે. કારણ કે, એ આવ્યો ત્યારથી તેણે બંનેની બોડી લેંગ્વેજનું બારીક નિરીક્ષણ કર્યું હતું. વિલીએ કદાચ, છૂટકો ન રહ્યો હોય એટલે, પણ જેમ્સ પાસે થોડુંક હૈયું તો ખોલ્યું જ હશે એવી તેને ખાતરી હતી.
'તમે ડગ્લાસ વિશે ઘણું જાણો છો, તેનાં સાક્ષી ય રહ્યા છો. હું વિલીને એટલો તો બિલકુલ નથી જાણતો, પણ તેણે જે વાત કરી એ મુજબ મને લાગે છે કે એ મોટી મુશ્કેલીમાં છે જ અને સપનાનો ભય તેના પર ભયંકર હદે હાવી થઈ ચૂક્યો છે.'


'ઓહહહ્....' ઈયાનનો ચહેરો ગંભીર બની ગયો, 'હું પણ તેની આંખોમાં બિલકુલ એવો જ ખૌફ જોઈ રહ્યો છું, જેવો મેં ડગ્લાસની આંખોમાં જોયો હતો...'
ઈયાન અને જેમ્સ હવે અરસપરસ વાતો કરી રહ્યા હતા એ જોઈને પારાવાર ક્ષોભથી વિલીએ આંખો મીંચી દીધી. તેની ખુદની જ વાત થઈ રહી હતી. તેની પોતાની મુશ્કેલીઓ વિશે બે એવાં લોકો અંગતપણે રસ લઈને વાત કરી રહ્યા હતા જે તેના કંઈ જ થતાં ન હતા અને એ આમ મુડદાલની જેમ અનિર્ણયાત્મક, તંગ અને મીંઢી દશામાં પૂતળાની જેમ બેઠો હતો.


તેના મનમાં અનાયાસે જ હજુ કાલે જ વાંચેલી પૂર્વજોની ગાથા ઝબકવા માંડી. તેનો દાદો અચ્છો નિશાનબાજ હતો. વડદાદો ઘોડા ખેલવીને છેક બ્રિટિશ શાહી કુટુંબનો માનીતો બની ગયો હતો. એક પૂર્વજ વળી એડિનબર્ગ પરગણાંનો સૂબો હતો અને આ વડદાદો આર્થર તો છેક ઈન્ડિયા જઈને મૅક્લિનની બહાદુરીના હાંકોટા ગર્જાવી ચૂક્યો હતો.
- અને એ પોતે એક સપનાની વાત કહેવામાં આટલો ડરતો હતો? મુદ્દલ એક સપના માટે, નોકરીઓની, છોકરીઓની નિષ્ફળતા માટે, આર્થિક તંગદીલી માટે આટલો બધો ક્ષોભ? નિષ્ફળ ગયો તો ગયો... નિષ્ફળ જનારો દુનિયામાં એ પહેલો અને એકમાત્ર છે? વડદાદા આર્થરે ય ક્યાંક તો માર ખાધો હશે ને?


વડદાદો ફ્રેડરિક ક્યારેક તો તોફાની ઘોડા પર પલાણવા જતાં મોંભેર પટકાયો હશે ને? એ સૌ હિંમતભેર ઊભા થયા હશે. પછડાટનો માર ખમી ખાધો હશે, મોંમાંથી નીકળી ગયેલું લોહી ઝનૂનભેર થૂંકી નાંખ્યું હશે અને ફરી પોતાની આપત્તિ સામે બાથ ભીડવા ઝઝુમ્યા હશે માટે એ છેવટે સફળ બન્યા હશે.
ગણતરીની સેકન્ડોમાં વિલીના મનમાં વિચારોનો ઝંઝાવાત ફૂંકાતો રહ્યો. કદી ન જોયેલા વડવાઓના શૂરાતનના, કારમા પુરુષાર્થના, ખમીરના અને સફળ થવાના ઝનુનના દૃશ્યો તેની આંખો સામે ફિલ્મની જેમ પસાર થતાં રહ્યાં.


આ જેમ્સ... સાલો એક સેકન્ડ માટે ય ભૂલી શકતો નથી કે એ મૅક્લિન છે... ધ ગ્રેટ મૅક્લિન! ભલે તેનું મિથ્યાભિમાન નિરર્થક હોય તો પણ આફત સામે લડવા માટે, હિંમતભેર ઝઝુમવા માટે મૅક્લિન હોવાની ય ક્યાં જરૂર હતી? મૅક્લિન નથી એ ય લડતાં જ હોય છે ને? તો હું જ કેમ આટલો ગભરાઉં છું?


'યસ મિ. સ્ટુઅર્ટ...' તેણે શરીરને તંગ કરીને ઈયાનની આંખમાં જોયું, 'જેમ્સ કહે છે એ મુજબ, મારી તકલીફ બહુ મોટી છે, નાની છે, ક્ષણિક છે કે જીવલેણ છે એ કશી જ મને ખબર નથી...' તેનાં ચહેરા પર સ્મિત હતું એથી બંનેને આશ્ચર્ય થતું હતું પણ અવાજમાં ચોખ્ખી નરવાઈ હતી, 'પણ હા, એ હકિકત છે કે મને ય મારા બાપ ડગ્લાસ અને દાદા હેન્રીની માફક છેલ્લાં કેટલાંક સમયથી ભયાનક, બિહામણા સપના આવે છે... લોહી વહેતું હોય એવી લાલઘૂમ નદીના ધસમસતા વહેણમાં ચાલી જતી એક ઓરત મને દેખાય છે... એ ઓરતનો ચહેરો મને ઊઘાડી આંખે પણ છળાવી દે છે... એ કશુંક કહેવા મથે છે પણ હું એ જોઈ શકતો નથી એટલે આંખો મિંચી જાઉં છું. ત્રાસીને ચીસ પાડી ઊઠું છું. પથારીમાં છટપટી જાઉં છું અને રાતભર થથરતો રહું છું....'


એ એકસરખી સ્વસ્થતાથી બોલી રહ્યો હતો. તેનાં અવાજમાં જરાક સરખો ય થોથવાટ ન હતો અને આંખોમાં ચમકારો હતો. જેમ્સ અને ઈયાન તેનું આ પરિવર્તન આશ્ચર્યથી જોઈ રહ્યા હતા અને એ એકધારો બોલી રહ્યો હતો, 'ક્યારેક એ સપનું સતત આવ્યા કરે છે... ક્યારેક થોડીક કલાકોના અંતરાલ પછી આવે છે... પણ તેનો ડર, તેનો ખૌફ, તેનો ભાર મારા દિલોદિમાગ પર સતત, હરપળ રહ્યા કરે છે. હું રાત્રે ઊંઘી શકતો નથી અને દિવસે બીજું કશું વિચારી શકતો નથી... મારે તમને કહેવું જોઈએ કે નોકરીમાં પણ દિવસભર મને એટલો ભય લાગતો હતો કે હું એકપણ કામમાં ધ્યાન પરોવી શકતો ન હતો... મારે બિલકુલ નિખાલસતાથી એ પણ કહેવું જોઈએ કે, મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કરતી વખતે પણ મને આ સપનાના જ વિચાર આવતા હતા અને હું તેને સંતોષી શકતો ન હતો...'


ઈયાન ખળભળી ગયો. જેમ્સના ચહેરા પર લાલાશ તરી આવી, પણ વિલી જાણે વર્ષો પછી અવાજ ખૂલ્યો હોય એમ બોલી રહ્યો હતો, 'અહીં આવીને હું જેમ્સને મળ્યો... સોરી મિ. જેમ્સ, બટ આઈ નીડ અ ટાઈટ હગ ફ્રોમ યુ... દાદાને જોયા નથી, બાપને ય મેં તો નાની અણસમજણી ઉંમરે ગુમાવી દીધો હતો... એકપણ વડવાને જોયા નથી, પણ તમને મળીને મને લાગે છે કે વિક્ટર મૅક્લિન...' તે જરાક હસ્યો અને સુધારો કર્યો, 'ધ ગ્રેટ વિક્ટર મૅક્લિનથી લઈને આજ સુધીના તમામ પરાક્રમી મૅક્લિન્સને મેં મળી લીધું છે...'


એ બોલ્યે જતો હતો અને જેમ્સની આંખોમાં છવાતી જતી ભીનાશ હવે વહીને ગાલ સુધી પ્રસરી રહી હતી, અને તોય વિલી કહી રહ્યો હતો, 'મારા બાપદાદાની આ ભૂમિ પર આવીને, જેમ્સને મળીને મને અહેસાસ થાય છે કે મારે આ ખૌફથી મુક્ત થવું હશે તો તેનો સામનો કરવો જ પડશે... બિલકુલ એ જ હિંમતથી, ઝનુનથી, તાકાતથી અને જ્વાંમર્દીથી...' પછી તે જેમ્સની નજીક સર્યો અને સ્મિતભેર તેની આંખમાં આંખ પરોવીને ઉમેર્યું, 'જેનાં માટે અમે મૅક્લિન્સ દુનિયાભરમાં વિખ્યાત છીએ...'


ઘડીભર જેમ્સ તેને અપલક નજરે જોઈ રહ્યો અને પછી ઊભો થઈને ભાવવિભોર થઈને ભેટી પડ્યો. ઈયાને પણ બંનેના ખભા થપથપાવ્યા.
કોણ જાણે કેટલાંય વખત પછી મૅક્લિન એસ્ટેટનું આ મકાન હરખાયું હોય તેમ પવનના વિંઝણે ડોલતાં વૃક્ષો મકાનના છાપરે હિલોળે ચડ્યા.
એ પછી ક્યાંય સુધી ત્રણેય વચ્ચે સંતલસ થતી રહી. ડગ્લાસના પટારામાંથી ફાઈલો નીકળતી રહી, બંધ થતી રહી. કાગળિયા જોવાતા રહ્યા, નકામા કાગળોના બંડલો બાજુ પર મૂકાતા રહ્યા. આખરે ત્રણેયે પ્રસ્થાન કરવાની તૈયારી આદરી.
*** *** ***


'આપણે મોડી રાત સુધીમાં પહોંચી જઈશું, આઈ થિન્ક...' સડસડાટ દોડી જતી જગુઆરમાં બારીની બહાર જોઈ રહેલાં જેમ્સે કહ્યું.
'હા, જો સ્નોફોલ ન થાય તો મેક્સિમમ સાડા સાત કલાક થાય...' ઈયાને ડેશબોર્ડ પર જોઈને સ્મિત વેર્યું.
'પણ કાલે સવારે એ માણસ, સોરી નામ ભૂલી ગયો, પણ એ નોબલ રેકર્ડ ઓફિસવાળો મળશે?'
'નો...' ઈયાનના બદલે વિલીએ જ જવાબ આપી દીધો, 'મને લાગે છે કે પહેલાં આપણે એમિલિયાને જ શોધવી જોઈએ...'


જવાબમાં ઈયાને પણ સંમતિસુચક ડોકું ધૂણાવ્યું, 'પણ પહેલાં એ ક્યાં છે એ જાણવું પડશે... છેલ્લે એ બ્રેન્ટફોર્ડ વિસ્તારમાં ક્યાંક રહેતી હતી...'
'એમિલિયા એટલે...' પેલા માણસનું ય નામ ભૂલી ગયેલો જેમ્સ ફરી યાદ કરવા મથતો હતો.
'યસ...' વિલીએ પાછલી સીટમાં જેમ્સ તરફ મોં ફેરવીને સ્મિત વેર્યું, 'માય ફાધર્સ ગર્લફ્રેન્ડ...!!'
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP